મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભાજપના 26 ઉમેદવારોમાં 12 રિપીટ, 14ના પત્તા કપાયા, 2 પક્ષપલટુઓને મળી તક, જુઓ સંપૂર્ણ લિસ્ટ

ભાજપ હાઈકમાન્ડે મોડી રાત્રે ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી હતી જેમાં ગુજરાતના વધુ સાત ઉમેદવારના ના

ભાજપના 26 ઉમેદવારોમાં 12 રિપીટ, 14ના પત્તા કપાયા, 2 પક્ષપલટુઓને મળી તક, જુઓ સંપૂર્ણ લિસ્ટ

ભાજપ હાઈકમાન્ડે મોડી રાત્રે ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી હતી જેમાં ગુજરાતના વધુ સાત ઉમેદવારના નામોનું સત્તાવાર એલાન કરાયું હતું. આ યાદી સાથે ભાજપના ગુજરાતની 26 બેઠકો પરના તમામ ઉમેદવારનો નામ જાહેર થઈ ગયા છે. જે પ્રમાણે 12 ઉમેદવારોને રિપીટ કરાયા છે. જ્યારે 14ના પત્તા કપાયા છે. ભાજપ હાઈકમાન્ડે કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્ર મુંજપરા ઉપરાંત અમરેલીના વર્તમાન સાંસદ નારણ કાછડિયાને પણ પડતા મૂક્યા છે. જ્યારે 4 નવા ચહેરાને લોકસભાની ચૂંટણી મેદાને ઉતારવામાં આવ્યા છે. મહત્ત્વની વાત એ છે કે, કુલ સાત ઉમેદવારો પૈકી બે પક્ષપલટુઓને પણ સાંસદ બનવાની ભાજપે તક આપી છે. 

છેલ્લા કેટલાય દિવસથી અમરેલી, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને મહેસાણા બેઠકનું કોકડુ ગૂંચવાયું હતું. આખરે આ ચારેય બેઠકોની ગૂંચનો ઉકેલ આવ્યો હતો. 
મહેસાણા બેઠક પર સાંસદ શારદાબેન પટેલે ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો હતો જેના પગલે તેમના પુત્રથી માંડીને ભાજપના દિગ્ગજ નેતા એ.કે. પટેલના પુત્ર સહિત ઘણા દાવેદાર હતાં તેમ છતાય ભાજપ હાઈકમાન્ડે ચોર્યાસી પાટીદાર સમાજના હરીભાઈ પટેલને ટિકિટ આપી છે. 

જૂનાગઢમાં સાંસદ રાજેશ ચુડાસમા સામે ભરપૂર વિરોધ હોવા છતાય તેમને રિપીટ કરાયા છે. ડો.ચગ આત્મહત્યા કેસ પ્રકરણને લીધે ચુડાસમાની વિદાય નક્કી હતી. જો કે, ભાજપને જૂનાગઢમાં કોઈ સક્ષમ ઉમેદવાર ન મળતા આખરે રાજેશ ચુડાસમાને પુનઃ ટિકિટ અપાઈ છે. આ ઉપરાંત અમરેલીમાં વર્તમાન સાંસદ નારણ કાછડિયા ઘણા વિવાદોમાં સપડાયા હતા. આ જોતા તેમને ઘેર બેસાડાયા છે. કાછડિયાને સ્થાન નવા ચહેરા તરીકે જીલ્લા પંચાયતના પ્રમુખ ભરત સુતરિયાની પસંદગી કરાઈ છે.

સુરેન્દ્રનગરમાં કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરાની બાદબાકી થઈ છે તેમના સ્થાને વર્ષ 2017માં કોંગ્રેસ છોડીને કેસરિયો ખેસ પહેરનારા હળવદ તાલુકા કોંગ્રેસ સમિતીના પૂર્વ પ્રમુખ ચંદુભાઈ શિહોરાને ટિકિટ અપાઈ છે. સુરેન્દ્રનગર અને અમરેલીમાં ઉમેદવારોની પસંદગીએ ભાજપના નેતાઓને ચોંકાવ્યા હતા. જે દાવેદારોના નામ ચર્ચામા હતા તેમને તક જ મળી નહીં.

વડોદરામાં સાંસદ રંજનબેન ભટ્ટ સામે વિરોધનો બૂગિંયો ફુંકાયો હતો, જેથી તેમણે ચૂંટણી લડવા ઈન્કાર કરી દીધો હતો. આ જોતા હાઈકમાન્ડે વડોદરા શિક્ષણ સમિતીના યુવા ઉપાધ્યક્ષ ડો. હેમાંગ જોશીના નામ પર પસંદગીની મહોર મારી હતી. બ્રાહ્મણ ઉમેદવારને ચૂંટણી મેદાને ઉતારતા અસંતોષની આગ ઠરી છે. સાબરકાંઠામાં અટકકાંડે ભીખુજી ઠાકોરનો ભોગ લીધો હતો. ભીખુજીએ ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી. આ કારણોસર હાઈકમાન્ડે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર બારૈયાના પત્ની શોભનાબેન બારૈયાને ટિકિટ આપી છે. મહેન્દ્ર બારૈયાએ પણ થોડાક વખત પહેલા જ કોંગ્રેસને અલવિદા કહીને કેસરિયો ખેસ પહેર્યો હતો. બારૈયાને પક્ષપલટો ફળ્યો છે. પક્ષપલટુને ટિકિટ અપાતા મૂળ ભાજપના કાર્યકરોમાં કચવાટ ઉભો થયો છે.

ક્રમાંક મતવિસ્તાર રિપીટ કે પત્તુ કપાયું ઉમેદવાર
૧ કચ્છ રિપીટ વિનોદભાઈ ચાવડા
૨ બનાસકાંઠા પત્તુ કપાયું પરબતભાઈ પટેલ
૩ પાટણ રિપીટ ભરતસિંહજી ડાભી ઠાકોર
૪ મહેસાણા પત્તુ કપાયું શારદાબેન પટેલ
૫ સાબરકાંઠા પત્તુ કપાયું દિપસિંહ રાઠોડ
૬ ગાંધી નગર રિપીટ અમિત શાહ
૭ અમદાવાદ પૂર્વ રિપીટ હસમુખ પટેલ
૮ અમદાવાદ પશ્ચિમ પત્તુ કપાયું કિરીટ સોલંકી
૯ સુરેન્દ્રનગર પત્તુ કપાયું મહેન્દ્ર મુંજપરા
૧૦ રાજકોટ પત્તુ કપાયું મોહન કુંડારીયા
૧૧ પોરબંદર પત્તુ કપાયું રમેશભાઈ ધડુક
૧૨ જામનગર રિપીટ પૂનમબેન માડમ
૧૩ જુનાગઢ રિપીટ રાજેશ ચુડાસમા
૧૪ અમરેલી પત્તુ કપાયું નારણભાઈ કાછડીયા
૧૫ ભાવનગર પત્તુ કપાયું ભારતી શિયાલ
૧૬ આણંદ રિપીટ મિતેશભાઈ પટેલ
૧૭ ખેડા રિપીટ દેવસિંહ ચૌહાણ
૧૮ પંચમહાલ પત્તુ કપાયું રતનસિંહ રાઠોડ
૧૯ દાહોદ રિપીટ જસવંતસિંહ ભાભોર
૨૦ વડોદરા પત્તુ કપાયું રંજનબેન ભટ્ટ
૨૧ છોટા ઉદેપુર પત્તુ કપાયું ગીતાબેન રાઠવા
૨૨ ભરૂચ રિપીટ મનસુખભાઈ વસાવા
૨૩ બારડોલી રિપીટ પરભાબાઈ વસાવા
૨૪ સુરત પત્તુ કપાયું દર્શન જર્દોષ
૨૫ નવસારી રિપીટ સી.આર.પાટીલ
૨૬ વલસાડ પત્તુ કપાયું ડૉ. કે.સી.પટેલ

આ સમાચાર શેર કરો