મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

હાઇપ તૂટ્યો, હકીકત સામે આવી! 2025ના આઇપીઓ બજારનું કડવું સત્ય

ભારતનું પ્રાઇમરી માર્કેટ એટલે કે આઇપીઓ માર્કેટ વર્ષ 2025માં પોતાના મજબૂત સમયમા

હાઇપ તૂટ્યો, હકીકત સામે આવી! 2025ના આઇપીઓ બજારનું કડવું સત્ય

ભારતનું પ્રાઇમરી માર્કેટ એટલે કે આઇપીઓ માર્કેટ વર્ષ 2025માં પોતાના મજબૂત સમયમાં રહ્યું. પ્રાઇમ ડેટાબેઝના સંશોધન પ્રમાણે 15 ડિસેમ્બર 2025 સુધી દેશમાં કુલ 101 મેઇન બોર્ડ  આઇપીઓ અને 254 એસએમઇ આઇપીઓ મારફતે કુલ રૂ. 1.85 લાખની રકમ એકત્ર કરવામાં આવી છે. આ કોઇ પણ કેલેન્ડર વર્ષમાં આઇપીઓ મારફતે ઊભી કરવામાં આવેલી રકમ કરતાં સૌથી મોટું ભંડોળ છે. આમાં રૂ. 1.74 લાખ કરોડ મેઇન બોર્ડ આઇપીઓ મારફતે ઉભા કરાયા અને એસએમઇ મારફતે રૂ. 10853 કરોડ એક્ત્ર કરવામાં આવ્યા છે. 

વર્ષ 2024માં આઇપીઓ મારફતે કુલ રૂ. 1.6 લાખ કરોડ એકત્ર કરવામાં આ વ્યા હતાં એટલે કે આઇપીઓ બજારમાં સળંગ બીજા વર્ષે મજબૂતિ અને તેજી જળવાઇ રહી હતી. ટાટા કેપિટલ, એલજી ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા, એચડીબી ફાઇનાન્શિયલ સર્વિસીસ, આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ એએમસી, લેન્સકાર્ટ, ગ્રોવ, એનએસડીએલ, મીશો, ફિઝિક્સવાલા અને કેનેરા એચએસબીસી લાઇફ ઇન્શ્યોરન્સ જેવી ઘણી મોટી અને જાણીતી કંપનીઓએ આ રેકોર્ડ ભંડોળ એકત્ર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

પ્રાઇમ ડેટાબેઝના મેનેજિંગ ડિરેક્ટર પ્રણવ હલ્દિયાએ 2025 ને ભારતના આઇપીઓ બજાર માટે એક સીમાચિહ્નરૂપ વર્ષ ગણાવ્યું અને કહ્યું કે સતત બે વર્ષના રેકોર્ડ ભંડોળ એકત્રીકરણ બજારની ઊંડાઈ અને પરિપક્વતાને પ્રતિબિંબિત કરે છે.

રોકાણકારોના અનુભવ અને આઇપીઓ માર્કેટમાંથી શીખવા મળેલો મહત્ત્વનો પાઠ
2025ના વર્ષ એ આઇપીઓ રોકાણકારોને ઘણા મહત્વપૂર્ણ પાઠ પણ શીખવ્યા. સૌથી મહત્વપૂર્ણ મુદ્દો એ હતો કે આઇપીઓ  માટે ઓવરસબસ્ક્રિપ્શન અથવા મોટી ભીડ લિસ્ટિંગના દિવસે નફાની ગેરંટી આપતી નથી. 101 મેઇનબોર્ડ આઇપીઓમાંથી, 29 તેમના ઇશ્યૂ ભાવથી નીચે સૂચિબદ્ધ હતા.

આમાં જેએસડબલ્યુ સિમેન્ટ, ડૉ. અગ્રવાલની હેલ્થકેર, એથર એનર્જી, વીવર્ક ઇન્ડિયા, ઓર્કલા ઇન્ડિયા અને ફુજિયામા પાવર સિસ્ટમ્સ જેવી કંપનીઓનો સમાવેશ થાય છે, જ્યારે આમાંના ઘણા આઇપીઓ એક થી 49 ગણા વચ્ચે સબસ્ક્રાઇબ થયા હતા. 2025 માં સાત આઇપીઓ 100 થી વધુ વખત સબસ્ક્રાઇબ થયા હોવા છતાં, તેમાંથી મોટાભાગના આઇપીઓએ લિસ્ટિંગ પછી તેમના પ્રારંભિક લાભ ગુમાવી દીધા.

એસએમઇ સેગમેન્ટમાં જોખમ વધુ હતું, જ્યાં લિસ્ટિંગના દિવસે 238 માંથી 85 આઇપીઓ ખોટમાં ગયા હતા, જેમાં કેટલાકમાં 45 ટકા સુધીનો ઘટાડો થયો હતો.  એમ્બિટ પ્રાઇવેટ લિમિટેડના એમડી અને કો-હેડ (ઇન્વેસ્ટમેન્ટ બેંકિંગ) વિકાસ ખટ્ટરે જણાવ્યું હતું કે, લિસ્ટિંગના દિવસે લગભગ બે તૃતીયાંશ આઇપીઓ વધ્યા હોવા છતાં, હાલમાં ફક્ત અડધા આઇપીઓ જ તેમના ઇશ્યૂ ભાવથી ઉપર ટ્રેડ કરી રહ્યા છે.

ઉચ્ચ મૂલ્યાંકન, ઓફર ફોર અને રોકાણ વ્યૂહરચના

વિશ્લેષકોએ એ પણ નિર્દેશ કર્યો હતો કે ખૂબ ઊંચા મૂલ્યાંકન પર લોન્ચ કરાયેલા આઇપીઓમાં રોકાણકારોને સૌથી વધુ નુકસાન સહન કરવું પડ્યું હતું. એરિસઇન્ફ્રા સોલ્યુશન તેનું સૌથી મોટું ઉદાહરણ હતું. જે લિસ્ટિંગના પ્રથમ દિવસે 21 ટકાથી પણ વધારે ગગડી ગયો હતો. કંપનીનું મૂલ્યાંકન તેના સ્પર્ધકો કરતા નોંધપાત્ર રીતે વધારે હતું, જેનાથી રોકાણકારોને આઘાત લાગ્યો. એજેક્સ એન્જિનિયરિંગ, એથર એનર્જી, ઓમ ફ્રેટ ફોરવર્ડર્સ, ગ્લોટિસ અને ફુજિયામા પાવર જેવા આઇપીઓ પણ ઊંચા ભાવને કારણે લિસ્ટિંગના દિવસે ઘટ્યા હતા.

આ ઉપરાંત, 2025માં આઇપીઓ દ્વારા એકત્ર કરાયેલી કુલ રકમના 60 ટકાથી વધુ રકમ ઑફર ફોર સેલ (ઓએફએસ) દ્વારા આવી હતી, જેનો અર્થ એ થયો કે આમાં કંપનીઓને ઓછા નવા પૈસા મળ્યા અને જૂના શેરધારકોને બહાર નીકળવાની વધુ તક મળી. તેમાં ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા, આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ એએમસી, ગ્રો, લેન્સકાર્ટ, એનએસડીએલ, એચડીબી ફાયનાન્સિયલ સર્વિસીઝ. વી વર્ક ઇન્ડિયા અને કેનેરા એચએસબીસી લાઇફ ઇન્શ્યોરન્સ જેવા આઇપીઓમાં ઓએફએસનો હિસ્સો વધારે હતો.  મહેતા ઇક્વિટીઝના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ (રિસર્ચ) પ્રશાંત તાપસે રિટેલ રોકાણકારોને સલાહ આપે છે કે તેઓ આવા આઇપીઓમાં ઉતાવળ કરવાનું ટાળે અને લિસ્ટિંગ પછી તેમના પ્રદર્શનનું અવલોકન કર્યા પછી જ રોકાણના નિર્ણયો લે.

હાઇપથી આગળ, મજબૂત વ્યવસાયમાં વિશ્વાસ રાખો

2025માં આઇપીઓ માર્કેટમાં સ્પષ્ટ જોવા મળ્યું કે, રોકાણકારોનું વલણ હવે માત્ર વાર્તાઓ, હાઇપ કે ગ્રે માર્કેટ પ્રિમિયમ ના ટ્રેન્ડ તરફ ન હતું. રોકાણકારો હવે કંપનીની કમાણી, નફો, બિઝનેસ મોડેલ અને ગવર્નન્સ પર વધુ ધ્યાન આપી રહ્યા છે. એલ.જી ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા અને રુબીકોન રિસર્ચ જેવા આઇપીઓ આના સારા ઉદાહરણો છે.

જેમણે લિસ્ટિંગ બાદ મજબૂત પ્રદર્શન કર્યું હતું અને પોતાના ઇશ્યુ પ્રાઇસ કરતાં 30 ટકા વધારે પ્રિમિયમ કમાવી આપ્યું હતું. એન્જલ વનના સિનિયર ફંડામેન્ટલ વિશ્લેષક વકાર જાવેદ ખાને જણાવ્યું હતું કે 2025માં આઇપીઓ રોકાણોમાં ગુણવત્તા પર સ્પષ્ટ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, રોકાણકારો હાઇપ કરતાં મજબૂત વ્યવસાયોને પ્રાથમિકતા આપી રહ્યા હતા.

નિષ્ણાતો કહે છે કે, ગ્રે માર્કેટ પ્રીમિયમ અને શરૂઆતનો ઉત્સાહ લાંબા ગાળાના વળતરના વિશ્વસનીય સૂચક નથી. મહેતા ઇક્વિટીઝના પ્રશાંત તાપસેએ જણાવ્યું હતું કે આવા સૂચકાંકો ઘણીવાર રોકાણકારોને ગેરમાર્ગે દોરે છે. પ્રાઇમ ડેટા બેઝના પ્રણવ હલ્દીઆના કહેવા પ્રમાણે જે રોકાણકારો માત્ર લિસ્ટિંગના દિવસનો લાભ મેળવવા પૈસા લગાવે છે તેમણે લિસ્ટિંગના દિવસે જ બહાર નીકળી જવું જોઇએ.  જ્યારે લાંબા ગાળા માટે મજબૂત વ્યવસાય અને સારા મૂલ્યાંકન ધરાવતી કંપનીઓમાં રોકાણ કરવું એ વધુ સારી વ્યૂહરચના હોઈ શકે છે.

આ સમાચાર શેર કરો