દેશના સૌથી મોટા સ્ટોક એક્સચેન્જનો IPO, શેરધારકો માટે બની શકે છે જેકપોટ
લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી, એ નેશનલ સ્ટોક એક્સચેન્જે (NSE) આખરે તેના શેરોના 30,000 કરોડ રૂપિયાના મે

લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી, એ નેશનલ સ્ટોક એક્સચેન્જે (NSE) આખરે તેના શેરોના 30,000 કરોડ રૂપિયાના મેગા ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) માટે ડ્રાફ્ટ પેપર સેબીમાં ફાઈલ કર્યા છે. જે આ વર્ષે ભારતના પ્રાઈમરી માર્કેટમાં સૌથી મોટું શેર વેચાણ બની રહેશે. આ સૂચિત IPO 14.89 કરોડ જેટલા શેરોની સંપૂર્ણ ઓફર ફોર સેલ (OFS) હશે.
IPO ફાઈલિંગ દેશના સૌથી મોટા સ્ટોક એક્સચેન્જ માટે એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે, જે લગભગ એક દાયકાથી પબ્લિકમાં જવાનો પ્રયાસ કરી રહ્યું છે. NSEએ સૌપ્રથમ 2016માં મૂડી બજાર નિયામક સેબીને ડ્રાફ્ટ IPO ડોક્યુમેન્ટ સબમિટ કર્યા હતા, પરંતુ ચાલુ નિયમનકારી તપાસને કારણે પ્રક્રિયા અટકી ગઈ હતી.
ટ્રેડિંગ વોલ્યુમની દૃષ્ટિએ NSE ભારતનું સૌથી મોટું શેર બજાર છે અને વિશ્વનું સૌથી સક્રિય ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ છે. આ પગલું 2017માં હરીફ BSE લિમિટેડે શેર બજારમાં પ્રવેશ કર્યાના વર્ષો પછી આવ્યું છે, જે લિસ્ટેડ થનાર પ્રથમ ભારતીય એક્સચેન્જ બન્યું હતું. નવા ફાઈલિંગ સાથે, NSEએ વર્ષોના નિયમનકારી અવરોધોને દૂર કર્યા પછી પબ્લિક માર્કેટમાં પ્રવેશવાની યોજનાઓને પુનજીૅવિત કરી છે. જેનાથી રોકાણકારો માટે દેશની સૌથી મહત્ત્વપૂર્ણ નાણાકીય સંસ્થાઓમાં એકમાં હિસ્સો ખરીદવાનો માર્ગ મોકળો થયો છે.
NSEમાં સંસ્થાકીય મોટા શેરધારકોમાં લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) હસ્તક 10.7 ટકા હોલ્ડિંગમાં 26.5 કરોડ શેરો ધરાવે છે, જેનું અંદાજીત મૂલ્ય 53,000 કરોડ રૂપિયા જેટલું અંકાય છે. જ્યારે અરાન્દા ઈન્વેસ્ટમેન્ટ (મોરિશીયસ) પાસે 21,469 કરોડ રૂપિયા મૂલ્યનું અને સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા પાસે 20,999 કરોડ રૂપિયા મૂલ્યનું શેરહોલ્ડિંગ છે.
ત્યાર બાદ એસબીઆઈ કેપિટલ માર્કેટસ પાસે 20,474 કરોડ રૂપિયા મહાગોની હસ્તક 17,619 કરોડ રૂપિયા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પાસે 15,243 કરોડ રૂપિયા અને પીઆઈ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ હસ્તક 11,110 કરોડ રૂપિયા જેટલા મૂલ્યનું શેરહોલ્ડિંગ છે. શેરનો ભાવ અત્યારે 2000 રૂપિયા જેટલો અંદાજીએ તો પણ શેરધારકો સંસ્થાકીય અને વ્યક્તિગત બન્ને માલામાલ બનશે.
આ ઓફર ફોર સેલના IPOમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) 7.98 કરોડ જેટલા શેરોના હોલ્ડિંગ ધરાવે છે, જે પૈકી 2,47,50,000 શેરો ઓફર કરી રહી છે, બેંક દ્વારા વર્ષ 1993થી 1999 દરમિયાન શેરો શેર દીઠ સરેરાશ 80 પૈસા જેટલા ભાવે 1.98 કરોડ રૂપિયા જેટલા રોકાણથી ખરીદવામાં આવ્યા છે.
અત્યારે અનલિસ્ટેડ માર્કેટમાં શેરનો ભાવ 2055થી 2060 રૂપિયા જેટલો બોલાઈ રહ્યો છે. જે મુજબ એનું મૂલ્ય 5090 કરોડ રૂપિયા જેટલું થાય છે. જ્યારે ન્યુ ઈન્ડિયા એસ્યોરન્સ કંપની લિમિટેડ અનેનેશનલ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડની પણ ખરીદ કિંમત શેર દીઠ 32 પૈસા જેટલી જ છે, જે મુજબ આ કંપનીઓને પણ 6425 ટકા જેટલું જંગી વળતર મળી શકે છે. સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની પડતર શેર દીઠ 46 પૈસા જેટલી હોવાનું અને એને 4470 ટકા જેટલું વળતર છુટી શકે છે.
આ ઓફર ફોર સેલમાં ટેમસેક હોલ્ડિંગ્સ પીટીઈ- સિંગાપોર સોવરેઈન વેલ્થ ફંડ 1.125 કરોડ શેરો અરાન્દા ઈન્વેસ્ટમેન્ટ થકી ઓફર કરી રહી છે. કેનેડા પેન્શન પ્લાન ઈન્વેસ્ટમેન્ટ બોર્ડની શેરોની પડતર શેર દીઠ 324.13 રૂપિયા જેટલી છે. જ્યારે એમએસ સ્ટ્રેટેજીક મોરિશિયસની પડતર શેર દીઠ 66.54 રૂપિયા છે. ઉલ્લેખનીય છે કે, આ લાંબાગાળાથી રોકાણકાર રહેલા રોકાણકારો માટે નવેમ્બર 2024માં એક શેર દીઠ ચાર શેર બોનસના કારણે પડતર ઘણી નીચી આવી છે.








