દેશમાં સસ્તાં મકાનોનું સપનું બન્યું મુશ્કેલ! રિયલ એસ્ટેટ નિષ્ણાત નિરંજન હિરાનંદાનીની ચેતવણી

દેશમાં સસ્તાં મકાનોનું સપનું બન્યું મુશ્કેલ! રિયલ એસ્ટેટ નિષ્ણાત નિરંજન હિરાનંદાનીની ચેતવણી
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

દેશમાં પોતાનું ઘર ખરીદવાનું સપનું જોતા મધ્યમ અને ઓછી આવક ધરાવતા પરિવારો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ભારતના જાણીતા રિયલ એસ્ટેટ ઉદ્યોગપતિ અને હિરાનંદાની ગ્રુપના સહ-સ્થાપક નિરંજન હિરાનંદાનીએ દેશમાં સસ્તાં મકાનોની ઉપલબ્ધતાને લઈને ગંભીર ચેતવણી આપી છે. તેમના મતે જમીનના વધતા ભાવ, બાંધકામ ખર્ચ અને સરકારી ચાર્જને કારણે અફોર્ડેબલ હાઉસિંગ (Affordable Housing) હવે આર્થિક રીતે મુશ્કેલ બની રહ્યું છે. મુંબઈમાં યોજાયેલા રાઇઝિંગ ભારત સમિટ (Rising Bharat Summit) દરમિયાન તેમણે કહ્યું હતું કે, “અફોર્ડેબલ હાઉસિંગ હવે ખતમ થઈ ગયું છે, તેનું કોઈ અસ્તિત્વ રહ્યું નથી.” તેમણે ચેતવણી આપી કે જો સરકાર અને રિયલ એસ્ટેટ ઉદ્યોગ દ્વારા સમયસર પગલાં લેવામાં નહીં આવે તો આગામી વર્ષોમાં આ સંકટ વધુ ગંભીર બની શકે છે.

સસ્તાં મકાનોનો પુરવઠો સતત ઘટ્યો

ઇકોનોમિક સર્વે 2025-26ના આંકડા મુજબ, દેશનાં આઠ મોટા શહેરોમાં 50 લાખ રૂપિયાથી ઓછી કિંમતનાં મકાનોનો નવા હાઉસિંગ સપ્લાયમાં હિસ્સો વર્ષ 2018માં 52.4 ટકા હતો, જે 2025માં ઘટીને માત્ર 17 ટકા રહ્યો છે. આ આંકડા દર્શાવે છે કે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં હવે મોંઘાં અને પ્રીમિયમ મકાનોનું પ્રમાણ વધી રહ્યું છે.

જાહેરાત

ઘર બનાવવાનો ખર્ચ કેમ વધી રહ્યો છે?

હિરાનંદાનીએ જમીનની ઊંચી કિંમત, બાંધકામ સામગ્રીનો ખર્ચ, વિકાસ સંબંધિત ખર્ચ અને સરકારી વસૂલાતને આ સ્થિતિ માટે જવાબદાર ગણાવ્યાં છે. તેમણે ઉદાહરણ આપતાં જણાવ્યું કે મુંબઈમાં પ્રતિ ચોરસ ફૂટ ₹40,000ની કિંમતના મકાનમાં અંદાજે ₹20,000 જેટલી રકમ વિવિધ સરકારી ચાર્જમાં જાય છે. તેમાં સ્ટેમ્પ ડ્યૂટી, લેબર સેસ અને અન્ય વિકાસ સંબંધિત ખર્ચનો સમાવેશ થાય છે. તેમના મતે આ ખર્ચ વધવાથી બિલ્ડરો માટે ઓછા નફામાં સસ્તાં મકાનો બનાવવાનું મુશ્કેલ બન્યું છે.

સરકાર પાસે નીતિગત પગલાં લેવાનો વિકલ્પ

હિરાનંદાનીએ સરકારને આ ક્ષેત્ર માટે તાત્કાલિક નીતિગત ઉકેલ લાવવાની અપીલ કરી છે. સસ્તાં મકાનોના નિર્માણને પ્રોત્સાહન, સરકારી ચાર્જમાં રાહત અને ભાડાનાં મકાનો (Rental Housing) માટે રોકાણ વધારવા જેવા વિકલ્પો પર વિચાર કરવાની જરૂર છે. તેમણે ચેતવણી આપી કે જો આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો સામાન્ય પરિવારો માટે ઘર ખરીદવું વધુ મુશ્કેલ બનશે અને તેની અસર દેશની સામાજિક તથા આર્થિક સ્થિતિ પર પણ પડી શકે છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત