1.65 લાખ કરોડપતિઓ આ વર્ષે દેશ છોડશે! જાણો વૈશ્વિક સ્તરે કેમ બદલાયો ટ્રેન્ડ

પૈસા, પ્રતિષ્ઠા અને લક્ઝુરિયસ લાઇફસ્ટાઇલ. દુનિયાના અમીરો પાસે તે બધું જ છે જેની એક સામાન્ય માણસ માત્ર કલ્પના કરી શકે છે. જોકે વર્તમાન સમયમાં વૈશ્વિક સ્તરે એક આશ્ચર્યજનક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ‘Henley Private Wealth Migration Report 2026’ના તાજા આંકડા દર્શાવે છે કે આ વર્ષે અમીરોના સ્થળાંતરે અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. હવે સમૃદ્ધ પરિવારો સુરક્ષા, વધુ સારી જીવનશૈલી અને સુરક્ષિત રોકાણ માટે પોતાનો દેશ છોડીને અન્ય દેશો તરફ વળી રહ્યા છે.
આ વર્ષે રેકોર્ડ 1.65 લાખ કરોડપતિઓ પોતાનું ઘર અને દેશ છોડશે
રિપોર્ટના અંદાજ અનુસાર, આ વર્ષે વિશ્વભરમાંથી રેકોર્ડ 1.65 લાખ કરોડપતિઓ પોતાનું ઘર અને દેશ છોડીને અન્ય દેશોમાં સ્થાયી થવાના છે. વૈશ્વિક સ્તરે કરોડપતિઓના આ પલાયનમાં છેલ્લા કેટલાક વર્ષોથી જબરદસ્ત વધારો નોંધાયો છે. જો વિતેલા વર્ષોના આંકડા પર નજર કરીએ તો આ ગ્રાફ સતત ઉપર જઈ રહ્યો છે:
• 2026 (અંદાજ): આ વર્ષે રેકોર્ડ 1.65 લાખ કરોડપતિ પોતાનો દેશ છોડીને અન્યત્ર સ્થાયી થશે.
• 2025: ગયા વર્ષે 1.42 લાખ અમીરોએ પોતાનો દેશ છોડ્યો હતો.
• 2024: વર્ષ 2024માં આ આંકડો 1.34 લાખ પર હતો.
• 2013ની સરખામણીમાં: એક દાયકા પહેલા એટલે કે વર્ષ 2013માં માત્ર 51 હજાર અમીરોએ સ્થળાંતર કર્યું હતું. જેની સરખામણીમાં આજે આ સંખ્યા 3 ગણીથી પણ વધુ વધી ગઈ છે.
લંડન-પેરિસ નહીં, ગ્લોબલ વેલ્થ હબ તરીકે ઉભરેલું UAE અમીરોની પ્રથમ પસંદગી
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, અમીર પરિવારોના દેશ છોડવાના કારણોમાં હવે મોટો ફેરફાર આવ્યો છે. અગાઉ મુખ્ય ધ્યાન માત્ર ટેક્સમાં રાહત મેળવવા પર હતું, જ્યારે હવે સમૃદ્ધ પરિવારો સ્થિરતા, સુરક્ષા અને સુદ્રઢ રોકાણ માટે નવા દેશોની પસંદગી કરી રહ્યા છે. આ વૈશ્વિક પરિવર્તન વચ્ચે સંયુક્ત આરબ અમીરાત (UAE) 85.3ના સર્વોચ્ચ વેલ્થ મોબિલિટી સ્કોર સાથે દુનિયાભરના અમીરોની પ્રથમ પસંદગી બની ગયું છે. બીજી તરફ, અમેરિકાનો વેલ્થ મોબિલિટી સ્કોર 62.3 છે અને આશ્ચર્યજનક રીતે અહીંથી સૌથી વધુ લોકો બીજી નાગરિકતા મેળવવા માંગે છે. અમેરિકાના અરજદારોમાંથી લગભગ અડધા યુરોપ માટે અને 1/4 જેટલા લોકો લેટિન અમેરિકા તથા કેરિબિયન દેશો માટે એપ્લાય કરી રહ્યા છે.
અમેરિકા અને બ્રિટન જેવી વૈશ્વિક મહાશક્તિઓને લાગ્યો મોટો ઝટકો
અમીરોના દેશ છોડવાના આ ટ્રેન્ડે વિશ્વની મહાશક્તિઓને ચિંતામાં મૂકી દીધી છે. ખાસ કરીને અમેરિકા અને બ્રિટન જેવા દેશોમાંથી બહાર જતા ધનિકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. બ્રિટન હાલમાં અમીરોના સ્થળાંતરના મામલે વિશ્વનું 5મું સૌથી મોટું સોર્સ માર્કેટ બની ગયું છે. રસપ્રદ બાબત એ છે કે બ્રિટન છોડવા માટે અરજી કરનારાઓમાં લગભગ અડધા લોકો મૂળ બ્રિટિશ નાગરિકો જ છે.
ભારતીય અમીરો પણ કરી રહ્યા છે પલાયન, કડક ટેક્સ નિયમો મુખ્ય કારણ
આ વૈશ્વિક રિપોર્ટમાં ભારત વિશે પણ મહત્ત્વપૂર્ણ વિગતો રજૂ કરવામાં આવી છે. ભારતનો વેલ્થ મોબિલિટી સ્કોર 56.5 છે, જે તેને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત પડકારો ધરાવતી શ્રેણીમાં મૂકે છે. ભારતીય અમીરોના દેશ છોડવા પાછળ મુખ્યત્વે બે મોટા પરિબળો જવાબદાર માનવામાં આવી રહ્યા છે: પ્રથમ, મૂડી પર મર્યાદિત લોકોનું નિયંત્રણ અને દ્વિતીય, દેશના જટિલ અને કડક ટેક્સ નિયમો. આજના સમયમાં ભારતીય સમૃદ્ધ પરિવારો માટે વિદેશી નાગરિકતા મેળવવી માત્ર શોખ નથી રહ્યો, પરંતુ તે તેમની એસ્ટેટ પ્લાનિંગ અને ટેક્સ સ્ટ્રક્ચરિંગનો મહત્ત્વપૂર્ણ ભાગ બની ગયો છે. જેના દ્વારા તેઓ પોતાના બાળકોના ઉચ્ચ શિક્ષણ, બિઝનેસના વૈશ્વિક વિસ્તરણ અને વારસાગત આયોજનને વધુ સરળ બનાવી રહ્યા છે.
યુરોપિયન દેશોની સ્પર્ધા વચ્ચે ગ્રીસને થયો સીધો ફાયદો
વિશ્વભરના કરોડપતિઓના આ સ્થળાંતરનો કેટલાક દેશો ભરપૂર લાભ ઉઠાવી રહ્યા છે. પ્રવાસી ઉદ્યોગપતિઓ હવે UAEને એક મોટા લોન્ચપેડ તરીકે ઉપયોગ કરી રહ્યા છે અને ત્યાંથી અન્ય વૈશ્વિક વિકલ્પો શોધી રહ્યા છે. અમીરોના રોકાણ અને નાગરિકતા સંબંધિત લગભગ અડધી અરજીઓ પોર્ટુગલ, ઇટલી અને નેધરલેન્ડ્સ જેવા યુરોપિયન દેશો માટે આવી રહી છે. તાજેતરમાં સ્પેનનો ‘ગોલ્ડન વિઝા’ કાર્યક્રમ બંધ થવાના કારણે અને પોર્ટુગલમાં નિયમો કડક બનવાના લીધે હવે ગ્રીસને તેનો સીધો વેપારી લાભ મળી રહ્યો છે, જ્યાં અમીર લોકો ઝડપથી રોકાણ વધારી રહ્યા છે.

