દેશમાં પ્રથમવાર UPI ટ્રાન્ઝેક્શનનું દૈનિક મૂલ્ય ₹1 લાખ કરોડને પાર, ઓક્ટોબરમાં કુલ ₹31.52 લાખ કરોડના વ્યવહારો

દેશમાં પ્રથમવાર UPI ટ્રાન્ઝેક્શનનું દૈનિક મૂલ્ય ₹1 લાખ કરોડને પાર, ઓક્ટોબરમાં કુલ ₹31.52 લાખ કરોડના વ્યવહારો
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

દેશમાં ડિજિટલ પેમેન્ટ (Digital Payment)નો ઉપયોગ સતત વધી રહ્યો છે. યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI)એ ઓક્ટોબર 2026માં નવો રેકોર્ડ બનાવ્યો છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI)ના આંકડા અનુસાર, પ્રથમવાર એક મહિનામાં UPI ટ્રાન્ઝેક્શનનું સરેરાશ દૈનિક મૂલ્ય ₹1 લાખ કરોડને પાર થયું છે. ઓક્ટોબરમાં દરરોજ સરેરાશ ₹1,00,871.30 કરોડના વ્યવહારો થયા હતા, જ્યારે સપ્ટેમ્બરમાં આ આંકડો ₹97,913.22 કરોડ હતો.

ટ્રાન્ઝેક્શનની સંખ્યામાં પણ વધારો

ઓક્ટોબરમાં UPI મારફતે દરરોજ સરેરાશ 82.16 કરોડ ટ્રાન્ઝેક્શન નોંધાયાં હતાં. સપ્ટેમ્બરમાં આ સંખ્યા 80.22 કરોડ હતી. સમગ્ર મહિનાની વાત કરીએ તો ઓક્ટોબરમાં કુલ 25.47 અબજ ટ્રાન્ઝેક્શન થયા હતા, જેનું કુલ મૂલ્ય ₹31.52 લાખ કરોડ રહ્યું હતું. તેની સરખામણીએ સપ્ટેમ્બર 2026માં 24.07 અબજ ટ્રાન્ઝેક્શન દ્વારા ₹29.37 લાખ કરોડના વ્યવહારો થયા હતા.

જાહેરાત

તહેવારોની સિઝનનો પણ ફાયદો

PayNearbyના સ્થાપક, મેનેજિંગ ડિરેક્ટર અને CEO આનંદ કુમાર બજાજના જણાવ્યા અનુસાર, તહેવારોની સિઝન દરમિયાન લોકોમાં ડિજિટલ પેમેન્ટ પ્રત્યે વિશ્વાસ અને સ્વીકાર્યતા વધી છે. હવે દેશના નાના શહેરો અને ગામડાંઓમાં પણ લોકો રોજિંદા ખરીદીથી લઈને નાણાંની લેવડદેવડ માટે UPIનો ઉપયોગ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે ડિજિટલ પેમેન્ટનો વ્યાપ વધવાની સાથે હવે તેને વધુ સુરક્ષિત, સરળ અને દરેક વર્ગના લોકો માટે સુલભ બનાવવાની જરૂર છે. ખાસ કરીને સ્થાનિક દુકાનદારો અને રિટેલર્સ ગ્રાહકોને ડિજિટલ પેમેન્ટ અપનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

શું છે UPI?

UPI એ NPCI દ્વારા વિકસાવવામાં આવેલી ત્વરિત પેમેન્ટ સિસ્ટમ (Instant Payment System) છે. તેના દ્વારા બે અલગ-અલગ બેંક ખાતાઓ વચ્ચે તરત જ નાણાં ટ્રાન્સફર કરી શકાય છે. મોબાઇલ ફોનથી સરળતાથી થતી આ સુવિધાએ દેશમાં રોકડ વ્યવહારોની સાથે ડિજિટલ અર્થતંત્રને પણ નવી ગતિ આપી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત