20 લાખનું દેવું થઈ ગયુ છે મરવા સિવાય રસ્તો નથી- તેમ બહેનને કહી તાપીનો ફોટો મોકલ્યો ને ગણતરીની મિનિટમાં પહોંચી પોલીસ
સુરતમાં આપઘાતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે માથે થઈ ગયેલા દેવાને કારણે આપઘાત કરવા યુવક

સુરતમાં આપઘાતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે માથે થઈ ગયેલા દેવાને કારણે આપઘાત કરવા યુવક નીકળ્યો હતો. જો કે, તેણે બહેનને ફોન કરીને સમગ્ર કેફિયત કહ્યા બાદ તાપી નદીનો ફોટો પણ મોકલ્યો હતો. જો કે, બહેને પોલીસને જાણ કરી દીધી હતી. જેથી પોલીસનો કાફલો તાત્કાલિક પહોંચી જતાં યુવકને બચાવી લીધો હતો.
બહેન-બનેવીએ પોલીસને જાણ કરી
યુવકે બહેનને ફોન કરી કહ્યું કે, આર્થિક દેવું ખૂબ વધી ગયું છે. હવે મારી પાસે મરવા સિવાય બીજો કોઇ રસ્તો નથી. આ સાથે વોટ્સએપમાં તાપી નદીનો ફોટો મોકલી અને સુસાઈડ કરવા આવ્યો હોવાનું કહ્યું હતું. જેથી યુવકની બહેને તેના પતિને જાણ કર્યા બાદ ઉત્રાણ પોલીસને જાણ કરતા ગણતરીની મિનિટોમાં યુવક સુધી પહોંચી તેને બચાવી લીધો હતો.
મોબાઈલ નંબરના આધારે ઝડપાયો
પોલીસે યુવકના નંબર આધારે કાપોદ્રા પાસેથી પકડી પાડ્યો હતો. યુવકને આત્મહત્યા કરવા જતા રોકી પોલીસ સ્ટેશન ખાતે લાવી તેની અટકાયત કરી હતી. આ સાથે જ આત્મહત્યા ન કરવાનું સમજાવી તેના બહેન અને બનેવીને સોંપી દીધો હતો. ACP આર.પી. ઝાલાએ કહ્યું કે, આ યુવકનું આત્મહત્યાના પ્રયાસનું કારણ આર્થિક દેવું થઈ ગયું હતું. યુવક ઓનલાઈન બિલ ભરવાનું કામકાજ કરતો હતો. જેથી આર્થિક સંકડામણ થઈ જતા આ પગલું ભરવાનું વિચાર્યું હતું. બાદમાં તેને કાઉન્સેલિંગ માટે મોકલાયો છે.








