સોનાની આયાત પર સરકારના કડક પગલાં અસરકારક, માસિક આયાત 80 ટનથી ઘટીને 30 ટન

સોના પરની આયાત ડયુટીમાં તાજેતરમાં સરકારે કરેલા વધારાના કારણે ઈચ્છિત પરિણામ મળ્યા છે. માસિક ધોરણે સોનાની આયાત અગાઉના સરેરાશ 70થી 80 ટનની સરખામણીમાં નોંધપાત્ર ઘટીને 25થી 30 ટન થઈ ગઈ હોવાનું સરકારી વર્તુળોએ જણાવ્યું હતું.
આ પરિવર્તનને કારણે સ્થાનિક બજારમાં જૂના સોનાના રિસાયક્લિંગમાં પણ વધારો થયો હોવાનું જાણવા મળે છે. સરકારે સોના અને ચાંદી પરની બેઝિક કસ્ટમ ડયુટી પાંચ ટકાથી વધારીને 10 ટકા કરી, સાથે પાંચ ટકા કૃષિ માળખાગત સુવિધા અને વિકાસ ઉપકર (એઆઈડીસી) લાદી હતી. 13, મે 2026થી અસરકારક આયાત ડયુટી 6 ટકાથી વધારીને 15 ટકા કરી હતી. આ ડયુટીમાં રેકોર્ડમાં સૌથી મોટો વધારો હતો અને જુલાઈ 2024માં લાગુ કરાયેલ ઘટાડો રિવર્સ થઈ ગયો હતો.
આ પગલાંનો સરકારનો હેતુ વધુ પડતી આયાત રોકવા, દેશના વિદેશી હૂંડિયામણ ભંડાર પર દબાણ ઓછું કરવા અને વેપાર ખાધને ઘટાડવાનો હતો. જ્યારે સોનાની આયાત ચાલુ ખાતાના બોજમાં નોંધપાત્ર ફાળો આપતી હતી. સોનાનો વિશ્વનો બીજો સૌથી મોટો ગ્રાહક ભારત છે. નાણાકીય વર્ષ 2026માં રેકોર્ડ ઉચ્ચ મૂલ્યોની આયાત કરે છે.
સૂત્રોનું કહેવું છે કે, ઊંચી પડતરને કારણે નવી આયાતમાં નિરાશા જોવાઈ છે, જ્યારે ઝવેરીઓ અને ગ્રાહકો રિસાયકલ કરેલા સોનાનો વિકલ્પ પસંદ કરવા માટે પ્રોત્સાહિત થયા છે. નીતિ હેતુ મુજબ કાર્ય કરી રહી છે. આયાતના જથ્થામાં સ્પષ્ટ ઘટાડો અને જૂના ઝવેરાતના વિનિમય અને રિસાયક્લિંગમાં અનુરૂપ વધારો જોઈ રહ્યા છે. વાણિજ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા વેપાર ડેટા અનુસાર, એપ્રિલ 2026માં સોનાની આયાત લગભગ 5.63 અબજ ડોલરની હતી, જે ડયુટી વધારા પછી મે 2026માં ઘટીને લગભગ 3.42 અબજ ડોલર થઈ હતી.
ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિયેટિવ (GTRI) ના એક રિપોર્ટ મુજબ, ડયુટી વધારા છતાં મે મહિનામાં સોનાની આયાત વાર્ષિક ધોરણે 34 ટકા વધીને 3.42 અબજ ડોલર થઈ છે, જ્યારે એપ્રિલ-મે 2026 દરમિયાન સંચિત આયાત 9.04 અબજ ડોલરની રહી છે. જે ગયા વર્ષના સમાનગાળા કરતાં 60.1 ટકા વધુ છે. રિપોર્ટમાં જણાવાયું છે કેે, ડયુટી વધારાથી આયાતમાં વૃદ્વિની ગતિ ઓછી થઈ હોય એવું લાગે છે. પરંતુ માંગમાં નોંધપાત્ર ઘટાડો થયો નથી.

