વિદેશી રોકાણકારોએ 1 લાખ કરોડથી વધુની મૂડી પાછી ખેંચી, છતાં શેરબજાર અડીખમ, જાણો કારણ
એક સમય એવો હતો કે જ્યારે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) બજારથી મોં ફેરવી લે તો ભારતીય શેરબજા

એક સમય એવો હતો કે જ્યારે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) બજારથી મોં ફેરવી લે તો ભારતીય શેરબજારમાં મોટું ગાબડું પડતું હતું. જોકે, કોરોના મહામારી બાદ મેન્યુફેક્ચરિંગની જેમ માર્કેટ પણ ધીમે ધીમે આત્મનિર્ભર બની રહ્યું છે. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોનો બજાર તરફનો ઝોક સતત વધી રહ્યો છે અને તેમની મદદથી બજારની FII પરની નિર્ભરતા ઘટી રહી છે.
આ પણ વાંચો: Reliance Jio IPO: મુકેશ અંબાણી લાવી રહ્યા છે સૌથી મોટો IPO? પૈસા તૈયાર રાખો...
માત્ર ઓક્ટોબર મહિનામાં જ FIIએ ભારતીય બજારમાંથી રૂ. 1 લાખ કરોડથી વધુની રકમ પાછી ખેંચી લીધી હતી, પરંતુ હજુ પણ બજાર અગાઉની જેમ ગગડ્યું ન હતું. કારણ કે ઓક્ટોબર મહિનામાં સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII)એ સ્થાનિક બજારમાં અત્યાર સુધીનું સૌથી વધુ માસિક રૂ. 1 લાખ કરોડનું રોકાણ કર્યું છે.
DIIએ ઓક્ટોબર મહિનામાં 340,159 કરોડની કરી ખરીદી
સ્ટોક એક્સચેન્જના ડેટા અનુસાર, આ વર્ષે ઓક્ટોબરમાં FIIએ રૂ. 413,706 કરોડનું વેચાણ કર્યું હતું અને રૂ. 299,260 કરોડની ખરીદી કરી હતી. એટલે કે, ખરીદી કરતાં રૂ. 1,14,445 કરોડનું વધુ વેચાણ થયું હતું. બીજી તરફ DIIએ ઓક્ટોબર મહિનામાં રૂ. 340,159 કરોડની ખરીદી કરી અને રૂ. 232,904 કરોડનું વેચાણ કર્યું. મતલબ કે સ્થાનિક રોકાણકારોએ રૂ. 107,254 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી.
તો માર્કેટમાં 10-15 ટકાનો ઘટાડો જોવા મળ્યો હોત
લેમન માર્કેટ ડેસ્કના રિસર્ચ એનાલિસ્ટ ગૌરવ ગર્ગે જણાવ્યું કે, ઓક્ટોબર મહિનામાં રૂ. 1 લાખ કરોડથી વધુનું રોકાણ ગયું હોવા છતાં સેન્સેક્સ તેની ટોચની સપાટીથી આઠ ટકા ઘટ્યો હતો, જ્યારે થોડાક વર્ષો પહેલા આ સમય હોત તો માર્કેટમાં 10-15 ટકાનો ઘટાડો જોવા મળ્યો હોત. આ ભારતીય રોકાણકારોની તાકાત છે જેણે બજારને સ્થિર રાખ્યું છે.
આ વર્ષે સપ્ટેમ્બરના અંતે સેન્સેક્સ 85,800 પોઈન્ટને પાર કરી ગયો હતો. છેલ્લા ચાર વર્ષમાં માર્કેટમાં ટ્રેડિંગ માટે જરૂરી ડીમેટ એકાઉન્ટ્સની સંખ્યા 3 કરોડથી વધીને 18 કરોડ થઈ ગઈ છે. નિષ્ણાતોના મતે, સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) અને મ્યુચ્યુઅલ ફંડ્સ અંગે રિટેલ રોકાણકારોમાં સતત વધી રહેલા રસને કારણે DII વધી રહ્યો છે.








