વધતી કિંમતો વચ્ચે ભારતમાં સોનાની માંગ 4 વર્ષની નીચી સપાટીએ: વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC) અનુસાર, ભારતની સોનાની માંગ 2024માં ચાર વર્ષમાં તેના સૌ

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC) અનુસાર, ભારતની સોનાની માંગ 2024માં ચાર વર્ષમાં તેના સૌથી નીચા સ્તરે આવી શકે છે. સોનાના ભાવ રેકોર્ડ ઊંચાઈએ પહોંચવાને કારણે આવું થયું છે, જે ડિસેમ્બર ક્વાર્ટરમાં તહેવારો દરમિયાન ખરીદીને અસર કરી શકે છે.
આ પણ વાંચો: ભારતીય રિઝર્વ બેન્કના ભંડારમાં સોનાનો આંક 510 ટનને પાર
ભારતમાં આ વર્ષે સોનાની માગ 700થી 750 ટન રહી શકે છે, જે 2020ના વર્ષ બાદ સૌથી ઓછી છે. ગયા વર્ષે આ માંગ 761 ટન હતી. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ભારતીય ઓપરેશન્સના સીઈઓ સચિન જૈને રોઈટર્સને આ માહિતી આપી હતી. ભારતમાં સામાન્ય રીતે વર્ષના અંતમાં સોનાની માંગ વધે છે, કારણ કે લગ્નો અને દિવાળી અને દશેરા જેવા મોટા તહેવારોના પ્રસંગે સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે.
જૈને જણાવ્યું હતું કે, આ વર્ષે કેટલાય ગ્રાહકોએ ઓગસ્ટમાં જ સોનાની ખરીદી કરી લીધી હતી. કારણ કે જુલાઇ, 2024માં ભારત સરકાર દ્વારા આયાત જકાતમાં નવ ટકાના ઘટાડા પછી સ્થઆનિક બજારોમાં ભાવમાં ઝડપી ઘટાડો નોંધાયો હતો. જૈને જણાવ્યું હતું કે, “ગ્રાહકો હવે ભાવ સ્થિર થવાની રાહ જોઈ રહ્યા છે. જથ્થાના સંદર્ભમાં, આ વર્ષે તહેવારો દરમિયાન માંગ ઓછી રહેશે."
આ પણ વાંચો: લોનમાં ડૂબી રહ્યો છે ભારતીય નોકરિયાત વર્ગ, દર વર્ષે ખૂબ જ ઝડપથી વધે છે આ આંકડો
બુધવારે ઘરેલુ બજારમાં સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ રૂ. 79,700 સુધી પહોંચી ગયો હતો. 2024માં સોનાના ભાવમાં 26 ટકાનો વધારો થયો છે, જ્યારે 2023માં તે 10 ટકાથી વધુ વધ્યો હતો. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા અનુસાર જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ભારતનો સોનાનો વપરાશ 18 ટકા વધીને 248.3 ટન થયો છે. આ સમયગાળા દરમિયાન રોકાણની માંગમાં 41 ટકા અને જ્વેલરીની માંગમાં 10 ટકાનો વધારો થયો છે.
ભારતના ફિઝિકલ ગોલ્ડ એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ (ઇટીએફ)એ સપ્ટેમ્બરમાં સતત છઠ્ઠા મહિને નાણાપ્રવાહ નોંધાવ્યો હતો અને જાન્યુઆરીમાં તેમનું હોલ્ડિંગ 43.3 ટનથી વધીને 52.6 ટન થયું હતું.
સચિન જૈને કહ્યું, "શેરબજારમાં ભારે વેચવાલી છે, જેના કારણે આ ક્વાર્ટરમાં થોડું રોકાણ પણ શેરબજારમાંથી સોનામાં જશે." ભારતનો એનએસઇ નિફ્ટી 50 સ્ટોક ઈન્ડેક્સ 27 સપ્ટેમ્બરના તેના રેકોર્ડ હાઈથી લગભગ 7 ટકા ઘટ્યો છે.








