મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

VIDEO : પીએમ મોદીનો માસ્ટરસ્ટ્રોક: 15 લાખ લાભાર્થીઓને મોટી આર્થિક ભેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે એટલે આજે દેશના લાખો યુવાનો અને કર્મચારીઓને મોટી આર્થિક ભેટ આ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે એટલે આજે દેશના લાખો યુવાનો અને કર્મચારીઓને મોટી આર્થિક ભેટ આપવા જઈ રહ્યા છે. 'પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના' (PM-VBRY) હેઠળ 15 લાખથી વધુ લાભાર્થીઓના ખાતામાં સીધા ₹2400 કરોડ ટ્રાન્સફર કરવામાં આવશે. સરકારનું કહેવું છે કે, આ યોજના રોજગારી વધારવા અને યુવાનોને ઔપચારિક કાર્યબળ (ફોર્મલ વર્કફોર્સ) સાથે જોડવાની દિશામાં એક મોટું પગલું સાબિત થઈ રહ્યું છે.

15 લાખથી વધુ લોકોના ખાતામાં પહોંચશે પૈસા

કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ માહિતી આપી હતી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિજ્ઞાન ભવનમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા ₹2,400 કરોડ જાહેર કરશે. આ અવસરે વડાપ્રધાન યોજનાનો લાભ મેળવનારા કેટલાક યુવાનો અને નોકરીદાતાઓ (એમ્પ્લોયર્સ) સાથે પણ વાતચીત કરશે.

શું છે 'પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના'?

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં રોજગારીની તકો વધારવાનો અને પ્રથમ વખત નોકરી મેળવનારા યુવાનોને આર્થિક મદદ પૂરી પાડવાનો છે. આ યોજના માટે સરકારે ₹99,446 કરોડનું બજેટ નક્કી કર્યું છે અને બે વર્ષમાં 3.5 કરોડ રોજગાર ઉભા કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. યોજના હેઠળ, પ્રથમ વખત નોકરી મેળવનારા કર્મચારીઓને ₹15,000 સુધીની સહાય આપવામાં આવે છે. બીજી તરફ, નવા કર્મચારીઓની નિમણૂક કરનારા માલિકોને કર્મચારી દીઠ દર મહિને ₹3,000 સુધીનું પ્રોત્સાહન (ઇન્સેન્ટિવ) મળે છે.

દેશભરમાં 200 વિશેષ કાર્યક્રમો યોજાશે

વડાપ્રધાનના આ મુખ્ય કાર્યક્રમની સાથે જ દેશના 200 જેટલા ઔદ્યોગિક ક્લસ્ટરોમાં પણ વિશેષ આયોજનો કરવામાં આવશે. આ કાર્યક્રમોમાં કર્મચારીઓ અને કંપનીઓનું સન્માન કરવામાં આવશે, તેમજ નવા કર્મચારીઓને નિમણૂક પત્રો (એપોઇન્ટમેન્ટ લેટર્સ) પણ વહેંચવામાં આવશે.

મહિલાઓ અને નાના ઉદ્યોગોને મોટો ફાયદો

સરકારના જણાવ્યા અનુસાર, ઓગસ્ટ 2025થી અત્યાર સુધીમાં 63 લાખથી વધુ પ્રથમ વખત નોકરી મેળવનારા યુવાનો આ યોજના દ્વારા ફોર્મલ વર્કફોર્સ સાથે જોડાયા છે. જેમાં આશરે 30 ટકા મહિલાઓ સામેલ છે. યોજનાનો સૌથી વધુ ફાયદો નાના ઉદ્યોગોને મળ્યો છે. આંકડા દર્શાવે છે કે, આ યોજનાનો લાભ લેનારા 80 ટકાથી વધુ પ્રતિષ્ઠાનો (ઓર્ગેનાઈઝેશન) એવા છે જેમાં 25 કરતાં ઓછા કર્મચારીઓ કામ કરે છે.

રોજગાર વધારવા પર સરકારનું ફોકસ

સરકારનું માનવું છે કે PM-VBRY દેશમાં રોજગાર સર્જનને એક નવી ગતિ આપી રહી છે. ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં નોકરીઓ વધારવા માટે આ યોજના હેઠળ ચાર વર્ષ સુધી વધારાના લાભો આપવાની જોગવાઈ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં, આ યોજના યુવાનો, મહિલાઓ અને નાના વેપારીઓ માટે મોટી રાહત સાબિત થઈ રહી છે.

આ સમાચાર શેર કરો