ચોમાસા પહેલા ગુજરાતનું વહિવટીતંત્ર સજ્જ, રાજ્યમાં NDRFની 15, SDRFની 11 કંપની તૈયાર
15 NDRF and 11 SDRF companies ready before monsoon in Gujarat | Monsoon 2024 : રાજ્યમાં ચોમાસા દરમિયાન કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે વહીવટીતંત્ર અત્

Monsoon 2024 : રાજ્યમાં ચોમાસા દરમિયાન કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે વહીવટીતંત્ર અત્યારથી સંપૂર્ણ સજ્જ બને તે જરૂરી છે તેમ, મુખ્ય સચિવ રાજકુમારે ગાંધીનગર ખાતે જણાવ્યું હતું.
મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક
મુખ્ય સચિવ રાજકુમારે રાજ્યના તમામ વિભાગો અને કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ, લશ્કરની ત્રણેય પાંખના પ્રતિનિધિઓ, કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો સહિત વહિવટી તંત્રના તમામ અધિકારીઓ સાથે આજે ગાંધીનગર ખાતે બેઠક યોજી ચોમાસા દરમિયાન સંભવિત આપત્તિના સામના માટેના આગોતરા આયોજન અને સજ્જતાની સમીક્ષા કરી હતી.
મુખ્ય સચિવે કહ્યું હતું કે, આપત્તિ વ્યવસ્થાપનના ભાગરૂપે રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં આપદા મિત્રોને તાલીમ આપી સજ્જ કરાશે. ભૂતકાળમાં જે વિસ્તારમાં વધુ વરસાદ થયો હોય તેવા વિસ્તારોની પણ અત્યારથી સમીક્ષા કરીને આગામી ચોમાસા માટે જરૂરી તૈયારીઓ કરી લેવી જોઈએ જેથી અગમચેતીના ભાગરૂપે નુકસાન અટકાવી શકાય. શહેરી વિસ્તારોમાં જૂના-જોખમી મકાનોની સ્થળ તપાસ કરાવી અત્યારથી જ તેને ખાલી કરાવવા જોઈએ જેથી જાનહાની ટાળી શકાય. ચોમાસાની તૈયારી સંદર્ભે વિવિધ સ્થળે મોકડ્રીલ યોજવા તેમજ ચોમાસા દરમિયાન સરદાર સરોવર, ઉકાઈ સહિતના ડેમોમાં પાણીની સ્થિતિ અંગે અગાઉથી વિગતો મેળવવા તેમણે વહીવટીતંત્રને સૂચનાઓ આપી હતી.
NDRFની 15 તેમજ SDRFની 11 ટીમો તૈયાર
ગાંધીનગર ખાતે યોજાયેલી ‘‘પ્રિ મોનસુન પ્રિપેર્ડનેસ’’ અંગેની બેઠકના અઘ્યક્ષસ્થાનેથી મુખ્ય સચિવે જણાવ્યું હતું કે, સંભવિત આપત્તિના સામના માટેની જેટલી આગોતરી સજ્જતા કેળવાય તેટલી ઝડપથી આપણે રાહત-બચાવની કામગીરી કરી શકીશું જેથી ઓછામાં ઓછું નૂકસાન થાય તેવી સ્થિતિનું નિર્માણ થઇ શકશે. તેમણે તમામ વિભાગોને આપત્તિ વ્યવસ્થા૫ન પ્લાન જરૂરી ફેરફાર સાથે તૈયાર રાખવા જણાવી, રાજ્ય વહિવટી તંત્ર, કેન્દ્ર સરકારની કચેરીઓ, સુરક્ષા એજન્સીઓ વચ્ચે અસરકારક સંકલન રાખવા પર પણ ભાર મૂક્યો હતો. વધુમાં, તેમણે રાજ્યમાં આવેલા શેલ્ટરહોમમાં સુવિધાઓ ચકાસવા તેમજ તાલુકા સ્તરેથી તાલુકા-ગામડાઓ વચ્ચે માહિતીનું આદાન-પ્રદાન યોગ્ય થાય તે અંગે તંત્રને તાકીદ કરી હતી.
તેમણે ઉમેર્યું કે, સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યમાં NDRFની 15 તેમજ SDRFની 11 ટીમો ઉપલબ્ધ રહેશે જેને જરૂરિયાત પ્રમાણે તહેનાત કરી શકાશે. આ ટીમો પૂરતી બોટ, લાઈફ જેકેટ તથા અદ્યતન કમ્યુનિકેશનની સુવિધાઓથી સજ્જ હશે.
31 મે આસપાસ ગુજરાતમાં ચોમાસાના આગમનની સંભાવના
કેન્દ્રીય હવામાન વિભાગના અધિકારીએ આગામી ચોમાસાની વિસ્તૃત માહિતી આપતા કહ્યું હતું કે,સંભવિત તા. 31 મેની આસપાસ કેરળ ખાતે ચોમાસાનું આગમન થશે જેથી આ વર્ષે ગુજરાતમાં દર વર્ષ કરતાં વહેલું ચોમાસું આવવાની શક્યતા છે. હવામાન ખાતા દ્વારા આગામી સમયમાં દર સપ્તાહે વરસાદ વિશે જરૂરી વિગતો આપવામાં આવશે.








