‘શું મહિલાઓ સાથે આવું વર્તન યોગ્ય છે?’ મહિલા પત્રકારોના ઉત્પીડનના આરોપો પર પ્રિયંકા ગાંધી ભડક્યાં

દિલ્હીના જંતર-મંતર (Jantar Mantar) ખાતે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલા પત્રકારો સાથે પોલીસકર્મીઓ દ્વારા કથિત ઉત્પીડનના આરોપો સામે આવ્યા છે. આ મામલે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ કેન્દ્ર સરકારને ઘેરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પાસે જવાબ માંગ્યો છે. બીજી તરફ, દિલ્હી પોલીસે મળેલી ત્રણ ફરિયાદોની તપાસ ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch)ને સોંપી છે.
જંતર-મંતર પર મહિલા પત્રકારોએ લગાવ્યા ગંભીર આરોપ
અહેવાલ મુજબ, 3 ઓક્ટોબરે જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શનનું કવરેજ કરવા પહોંચેલી ત્રણ મહિલા પત્રકારોએ પોલીસકર્મીઓ પર જાતીય ઉત્પીડન (Sexual Harassment)ના ગંભીર આરોપ લગાવ્યા હતા. એક મહિલા પત્રકારે એક સહાયક પોલીસ કમિશનર (ACP) સામે પણ ઉત્પીડનનો આરોપ મૂક્યો હોવાનું જણાવાયું છે.
પ્રિયંકા ગાંધીએ સરકારને પૂછ્યો સવાલ
આ મામલે પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (Social Media Platform) X પર પોસ્ટ કરીને સરકાર પર સવાલ ઉઠાવ્યો. તેમણે કહ્યું કે મહિલાઓ સુરક્ષા આપતી પોલીસ પાસેથી જ અસુરક્ષિત અનુભવતી હોવાના આરોપો ગંભીર છે. તેમણે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહને સવાલ કર્યો કે જો મહિલાઓ સાથે આવું વર્તન યોગ્ય નથી, તો આ મામલે ધ્યાન કેમ આપવામાં આવી રહ્યું નથી.
ત્રણેય ફરિયાદોની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે
દિલ્હી પોલીસના એક અધિકારીના જણાવ્યા મુજબ, નવી દિલ્હી જિલ્લા પોલીસને આ ઘટનાને લઈને ત્રણ ફરિયાદો મળી હતી. મામલાની નિષ્પક્ષ તપાસ (Fair Investigation) માટે તમામ ફરિયાદો ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. હવે તપાસ ટીમ ફરિયાદકર્તાઓ અને અન્ય સંબંધિત લોકોના નિવેદન નોંધશે.
પ્રેસ કાઉન્સિલે પણ વ્યક્ત કરી નારાજગી
જંતર-મંતર વિરોધ પ્રદર્શનને કવર કરી રહેલા પત્રકારો સાથે પોલીસના કથિત વર્તન અંગે પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ પણ આશ્ચર્ય અને નિરાશા વ્યક્ત કરી છે. કાઉન્સિલે દિલ્હી પોલીસને ફરિયાદો પર તાત્કાલિક કાર્યવાહી કરવાની અપીલ કરી છે. હવે ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં મહિલા પત્રકારોના આરોપોમાં શું હકીકત સામે આવે છે તેના પર સૌની નજર છે.

