TCS Layoffs: IT ક્ષેત્રમાં મોટો ફેરફાર! એક તરફ, TCS છટણી કરી રહી છે, જ્યારે ઈન્ફોસિસ 20 હજાર ફ્રેશર્સની ભરતી કરશે

TCS Layoffs: દેશની દિગ્ગજ આઇટી કંપની ઇન્ફોસિસ અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસીઝ (ટીસીએસ) વર્તમાન સમયમાં બિલકુલ અલગ એલગ દિશામાં આગળ વધી રહી છે. ઇન્ફોસિસ આ નાણાકીય વર્ષ દરમિયાન 20,000 ફ્રેશર્સની ભરતી કરવાની તૈયારીમાં છે, જ્યારે ટીસીએસ જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 12,000થી વધુ કર્મચારીઓની છટણી કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવા જઈ રહી છે.
નોકરીઓની તકો, AI અને રિસ્કિલિંગ પર ખાસ ધ્યાન
ઈન્ફોસિસના સીઈઓ સલિલ પારેખે ટાઇમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે કંપનીએ પ્રથમ ક્વાર્ટરમાં જ 17,000થી વધુ લોકોની ભરતી કરી છે અને આખા વર્ષ દરમિયાન લગભગ 20,000 સ્નાતકો ઉમેરવાની યોજના ધરાવે છે.
તેમણે કહ્યું કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઇ) અને રિસ્કિલિંગમાં કરવામાં આવેલા વ્યૂહાત્મક રોકાણોએ કંપનીને સ્પર્ધાત્મક ધાર આપી છે. અત્યાર સુધીમાં, ઇન્ફોસિસે વિવિધ સ્તરે 2.75 લાખથી વધુ કર્મચારીઓને તાલીમ આપી છે.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની અસર પર બોલતા, પારેખે કહ્યું, "એઆઇથી ઊંડાણમાં ઓટોમેશન અને ઇન્સાઇટ મળે છે, પરંતુ તેના માટે ઉચ્ચ સ્તરની કુશળતા અને વધુ સખત મહેનતની પણ જરૂર પડે છે." તેમણે કહ્યું કે કંપની એઆઇ-સક્ષમ કામદારોની સંખ્યામાં સતત વધારો કરી રહી છે.
ઈન્ફોસિસના મતે કોડિંગ જેવા ક્ષેત્રોમાં એઆઇઆ કારણે પાંચથી દસ ટકા ઉત્પાદકતા વધી છે. જ્યારે ગ્રાહક સેવા અને જ્ઞાન-આધારિત કાર્યમાં વધુ સુધારો જોવા મળ્યો છે. ઉદાહરણ તરીકે, કંપનીનું બેંકિંગ પ્લેટફોર્મ 'ઇન્ફોસિસ ફિનેકલ' ઓટોમેશન અને માનવ દેખરેખને જોડીને ઉત્પાદકતામાં લગભગ 20% વધારો કરી રહ્યું છે.
પગાર વધારા અંગે પારેખે જણાવ્યું હતું કે ગયા નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટર અને આ વર્ષના પ્રથમ ક્વાર્ટર માટે પગાર વધારો પૂર્ણ થઈ ગયો છે અને આગામી સમીક્ષા યોગ્ય સમયે કરવામાં આવશે.
ટીસીએસના છટણીના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે, જેમાં વરિષ્ઠ કર્મચારીઓ સૌથી વધુ પ્રભાવિત થયા છે. બીજી તરફ, ટીસીએસે એ તેના કુલ કર્મચારીઓમાંથી 2% એટલે કે 12,000થી વધુ લોકોને છટણી કરવાનો નિર્ણય લીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ છટણી મુખ્યત્વે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં પૂર્ણ થશે.
જે કર્મચારીઓ હાલમાં "બેન્ચ્ડ" છે (એટલે કે જેમની પાસે કોઈ વર્તમાન ભૂમિકા નથી) તેમને ફરીથી કૌશલ્ય આપવામાં આવી રહ્યું છે. જોકે, જો આગામી છ મહિનામાં કામગીરીમાં સુધારો નહીં થાય, તો તેમને પણ દરવાજો બતાવી દેવામાં આવશે. આ છટણીની સૌથી વધુ અસર મધ્યમથી વરિષ્ઠ સ્તરના કર્મચારીઓ પર પડી રહી છે જેમનો અનુભવ 15-20 વર્ષ વચ્ચે છે. આ કર્મચારીઓને વાર્ષિક ₹35 લાખથી ₹80 લાખનું પેકેજ મળતું હતું. કંપની તેમને ત્રણથી પાંચ મહિનાના પગાર જેટલું સેવરેન્સ પેકેજ આપી રહી છે.
આઇટી સેક્ટરમાં સામે આવી બે અલગ અલગ તસ્વીરો
ઈન્ફોસિસ અને ટીસીએસની આ વ્યૂહરચના દર્શાવે છે કે ભારતીય આઇટી ક્ષેત્ર કેવી રીતે બદલાતા તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. એક તરફ, કંપનીઓ એઆઈ અને ઓટોમેશન અપનાવીને નવી પ્રતિભાઓને તકો આપી રહી છે, તો બીજી તરફ, ખર્ચ ઑપ્ટિમાઇઝેશન અને કાર્યબળ(વર્કફોર્સ)ની રીડિઝાઇનિંગ (પુનઃરચના)ને કારણે સિનિયર પ્રોફેશનલ્સ પર દબાણ વધી રહ્યું છે.

