ઓઢવમાં થયેલી લુંટના ગુનામાં 4ની ધરપકડ, બિઝનેસ માટે પરિવાર મદદે ન આવતા કર્યું આ કૃત્ય
ત્રણ દિવસ પહેલા ઓઢવમાં થયેલા લુંટના ગુનામાં પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે. આરોપીની પુછપ

ત્રણ દિવસ પહેલા ઓઢવમાં થયેલા લુંટના ગુનામાં પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે. આરોપીની પુછપરછમાં લુંટની સાથે બાઈક ચોરી અને ચેન સ્નેચીંગના ગુનાની પણ કબુલાત કરી છે. મહત્વનું છે કે એક આરોપીને બિઝનેસ કરવા પરિવારનો સહયોગ ન મળતા ચોરી અને લુંટના રવાડે ચડ્યો હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
13 ફેબ્રુઆરીની રાતે અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં થયેલી લુંટ મામલે પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે. પોલીસે હર્ષિલ ઉર્ફે બ્રાવો કુચારા, અમિત પંચાલ, જય સોલંકી અને આર્યન રાઠોડની ધરપકડ કરી છે. આરોપી પાસેથી પોલીસે સોનાની ચેન સહિત બે બાઈક અને હથિયાર પણ કબ્જે કર્યા છે. જો બનાવની વાત કરીએ તો 3 દિવસ પહેલા જગદિશ પટેલ નામના વેપારી પોતાના મિત્રને મળવા જતા હતા. તે સમયે જડેશ્વર વન પસાર કર્યા બાદ 3 ઈસમો બાઈક પર આવી છરી બતાવી લુંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. જે ગુનામાં પોલીસે તમામ આરોપીને ઝડપી ગુનાનો ભેદ ઉકેલ્યો છે.
પોલીસે લૂંટના ગુનામા 4 આરોપીની ધરપકડ કરી તપાસ કરતા હકીકત સામે આવી કે આ લુંટને અંજામ આપવા માટે હર્ષિલ, અમિત અને આર્યન ગયા હતા. જોકે જય તેમને તમામ ટીમ અને માહિતી પુરી પાડતો હતો. સાથે જ લુંટ પહેલા આરોપીએ નિકોલમાંથી બાઈક પણ ચોરી કર્યું હતુ. અને તેનો ઉપયોગ કરી લુંટ અને નિકોલ, રામોલ અને ઈશનપુરમાં ચેઈન સ્નેચીંગ પણ કરી હોવાની કબુલાત કરી રહ્યા છે.
ઝડપાયેલી ટોળકીમાં જય મુખ્ય આરોપી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ઝડપાયેલા 4 આરોપીમાંથી આર્યન રાઠોડ કણભાનો રહેવાસી છે. અને તે અભ્યાસ પુર્ણ કરી વ્યવસાય કરવા માંગતો હતો. જો કે, પરિવારે મદદ ન કરતા તે રુપિયા મેળવવા માટે લૂંટારુ ટોળકી સાથે ભળી ગયો, અને લૂંટના ગુનામાં સંડોવાયો હતો. મહત્વનું છે કે લૂંટ કેસમાં ઝડપાયેલા આરોપીની પુછપરછમાં અન્ય ગુનાનો ભેદ ઉકેલાય તેવી પણ શક્યતા પોલીસ વ્યક્ત કરી રહી છે. ત્યારે પોલીસ તપાસમાં શું ખુલાસા થાય છે તે જોવું મહત્વનું છે.





