સુરતમાં ફાયર સેફ્ટી ન રાખનારા પર તવાઈ, ટેક્સટાઈલ માર્કેટની 600 દુકાનો સહિત જીમ અને ટ્યુશન ક્લાસ સીલ
રાજકોટની દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ફાયર સેફ્ટીને લઈને આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે

રાજકોટની દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ફાયર સેફ્ટીને લઈને આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે તક્ષશિલા બાદ સૂઈ ગયેલું ફાયરબ્રિગેડ ભરનિંદ્રામાંથી જાગીને કામગીરી કરી રહ્યું છે. બ્રહ્મજ્ઞાન થયું હોય તેમ ફાયર વિભાગ દ્વારા સતત બીજા દિવસે સિલિંગની કામગીરી યથાવત રાખવામાં આવી છે. જેમાં ટેક્સટાઈલ માર્કેટની 600 દુકાનો સીલ કરવામાં આવી છે.
અલગ અલગ ટેક્સટાઈલ માર્કેટની દુકાનો સીલ
મોડીરાત્રે ટેક્સટાઇલ માર્કેટ, હોસ્પિટલ, ડેન્ટલ ક્લિનિક, ટ્યુશન ક્લાસીસ, જીમ, હોટલ અને રેસ્ટોરન્ટમાં સીલ મારવામાં આવ્યું છે. ટેક્સટાઇલ માર્કેટમાં આવેલ રાધે માર્કેટની 411 દુકાનો સીલ કરવામાં આવ્યા છે. તેની સાથે જ શ્રી ૐ ટેક્સટાઇલ માર્કેટની 111 દુકાનોને સીલ કરવામાં આવ્યા છે. ઉપરાંત હિરપનના ટેક્સટાઇલ માર્કેટની પણ 75 દુકાનોને સીલ કરવામાં આવ્યા છે.
ફાયર સુવિધાને લઈને કામગીરી
વરાછા ઝોન બીમાં ટર્નિંગ પોઇન્ટ કોમર્શિયલ કોમ્પ્લેક્સની 57 દુકાનો સીલ કરવામાં આવ્યા છે. કતારગામ વિસ્તારમાં આવેલ B+B+2નું જીમને પણ સીલ કરવામાં આવ્યા છે. બેગમપુરામાં પણ એક જીમને સીલ કરવામાં આવ્યા છે. રાંદેર ઝોનમાં આવેલ રાજ પોઇન્ટમાં આવેલ દુકાનો, અને ચાર જેટલી ટ્યુશન ક્લાસીસો સહિત કુલ 50 જેટલી દુકાનોને સીલ કરવામાં આવ્યા છે. તમામ સ્થળોએ ફાયરની અપૂરતી સુવિધા હોવાને કારણે સીલ કરવામાં આવ્યું છે.








