મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પંચમહાલ : NEETની પરીક્ષામાં ચોરી કૌભાંડનો મામલો, વોટ્સએપ ચેટમાં થયો મોટો ખુલાસો

પંચમહાલના ગોધરા ખાતે નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ચોરી કરાવવાનું કૌભાંડ ઝડપાયું છે. જય જલારામ સ્કૂલમાં પરીક્ષામાં કૌભ

પંચમહાલ : NEETની પરીક્ષામાં ચોરી કૌભાંડનો મામલો, વોટ્સએપ ચેટમાં થયો મોટો ખુલાસો

પંચમહાલના ગોધરા ખાતે નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ચોરી કરાવવાનું કૌભાંડ ઝડપાયું છે. જય જલારામ સ્કૂલમાં પરીક્ષામાં કૌભાંડનો પર્દાફાશ થયો હતો. કૌભાંડના તાર વડોદરાની રોય ઓવરસીઝ સુધી પહોંચતા પોલીસ દ્વારા રોય ઓવરસીઝના સંચાલક પરશુરામ રોયની પુછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી.પંચમહાલ પોલીસની તપાસમાં વડોદરા SOG પોલીસ પણ જોડાઈ છે.

પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપરિન્ટેન્ડન્ટની ગાડીમાંથી 7 લાખ રોકડા મળ્યા

જિલ્લા કલેકટરને મળેલી બાતમીના આધારે નીટની પરીક્ષા કેન્દ્ર ઉપર જિલ્લા અધિક કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારીની તપાસ ટીમો દ્વારા તપાસ કરાતા પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપરિન્ટેન્ડન્ટની ગાડીમાંથી 7 લાખ રોકડા મળી આવ્યા હતા. પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપરિન્ટેન્ડન્ટના મોબાઈલ માંથી વોટસએપ ચેટમાં કુલ છ વિદ્યાર્થીઓને ચોરી કરાવી એક વિદ્યાર્થી દીઠ દસ લાખ રૂપિયા લેવાનું નક્કી થયા હોવાનું પણ સામે આવ્યું છે. 

ગોધરામાં નીટની પરીક્ષામાં ગેરરીતી મામલે શિક્ષક તુષાર ભટ્ટને શાળાના ચેરમેન દિક્ષિત પટેલ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શિક્ષક તુષાર ભટ્ટ પાછલા એક વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવતાં હતાં. 

પંચમહાલ જિલ્લા શિક્ષણાધિકારી તરીકે ફરજ બજાવતા કિરીટ મણિલાલ પટેલે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ જણાવ્યું હતું કે, ગત 5 મેના રોજ માહિતી મળી હતી કે, ગોધરાના પરવડી ચોકડી પાસે આવેલી જય જલારામ સ્કૂલમાં NEETની પરીક્ષા લેવાની છે, આ પરીક્ષામાં તુષાર ભટ્ટ નામનો ઇસમ ગેરરીતિ આચરનાર છે. 

જેના પગલે જિલ્લા શિક્ષણાધિકારી તેઓની ટીમ સાથે પરવડી ખાતે આવેલી જય જલારામ સ્કૂલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તમામ વ્યક્તિઓની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જેમાં તુષાર ભટ્ટ નામનો વ્યક્તિ પણ હાજર હતો.

તુષાર ભટ્ટે પોતે પરીક્ષા સેન્ટરના સેન્ટર ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ હોવાનું જણાવ્યું હતું. જે બાદ તેઓ પાસે રહેલા ફોનની તપાસ કરવામાં આવી હતી. જેમાં બે પૈકીના એક મોબાઈલ ફોનમાંથી તપાસ દરમિયાન વોટ્સએપમાં પરશુરામ રોય નામની ચેટમાં કોમ્પ્યુટર સ્ક્રીનમાંથી મોકલેલા ત્રણ ફોટા મળી આવ્યા હતા. જેમાં 11 પરીક્ષાર્થીઓનાં નામો તથા તેની સામે રોલ નંબર અને પરીક્ષા કેન્દ્રનું સરનામું લખેલું મળી આવ્યું હતું. ત્યાર બાદ અન્ય મેસેજમાં પરીક્ષાર્થીની વિગતો મળી આવી હતી. જે બાબતે શિક્ષણ વિભાગની ટીમે પૂછતા તમામ વિગતો વડોદરાની રોય ઓવરસીઝના માલિક પરશુરામ રોય નામના ઈસમે મોકલી હોવાનું જણાવ્યું હતું.


નીટની પરીક્ષા કૌભાંડ મામલે કોંગ્રેસના પ્રવકતા દોશીની પ્રતિક્રિયા સામે આવી

પંચમહાલમાં નીટની પરીક્ષા કૌભાંડ મામલે કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડો.મનીષ દોશીની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં તેમણે કહ્યું કે માતા-પિતા પોતાના પેટે પાટા બાંધીને બાળકોને ભણાવતા હોય છે. ત્યારે કેટલાક માલેતુજાર લોકોના લીધે અને સ્કૂલોના લીધે આવી ઘટનાઓ બને છે. ભૂતકાળમાં પણ શિક્ષણ વિભાગના આશીર્વાદથી શિક્ષણ જગતને લાંછન લાગતી ઘટનાઓ બની છે. જેમાં કાર્યવાહીના ભાગરૂપે ભાજપની નાની માછલીઓ પકડી મોટા મગરમચ્છોને છોડી દેવાય છે. ત્યારે આ મામલે હવે તમામ લોકો પર કાર્યવાહી કરવામા આવે તેવી માગ મનીષ દોશીએ કરી હતી.

આ સમાચાર શેર કરો