મુંબઈના સીમ સુરતમાં વેચવા આવતા 3 ઝડપાયા, દુબઇમાં સીમકાર્ડ મોકલાતા હોવાની આશંકા
મુંબઈથી પ્રિ-એક્ટિવ સીમકાર્ડ સુરતમાં વેચાણ કરવા આવતા મુંબઈના ત્રણ શખ્સોને સારોલી પોલીસે ડમી ગ્રાહકની મદદથી

મુંબઈથી પ્રિ-એક્ટિવ સીમકાર્ડ સુરતમાં વેચાણ કરવા આવતા મુંબઈના ત્રણ શખ્સોને સારોલી પોલીસે ડમી ગ્રાહકની મદદથી ઝડપી પાડ્યા છે. જેની પાસેથી 5.04 લાખના 672 પ્રિ-એક્ટિવ સીમકાર્ડ મળી આવ્યા છે. આરોપી પાસેથી 4 મોબાઇલ કબજે કર્યા છે. મુંબઈના મુકેશ અને ભગવાને પ્રિ-એક્ટિવ સીમ આપ્યા હતા. આ સીમકાર્ડ દુબઈ ખાતે મોકલવામાં આવતા હોવાની પણ શક્યતા પોલીસને લાગી રહી છે. પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી મંગળવાર સુધીના રિમાન્ડ મેળવ્યા છે. સાથે બે સૂત્રધારોને પકડવા પોલીસની ટીમ મુંબઈ રવાના કરવામાં આવી છે. નોંધનીય છે કે, પ્રિ-એક્ટિવ સીમ ક્રિકેટના સટ્ટા, ગેમીંગ અને શોપિંગ, ડમી લીંક તેમજ ઓનલાઇન ઠગાઈમાં વપરાતા હોય છે.
મુંબઈમાં રોડ પર છત્રી મૂકીને સીમ વેચતા હતા
મુંબઈમાં એરટેલ અને વોડાફોનમાં કામ કરતા મુકેશ અને ભગવાન કંપનીના સીમકાર્ડનું પ્રમોશન કરવા રોડ પર છત્રી રાખી સીમ વેચતા હતા. સીમની ખરીદી કરવા આવતા ગ્રાહકોને બાયોમેટ્રિક વખતે એકવાર પ્રોસેસ બરાબર થઈ નથી કહી બીજીવાર પ્રોસેસ કરાવી એક સીમકાર્ડ ગ્રાહકને આપી બીજું સીમકાર્ડ પોતાની પાસે રાખી લેતા હતા.
400 કમિશન લેવાના હતા
આરોપી રોનક કારીયા ગુજરાતી છે અને મુંબઈમાં રહે છે. તેનો જમીન દલાલીનો ધંધો પડી ભાગતાં રૂપિયાની ખેંચ હતી. ચંદુ બાલોટીયા અને તેનો ભાઈ કિશન ઓનલાઇન શોપિંગમાં હેડફોન રિપેરિંગનો કોન્ટ્રાક્ટર છે, તેઓ રૂપિયાના ચક્કરમાં ભેરવાયા છે. મુંબઈના સૂત્રધાર મુકેશ અને ભગવાન પાસેથી તેઓ પ્રિ-એક્ટિવ સીમકાર્ડ 750 રૂપિયાના ભાવે લાવ્યા હતા. સુરતમાં એક સીમ પર 400 કમિશન લઈ 1150માં વેચવાના હતા, જેથી 672 સીમ વેચાણ કરીને 2.68 લાખ કમાઈ સરખે ભાગે વહેંચવાના હતા.
ઝડપાયેલા આરોપી
રોનક પંકજ કારીયા
ચંદુ ઓમપ્રકાશ બાલોટીયા
કિશન ઓમપ્રકાશ બાલોટીયા
વોન્ટેડ આરોપી
મુકેશ અને ભગવાન ઘુસાઈવાર








