મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતમાં 5 વિધાનસભાની પેટાચૂંટણી માટે 56.56 ટકા વોટિંગ, શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ

ગુજરાતમાં મંગળવારે 25 લોકસભા બેઠકની સાથે 5 વિધાનસભાની બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થઈ ગયું

ગુજરાતમાં 5 વિધાનસભાની પેટાચૂંટણી માટે 56.56 ટકા વોટિંગ, શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ

ગુજરાતમાં મંગળવારે 25 લોકસભા બેઠકની સાથે 5 વિધાનસભાની બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે. સાંજે 5.00 વાગ્યા સુધીમાં રાજ્યની 25 લોકસભા બેઠક પર સરેરાશ 55.22 ટકા તથા વિધાનસભાની 5 બેઠકો પર 56.56 ટકા મતદાન થયું છે.  તમને જણાવી દઈએ કે, 5 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે પણ મતદાન થયું હતું.  જેમાં ખંભાત, વિજાપુર, વાઘોડિયા, પોરબંદર અને માણાવદર બેઠકનો સમાવેશ થાય છે.

મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું. રાજયના તમામ સંસદીય મતવિભાગોમાં મતદાનની પ્રક્રિયા  પૂર્ણ થઇ છે.  

મતદાનના દિવસે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી ખાતે કંટ્રોલરૂમ સહિત EVM સંબંધી 11, આદર્શ આચારસંહિતા સંબંધી 21 તથા બોગસ વોટીંગ, કાયદો વ્યવસ્થા, ક્રાઉડીંગ વગેરે અંગે 18 અને અન્ય 42 મળી કુલ 92 ફરિયાદો મળી છે. 

40ડિગ્રીની ગરમીમાં પણ મતદાન સ્ટાફે ખૂબ જ નિષ્ઠાથી ફરજ નિભાવી


પ્રાથમિક માહિતી પ્રમાણે ભરૂચના કેસર, સુરતના સણધરા તેમજ બનાસકાંઠાના ભાખરી ગામે ગ્રામજનોએ મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો હોવાની જાણકારી મળી છે. જ્યારે માંગરોળના ભાટગામ તથા બાલાસિનોરના બોડોલી અને પુંજરા ગામે આંશિક બહિષ્કારની જાણકારી મળી છે. મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ પોલીંગ સ્ટાફની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, લગભગ 40 થી 41 ડિગ્રીની ગરમીમાં પણ મતદાન સ્ટાફે ખૂબ જ નિષ્ઠાથી ફરજ નિભાવી છે તે બદલ તેમણે મતદાન સ્ટાફ તથા તેમના પરિવારજનોનો આભાર પ્રગટ કર્યો હતો.

જાફરાબાદમાં એક કર્મચારીનું મૃત્યુ થયું 

રાજ્યમાં બનેલી કેટલીક દુઃખદ ઘટનાઓ અંગે માહિતી આપતાં તેમણે જણાવ્યું હતું કે, રાજુલામાં એક કર્મચારીને અકસ્માતમાં ગંભીર ઈજાઓ થઈ છે. જ્યારે જાફરાબાદ તાલુકામાં એક કર્મચારીનું મૃત્યુ થયું છે અને છોટાઉદેપુરમાં એક પોલીસ કર્મચારીનું બાઈક અકસ્માતમાં મૃત્યુ થયું છે. તેમણે દિવંગતોને શ્રદ્ધાંજલી અર્પી હતી.

આ સમાચાર શેર કરો