IT કંપનીઓમાં વરિષ્ઠ કર્મચારીઓ પર ભારે દબાણ, 15 વર્ષથી વધુ અનુભવ ધરાવતા 7,000 થી વધુ કર્મચારીઓ છટણીનો શિકાર
ભારતીય IT કંપનીઓમાં વરિષ્ઠ સ્તરના કર્મચારીઓ ઘણા દબાણમાંથી પસાર થઈ રહ્યા છે. ધીમા ધંધા

ભારતીય IT કંપનીઓમાં વરિષ્ઠ સ્તરના કર્મચારીઓ ઘણા દબાણમાંથી પસાર થઈ રહ્યા છે. ધીમા ધંધા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના વધતા વલણ વચ્ચે, IT કંપનીઓ ખર્ચ ઘટાડવા માટે ઉચ્ચ પગાર ધરાવતા મધ્યમ સ્તરના કર્મચારીઓને ઘટાડી રહી છે. કંપનીઓને તેમની જરૂરિયાત પ્રમાણે કર્મચારીઓ શોધી આપનારી કંપની એક્સફેનોના આંકડા પ્રમાણે દેશની સાત દિગ્ગજ આઇટી કંપનીઓ (Tata Consultancy, Infosys, Wipro, HCL Tech, Cognizant અને LTI Mind Tree, Tech Mahindra) માં 15 વર્ષથી વધારે અનુભવ ધરાવતા 7000થી વધુ સિનિયર કર્મચારીઓ છેલ્લા 12 મહીનામાં નોકરીઓથી હાથ ધોઇ બેઠા છે. આ સંખ્યા વરિષ્ઠ સ્તરે કામ કરતા આશરે 2,05,000 લાખ કર્મચારીઓના આશરે 4% છે.
આ કંપનીઓ છોડી ગયેલા લોકોમાં, લગભગ 43% અન્ય મોટી અથવા મધ્યમ કદની IT કંપનીઓમાં જોડાયા છે જ્યારે 48% ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર (જીસીસી) માં વરિષ્ઠ હોદ્દા પર ગયા છે. બાકીના કર્મચારીઓ નોન-જીસીસી અથવા અન્ય ટેક અને નોન-ટેક ભારતીય કંપનીઓમાં ગયા છે. જોકે, એ સ્પષ્ટ નથી કે આમાંથી કેટલા લોકોને છૂટા કરવામાં આવ્યા હતા અને કેટલા પોતાના કામ પર રહ્યા હતા. પરંતુ આઇટી ઉદ્યોગના નિરીક્ષકોના મતે, મોટાભાગના કર્મચારીઓને નોકરી છોડી દેવાનું કહેવામાં આવ્યું હતું.
ટીસીએસે મધ્યમ અને ઉચ્ચ સ્તરે 12,000 લોકોની છટણીની જાહેરાત કર્યા પછી ભારતીય આઇટી કંપનીઓ દબાણ હેઠળ છે. આમાં ૫૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના કર્મચારીઓનો સમાવેશ થાય છે. આમાંના મોટાભાગના લોકો એવા છે જેઓ બે દાયકાથી વધુ સમયથી કામ કરી રહ્યા છે અને લાંબા સમયથી એક જ કંપની સાથે જોડાયેલા છે.
IT ક્ષેત્ર હવે પહેલા જેવું રહ્યું નથી
નિષ્ણાતોના મતે, IT ક્ષેત્ર હવે પહેલા જેવું રહ્યું નથી. NASSCOM ના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે મીડિયાને જણાવ્યું હતું કે, 'ટીસીએસમાં છટણીની જાહેરાત આશ્ચર્યજનક છે કારણ કે તે મધ્યમ અને ઉચ્ચ સ્તરે જોડાયેલી છે. એવું જોવા અને સાંભળવામાં આવી રહ્યું છે કે એઆઇ નો ઉપયોગ મોટાભાગે નવા અને ઓછા અનુભવી લોકોને બદલવા માટે થઈ રહ્યો છે. પરંતુ પરિસ્થિતિ જે રીતે બદલાઈ રહી છે તે જોઈને, હવે બધા કર્મચારીઓ પર દબાણ વધી ગયું છે કે તેઓ તેમની કંપનીઓ માટે કેટલા અસરકારક છે તે સાબિત કરે.
સિનિયર મેનેજરો પર કામગીરીનું દબાણ હવે પહેલા કરતાં વધુ છે. આ બાબતથી પરિચિત લોકોના મતે, ટીસીએસમાં છટણી મોટાભાગે તેના સી-ફાઇવ સ્તર અને તેનાથી ઉપરના સ્તર સુધી મર્યાદિત છે. આમાં પચાસ વર્ષની ઉમરના લોકોનો પણ સમાવેશ થાય છે. ટીસીએસમાં કર્મચારી સ્તર તાલીમાર્થી તરીકે 'Y' થી શરૂ થાય છે, ત્યારબાદ સિસ્ટમ એન્જિનિયર C1, C2, C3 A & B, C4, C5 અને CXO આવે છે. C3 અને તેનાથી ઉપરના સ્તર પર કામ કરતા કર્મચારીઓને વરિષ્ઠ ગણવામાં આવે છે.
એક આર્થિક અખબારના વિશ્લેષણ મુજબ, છેલ્લા 10 વર્ષમાં, કંપનીઓએ તેમની આવકનો માત્ર 13.5 ટકા હિસ્સો વ્યવસાય વૃદ્ધિ અને વિસ્તરણ પર ખર્ચ કર્યો છે. બીજી તરફ, લગભગ 73 ટકા કમાણી શેરધારકોને ડિવિડન્ડ અને શેર બાયબેકના રૂપમાં પરત કરવામાં આવી છે.








