સુરતના જ્વેલર્સમાંથી સવા કરોડના દાગીનાની ચોરી કરનારા 3 આરોપી ઝડપાયા, એક ભૂલ પડી ગઈ ભારે!
કહેવાય છે કે, કાયદાના હાથ બહુ લાંબા હોય છે. ગુનેગારો ગમે તેટલી સાવધાની રાખી

કહેવાય છે કે, કાયદાના હાથ બહુ લાંબા હોય છે. ગુનેગારો ગમે તેટલી સાવધાની રાખીને ગુનાને અંજામ આપતાં હોય પરંતુ એક સામાન્ય ભૂલ પણ તેમને પાંજરે પૂરવા પૂરતી સાબિત થતી હોય છે. આવુ જ કંઈક સુરતમાં થયું છે. 46 દિવસ અગાઉ સવા કરોડના દાગીના જ્વેલર્સને ત્યાંથી ચોરીને નાસી ગયેલા 3 આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. આરોપીઓ તેની એક ભૂલના કારણે પકડાઈ ગયા હતાં.
કાર પણ ચોરીની હતી
ચોરી કરેલા ત્રણેય આરોપીમાંથી એક જશપાલસિંહ ઉર્ફે સતપાલસિંહ ઉપર હત્યા સહિત અલગ-અલગ 27 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. આટલા ગુનામાં સામેલ આરોપીઓ પોતાની ભૂલના કારણે ઝડપાયા હતા. ચોરી કરવા માટે જે ઇનોવા કાર તેઓએ વડોદરાથી ચોરી કરી હતી. તે જ કાર ફરીથી વડોદરામાં મૂકી ફરાર થઈ ગયા હતા. આખરે આ કારથી સુરત ક્રાઈમ બ્રાન્ચ આરોપીઓ સુધી પહોંચી હતી.
પોલીસે અલગ અલગ ટીમ બનાવેલી
આરોપીઓને ઝડપી લેવા પાંચ પોલીસ ઇન્સ્પેક્ટર, 12 પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને 80 જેટલા પોલીસકર્મીઓ સામેલ હતા. આરોપીઓની શોધખોળ કરવા માટે 500થી પણ વધુ સીસીટીવી કેમેરા ફૂટેજની તપાસ કરવામાં આવી હતી. આખરે આરોપીઓ જે ઇકો ફોરવ્હીલર કારમાં આવ્યા હતા, તે બિનવારસી હાલતમાં વડોદરા શહેરમાં ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મળી આવી હતી. આ કારના આધારે આખરે ક્રાઈમ બ્રાન્ચ આરોપીઓ સુધી પહોંચી હતી. આરોપીઓ અન્ય નહીં પરંતુ સીકલીગર ગેંગના હોવાનું જાણવા મળ્યું હતું. જે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, તેમાં સસપાલસિંહ, શેરૂ સિંગ અને કરનાલ સિંહ સામેલ છે.
આ રીતે ચોરી કરી ભાગ્યા
ઘોડદોડ વિસ્તાર ખાતે આવેલા ઓર્નામેન્ટ જ્વેલર્સ નામની દુકાનમાંથી દુકાનનું શટર ઊંચકી લોખંડની ગ્રીલનો નકુચો તથા કાચના દરવાજાનો લોક તોડી દુકાનમાં પ્રવેશી શોકેસ તેમજ ટેબલના ખાનામાં મુકેલા સોનાના દાગીનાની ચોરી કરવામાં આવી હતી. દુકાનની અંદરથી સોના-ચાંદીના આશરે 3 કિલોગ્રામ સોનાના 18 તથા 22 કેરેટના દાગીના, 7 કિલો ચાંદી અને સીસીટીવીના ડીવીઆરની ચોરી કરી હતી. આ ઘટનાને 46 દિવસ થઈ ગયા હતા અને આખરે આ ઘટનામાં સામેલ ત્રણેય આરોપીની મુંબઈ, ભરૂચ અને ખંભાતથી સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.








