તગડું રિટર્ન આપવાની લાલચ આપીને ગુજરાતીઓને ખંખેર્યા, 36 કરોડનું કૌભાંડ કરનાર ટોળી પકડાઈ
આસામ પોલીસે રૂ. 36 કરોડથી વધુનું સાયબર કૌભાંડ કરનારી એક ટોળકીનો પર્દાફાશ કર્

આસામ પોલીસે રૂ. 36 કરોડથી વધુનું સાયબર કૌભાંડ કરનારી એક ટોળકીનો પર્દાફાશ કર્યો છે. જેમાં તે લોકોના નામ પર બેન્ક ખાતું ખોલાવી તેનો ઉપયોગ ગેરકાયદે લેવડ-દેવડ માટે કરતી હતી. આ ખાતાંઓનું સંચાલન રાજ્યની બહાર બેઠેલા આરોપીઓના સહયોગીઓ દ્વારા થતુ હતું. ગુજરાત સહિત વિવિધ રાજ્યોના લોકોને આસામના મુખ્યમંત્રીએ આ પ્રકારના ફ્રોડથી સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
આસામ પોલીસના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, શહેરમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ રેકેટમાં વિવિધ રાજ્યો ઉપરાંત વિદેશો ખાસ કરીને દુબઈના લોકો પણ સામેલ છે. ગુવાહાટી પોલીસના સીપી દિગંત બરાહે જણાવ્યું હતું કે, આ વર્ષની શરૂઆતમાં ગુવાહાટીમાં એક ફરિયાદ નોંધાઈ હતી. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, તેના પરિચિતે તેના નામ પર બેન્ક ખાતું ખોલાવ્યુ હતું. પરંતુ ઘણાં મહિનાઓ થયા હોવા છતાં તેને ચેકબુક કે પાસબુક મળી નથી.
આ મામલે તપાસમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેઓ આ રેકેટના એજન્ટ તરીકે કામ કરતા હતા. વધુમાં શહેરના હાટીગામ વિસ્તારમાં ભાડે ફ્લેટ પરથી આપત્તિજનક સામાન પણ જપ્ત કરવામાં આવ્યો છે. ફરિયાદીઓએ આ મામલે કુલ 35.51 કરોડનું નુકસાન થયુ હોવાની વાત કહી છે. પોલીસે માત્ર રૂ. 2.55 કરોડ વસૂલ્યા છે.
જપ્ત કરવામાં આવેલી વસ્તુઓમાં 44 ચેકબુક, 12 બેન્ક પાસબુક, 49 એટીએમ કાર્ડ, યુએઈ અને થાઈલેન્ડની સાત વિદેશી કરન્સી, સાત યુપીઆઈ સ્કેનર અને એક આંતરરાષ્ટ્રીય ડ્રાઈવિંગ પરમિટ સામેલ છે. લોકોને આ પ્રકારના કૌભાંડ વિશે સતર્ક અને જાગૃત્ત રહેવા અપીલ કરવામાં આવી છે.
આ રીતે કૌભાંડ આચરતાં
સાયબર ગુનેગારોની આ ટોળકી ટેલિફોન અને ઈન્ટરનેટની મદદથી વિવિધ ફ્રોડ મારફત લોકોને ઠગી રહી હતી. તેમજ રોકડના ટ્રાન્જેક્શન માટે બેન્ક ખાતાંની માગ કરે છે. પીડિતના ડોક્યુમેન્ટની મદદથી બેન્ક ખાતું ખોલાવી તેના એટીએમ, પાસબુક ગેરકાયદે લેવડદેવડ માટે એક્સેસ કરે છે. જેના કનેક્શન વિદેશમાં દુબઈ અને થાઈલેન્ડમાં હોવાની આશંકા છે.
આ રેકેટમાં દિબ્રુગઢના 22 વર્ષીય ઓનલાઈન વેપારી વિશાલ ફુકન અને ગુવાહાટીના સ્વપ્નિલ દાસની ધરપકડ થઈ છે. ફુકન આલીશાન જીવનશૈલીથી લોકોને આકર્ષિત કરી પોતાના રોકાણકારોને 60 દિવસમાં 30 ટકા રિટર્ન આપવાનું વચન આપતો હતો. બાદમાં નફાની રકમ એકાઉન્ટમાં જમા કરાવવા બેન્ક ખાતું ખોલાવવા કહેતો હતો. તેણે ચાર નકલી કંપની પણ ઉભી કરી હતી.
એજન્ટને રૂ. 60 હજારનું કમિશન
મુખ્ય એજન્ટને પ્રત્યેક ખાતાં પર રૂ. 50 હજારથી રૂ. 60 હજારનું કમિશન મળે છે. જ્યારે ખાતું ખોલાવનાર એજન્ટને ખાતા દીઠ રૂ. 5000 મળે છે. બેન્ક ખાતું ખોલાવવા માટે એજન્ટને નોકરી પર પણ રાખ્યા હતા. તેઓ ખાસ કરીને અભણ અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોને શિકાર બનાવે છે. બેન્ક ખાતાંમાં લિંક કરાવવા માટે નવો ફોન નંબર પણ લઈ આપે છે. જેની એક્સેસ એજન્ટ પાસે રહે છે. જેની મદદથી મોબાઈલ બેન્કિંગ મારફત એક્સેસ કરે છે.








