ગુજરાતમાં ગરમી જીવલેણ બની, સુરતમાં છેલ્લા 24 કલાકમાં 10 લોકોએ ગુમાવ્યો જીવ
ગુજરાત અગનભઠ્ઠીમાં શેકાઈ રહ્યું છે. સુરતમાં વધેલા તાપમાનના કારણે હીટવેવના કેસોમાં વધારો થયો છે. પાંડેસરામાં

ગુજરાત અગનભઠ્ઠીમાં શેકાઈ રહ્યું છે. સુરતમાં વધેલા તાપમાનના કારણે હીટવેવના કેસોમાં વધારો થયો છે. પાંડેસરામાં હીટવેવમાં એક યુવક સહિત અચાનક બેભાન તેમજ ગભરામણ થવાથી ૧૦ લોકોના મોત નીપજ્યા હતા. મૃતકોમા નાના બાળકોથી લઈને મોટી ઉમરના 10 લોકોના 24 કલાકમાં મોત નીપજ્યાં છે.
હીટવેવથી મોત
પ્રથમ બનાવ માં પાંડેસરા ગણેશનગરમાં રહેતો શુશાંત અંકુર ચરણ શેટ્ટી (ઉ.વ.૩૫) મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. તા.૧૯ મેના સાંજે ઘર પાસે અચાનક ખેંચ આવતા પાડી ગયો હતો. જેથી તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન ગઇકાલે રાત્રે મોત નિપજ્યું હતું. શુશાંત શેટ્ટીનું હિટવેવના કારણે મોત નિપજ્યું હોવાની સિવિલ હોસ્પિટલના તબીબે શક્યતા વ્યક્ત કરી હતી.
ભિક્ષુકનું મોત
બીજા બનાવમાં મૂળ મહારાષ્ટ્રનો વતની અને હાલ રાંદેર રામ નગરમાં ભિક્ષુક ગૃહમાં છેલ્લા એક વર્ષથી રહેતો વિજય વાસુદેવ પાટીલ (ઉ.વ.૪૦) ગત્રરોજ સાંજે તેને અચાનક ગભરામણ થયા બાદ બેભાન થઈ ગયો હતો. જેથી તેને સારવાર માટે ૧૦૮ માં સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં સારવાર દરમિયાન અચાનક બેભાન થતા તેનું મોત નિપજ્યું હતું. વિજયનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું. ત્રીજા બનાવમાં મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ સચિન આનંદ મંગલ સોસાયટીમાં રહેતો ચેતન સુરેશ પરાઠ (ઉ.વ.૩૯) ટેક્સટાઇલમાં ડિઝાઇનર તરીકેની નોકરી કરી પરિવારને આર્થિકરીતે મદદરૂપ થતો હતો. ગઈકાલે સાંજે ચેતન પોતાના ઘરે અચાનક બેભાન થઈ ઢળી પડ્યો હતો. જેથી પરિવારજનો તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી તેને મૃત જાહેર કર્યો હતો.
શ્રમિકનું મોત
ચોથા બનાવમાં મૂળ બિહારના વતની અને હાલ હજીરા મોરા ટેકરા તપોવન સોસાયટીમાં રહેતો સુદર્શન કોમલ યાદવ (ઉ.વ.૪૫) એલ એન્ડ ટી કંપનીમાં મજૂરી કામ કરી વતનમાં રહેતા પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. ગઈકાલે મોટી રાત્રે એલ એન્ડ ટીના ગેટ પાસે બેભાન હાલતમાં મળી આવતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. બાદમાં તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી તેને મૃત જાહેર કર્યો હતો.
સારવાર દરમિયાન મોત
પાંચમાં બનાવમાં વેસુ એસએમસી આવાસમાં રહેતો ૩૮ વર્ષીય અનિલ સુરેશ ગોડસેને ગઇકાલે રાત્રે ઘરે શ્વાસ લેવામાં તકલીફ પડતાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં અનીલનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. છઠ્ઠા બનાવમાં ગોપીપુરામાં આવેલ સુનિતા એપાર્ટમેન્ટમાં રહેતા ૪૦ વર્ષીય કિશનસિંગ વિજયસિંગ વિશ્વકર્મા કાપડ માર્કેટમાં કામ કરી પરિવારનું ભરણપોષણ કરતા હતા. ગઈકાલે જાપાન માર્કેટના ઓટલા ઉપર બેભાન હાલતમાં મળી આવ્યા હતા. જેમને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ માં લઇ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા.
આધેડનું મોત
સાતમા બનાવમાં પર્વત ગામ હળપતિ વાસમાં રહેતા ૫૦ વર્ષીય મંગાભાઈ મધુભાઈ રાઠોડ ગઈકાલે સાંજે પોતાના ઘરે ખેંચ આવતા બેભાન થઈ ઢળી પડ્યા હતા. જેથી તેમને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા.
ગભરામણ થયા બાદ મોત
આઠમા બનાવમાં વરાછા એકે રોડ મોદી મહોલ્લોમાં રહેતા મુકેશ શિવલાલ પંડિત મજૂરી કામ કરી પરિવારનું ભરણપોષણ કરતા હતા. ગતરોજ મુકેશભાઈને ઘરે છાતીમાં ગભરામણ થયા બાદ બેભાન થઈ ગયા હતા. જેથી તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું બુધવારે સવારે મોત નીપજ્યું હતું.
બેભાન થયા બાદ મોત
નવમા બનાવમાં પાંડેસરા અંબિકા નગર આશાપુરી ગોવાલક પાસેથી એક ૩૫ વર્ષીય અજાણ્યો બેભાન હાલતમાં મળી આવ્યો હતો. જેથી તેમને સારવાર માટે ૧૦૮માં સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. દસમાં બનવામાં વરાછા ટાંકલી ફળિયુંમાં રહેતો ૫૦ વર્ષીય એક અજાણ્યો પુરુષ ગતરોજ સાંજે બેભાન હાલતમાં મળી આવ્યો હતો. જેથી તેને સારવાર માટે ૧૦૮ માં સ્મીમેર હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો.








