પાલનપુરમાં કોલેરા વકર્યો, 5 દિવસમાં 219 કેસ, 1નું મોત
પાલનપુર નગરપાલિકાની બેદરકારી : પીવાના પાણીની પાઈપમાં ગટરનું પાણી ભળી જતાં કેસમાં ચિંતાજનક વધારો બનાસકાંઠા જિલ્લા

પાલનપુર નગરપાલિકાની બેદરકારી : પીવાના પાણીની પાઈપમાં ગટરનું પાણી ભળી જતાં કેસમાં ચિંતાજનક વધારો
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં કોલેરાએ માથું ઉંચક્યું છે. છેલ્લા પાંચ દિવસમાં જ પાલનપુરમાં કોલેરાના 219 કેસ નોંધાઈ ચૂક્યા છે જ્યારે 1 વ્યક્તિનું મૃત્યુ થયાનું સામે આવ્યું છે. કોલેરાના કેસની આગ પ્રસરતાં આરોગ્ય તંત્ર હવે કૂવો ખોદવા બેઠું છે અને ક્લોરિનેશન ટેબ્લેટ-ઓઆરએસ પેકેટના વિતરણ સહિત વિવિધ પગલાં લેવાનું શરૂ કર્યું છે.
ગટરનું દૂષિત પાણી પીવાના પાણીની પાઈપમાં ભળી ગયું
પાલનપુરમાં કોલેરાના કેસ વધવા પાછળ પણ તંત્રની બેદરકારી હોવાનું પ્રાથમિક વિગતોમાં સામે આવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર વિવિધ વિસ્તારમાંથી પસાર થતી પીવાના પાણીની પાઇપમાં 10 જેટલા લીકેજ થયા હતા. જે પાલિકા દ્વારા રીપેર કરવામાં બેદરકારી દાખવવામાં આવતાં ગટરનું દૂષિત પાણી પીવાના પાણીની પાઈપમાં ભળી ગયું હતું. જેના કારણે કોલેરાના કેસમાં કૂદકેને ભૂસકે વધારો થવા લાગ્યો હતો. આ પાણી પીવાથી અનેક લોકો ઝાડા-ઉલટીમાં સપડાયા હતા. ચાર જૂનથી કોલેરાના કેસમાં વધારો થવાનું શરૂ થયું છે અને અત્યારસુધી 219થી વધુ લોકો અસરગ્રસ્ત છે જ્યારે એક અસરગ્રસ્તનું મૃત્યુ પણ થયું છે.
શનિવારે 19 નવા કેસ નોંધાયા
શનિવારે એક જ દિવસમાં પાલનપુરના કોટ વિસ્તારમાં 19 નવા કેસ નોંધાયા હતા. કેસમાં થયેલા વધારાને પગલે આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ ટીમ બનાવીને અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોની તપાસ કરાઈ હતી. આ અસરગ્રસ્તોના સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમજ આ વિસ્તારોમાં ઓઆરએસ પેકેટનું વિતરણ કરાયું હતું. આ ઉપરાંત પાલિકાની ટીમ દ્વારા જાહેર માર્ગ પર જંતુનાશક દવાનો છંટકાવ કરાયો હતો. પરતું પાઈપમાં ભંગાણ મામલે પાલિકાની બેદરકારી સામે લોકોમાં ભારે નારાજગી ફેલાઇ છે.








