સુરતમાં ઠેર ઠેર સીલ, ફાયરબ્રિગેડની કાર્યવાહીથી ટેક્સટાઈલની 4 હજાર દુકાનોનો પાંચ હજાર કરોડનો વેપાર ઠપ્પ
રાજકોટની ઘટના બાદ સુરત મહાનગરપાલિકા અને ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટી અને noc, bucના અભાવે કરવામાં

રાજકોટની ઘટના બાદ સુરત મહાનગરપાલિકા અને ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટી અને noc, bucના અભાવે કરવામાં આવી રહી છે. કાર્યવાહીના પગલે સુરતના રીંગરોડ વિસ્તારમાં આવેલી 4,000થી વધુ ટેક્સટાઇલ માર્કેટની દુકાનો બંધ રહેતા પ્રતિ દિવસ ચારથી પાંચ હજાર કરોડનો વેપાર હાલ ઠપ્પ થઈ ગયો છે. વેપારીઓ દ્વારા સમય નવી ગાઈડ લાઇન જાહેર કરવા માંગ કરવામાં આવી છે. વેપારી અને શ્રમિક વર્ગ હાલ તંત્રની કામગીરીના કારણે મુશ્કેલીમાં મુકાયો છે.
દુકાનો બંધ થતાં વેપારીઓની રજૂઆત
રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ મોડે મોડે જાગેલા સુરત મહાનગરપાલિકાના તંત્ર દ્વારા કાર્યવાહીનો દોર શરૂ કરવામાં આવ્યો છે. તંત્ર તરફથી ફાયર સેફ્ટી, એનઓસી અને બીયુસીના અભાવે અલગ અલગ સંસ્થાઓ સામે સીલની કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા એક અઠવાડિયા દરમિયાન સુરત મહાનગરપાલિકા દ્વારા અંદાજિત 1000થી પણ વધુ મિલકતોને જરૂરી ડોક્યુમેન્ટસના અભાવે સીલ કરવામાં આવી છે. સુરક્ષાની બાબતોને લઈ તંત્રએ કડકાઈ શરૂ કરી છે. પરંતુ તંત્રની આ કડકાઇ સામે સુરત ટેક્સટાઇલ ઉદ્યોગનો વેપાર ખોરવાઈ રહ્યો છે. સુરતના રીંગ રોડ વિસ્તારમાં આવેલી ટેક્સટાઇલ માર્કેટની અંદાજિત 4000થી વધુ દુકાનો હાલ સદંતર બંધ પડી છે.જેથી વેપારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
કામદારો મુશ્કેલીમાં મૂકાયા
જે દુકાનોને તંત્ર દ્વારા ફાયર સેફ્ટીના અભાવે સીલ કરવામાં આવી છે. તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીના કારણે ધંધો વેપાર તો ઠપ થઈ ગયો છે. પરંતુ, તેની સાથે કામદારોની રોજગારી સામે પણ સવાલ ઉભો થયો છે. ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓએ જણાવ્યું છે કે, હાલ બંધ પડેલી દુકાનોના કારણે પ્રતિ દિવસ અંદાજી ચારથી પાંચ હજાર કરોડનો વેપાર ઠપ્પ થઈ ગયો છે. દુકાનો બંધ રહેવાના કારણે શ્રમિકો પણ ગામડે જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં વેપારીઓની સાથે કામદારો પણ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. જેથી તંત્ર પાસે એક જ આશા અપેક્ષા છે કે, ક્યાં તો નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવે અથવા તો વેપારીઓને સમય ફાળવવામાં આવે.








