‘શું ઉત્તર પ્રદેશમાં મતદાર યાદીમાંથી નામ હટાવાયેલા હિન્દુઓ પાકિસ્તાની છે?’ ફારૂક અબ્દુલ્લાએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પૂછ્યો સવાલ

દેશમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા પ્રક્રિયા (Special Intensive Revision - SIR) અને કથિત મતદાર નામ કાપવાના મુદ્દે રાજકીય માહોલ ગરમાયો છે. નેશનલ કોન્ફરન્સના પ્રમુખ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ રવિવારે દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાયેલી INDIA ગઠબંધનની ‘વોટ બચાવો, દેશ બચાવો’ રેલીમાં ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકાર પર આકરા સવાલો ઉઠાવ્યા હતા. ફારૂક અબ્દુલ્લાએ ઉત્તર પ્રદેશમાં એક કરોડથી વધુ હિન્દુ મતદારોનાં નામ મતદાર યાદીમાંથી હટાવાયાં હોવાના અહેવાલોનો ઉલ્લેખ કરીને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને સવાલ કર્યો હતો કે, જો SIRનો હેતુ ઘૂસણખોરોનાં નામ દૂર કરવાનો છે, તો યુપીમાં યાદીમાંથી નામ હટાવાયેલા હિન્દુઓને પણ શું પાકિસ્તાની ગણવામાં આવશે? તેમણે આક્ષેપ કર્યો કે મુસ્લિમોની દેશભક્તિ પર વારંવાર સવાલો ઉઠાવવામાં આવે છે અને તેમને પાકિસ્તાની કહેવામાં આવે છે. તેમણે કહ્યું કે મુસ્લિમોએ પણ દેશ માટે બલિદાન આપ્યાં છે અને દેશને મજબૂત બનાવવામાં તેમનું યોગદાન રહ્યું છે. અબ્દુલ્લાએ મતદાર યાદીમાંથી કોઈ પણ ભારતીય નાગરિકનું નામ ખોટી રીતે દૂર ન થવું જોઈએ તેમ જણાવ્યું હતું. તેમણે બાબાસાહેબ આંબેડકરના બંધારણનો ઉલ્લેખ કરીને કહ્યું કે તમામ ધર્મના નાગરિકો સમાન છે અને દરેકને મતદાનનો અધિકાર (Voting Rights) મળવો જોઈએ. તેમણે લોકોને એકજૂથ રહેવાની અપીલ પણ કરી હતી.
મહેબૂબા મુફ્તીએ પણ સરકારને ઘેરી
આ રેલીમાં પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીએ પણ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે આક્ષેપ કર્યો કે બંધારણને નબળું પાડવામાં આવી રહ્યું છે અને દેશની સંપત્તિ મોટા ઉદ્યોગપતિઓને સોંપવામાં આવી રહી છે. રોજગારનાં વચનો પૂરાં ન થયાં હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો હતો. મહેબૂબા મુફ્તીએ 2019માં કલમ 370 નાબૂદ કરવાના નિર્ણયનો ઉલ્લેખ કરીને ચેતવણી આપી હતી કે જમ્મુ-કાશ્મીરમાં જે પરિસ્થિતિ સર્જાઈ, તેવી સ્થિતિ દેશના અન્ય ભાગોમાં ન સર્જાય તેની તકેદારી રાખવી જોઈએ. આ સમગ્ર મુદ્દે વિપક્ષે ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા (Transparency) અને મતદારોના અધિકારો અંગે સવાલો ઉઠાવ્યા છે. જોકે, મતદાર યાદીમાંથી નામ દૂર કરવાની પ્રક્રિયા અંગે ચૂંટણી પંચનું કહેવું છે કે તેમાં અયોગ્ય અને ડુપ્લિકેટ નોંધણીઓ દૂર કરવાનો હેતુ છે.






