MEHSANA : કડીના જાસલપુરમાં 9 શ્રમિકોના મોતના કેસમાં 3 આરોપીઓની ધરપકડ
Mehsana News : મહેસાણા જિલ્લાના કડી તાલુકાના જાસલપુર ગામ નજીક આવેલી સ્ટેલીનોક્ષ સ્ટેઇનલેસ

Mehsana News : મહેસાણા જિલ્લાના કડી તાલુકાના જાસલપુર ગામ નજીક આવેલી સ્ટેલીનોક્ષ સ્ટેઇનલેસ પ્રા.લી. કંપનીમાં જમીનમાં 22 ફૂટ ઊંડા ખાડામાં ટાંકીના ચણતર કામ દરમિયાન ભેખડ ઘસી પડતા હજારો ટન માટી નીચે 10 જેટલા શ્રમિકો દટાઈ ગયા હતા.
ઘટનાની જાણ થતા મહેસાણા ફાયર વિભાગની રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને 5 કલાકના રેસ્ક્યૂ ઓપરેશન બાદ એકપછી એક 9 શ્રમિકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. આ ઘટાનામાં એક 19 વર્ષના શ્રમિકનો બચાવ થયો હતો.
બચી ગયેલા 19 વર્ષના શ્રમિક વિનોદ વસૈયાએ ફરિયાદી બની આ ઘટનામાં આ 3 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી :
- જયેશભાઈ દોશી - કોન્ટ્રાક્ટર
- કૌશિકભાઈ પરમાર - એન્જિનીયર
- દિનેશભાઇ ભુરિયા - લેબર ક્રોન્ક્ટાકટર
આ ત્રણેયની પોલીસે ધરપકડ કરી છે. ત્રણેય આરોપીઓએ ભેગા મળી બેદરકારી રાખ્યાની ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદી અને મરણ જનાર 9 શ્રમિકોને કોઇપણ જાતના સલામતીના સાધનો આપ્યા ન હતા. ખાડાની માટી ધસી ન પડે તે માટે કોઇ ટેકા કે પાલખ બાંધ્યા ન હતા. ખાડામાં ચણતરનું કામ કરવાથી માટીની ભેખડ ધસી પડવાની અને જાનહાની થવાની શક્યતા હતી. આવું જાણતા હોવા છતાં શ્રમિકોને ખાડામાં ચણતર કરવા ઉતાર્યા હતા. આ ત્રણેય આરોપીઓએ બેદરકારી દાખવી ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી.






