ભારતમાં સોનાની માંગમાં મોટો કડાકો: સોનાની માંગ ઘટીને 6 વર્ષના તળિયે જવાની શક્યતા

વર્તમાન કેલેન્ડર વર્ષના અંતે ભારતની ગોલ્ડ માગ ઘટી છ વર્ષની નીચી સપાટીએ જોવા મળવાની શકયતા જોવાઈ રહી છે. ઊંચા ભાવને કારણે જ્વેલરીનું વેચાણ નીચુ રહેતા અને ઈન્વેસ્ટમેન્ટ માગ ધીમી પડતા વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (ડબ્લ્યુજીસી)ની આ ધારણાં આવી પડી છે.
ચીન બાદ વિશ્વમાં ગોલ્ડના સૌથી મોટા વપરાશકાર ભારતમાં ઈરાન યુદ્ધને કારણે ફુગાવો ઊંચે ગયો છે અને બીજી બાજુ વર્તમાન વર્ષમાં અલ નિનોની અસરથી ચોમાસુ નબળુ રહ્યું છે જેને પરિણામે ગ્રામ્ય વિસ્તારમાં જ્વેલરીની માગ પર અસર જોવા મળી રહી છે.
વર્તમાન વર્ષના પ્રથમ નવ મહિનામાં જ્વેલરી માગમાં ઘટાડો નોંધાયો છે જેને કારણે સંપૂર્ણ વર્ષ માટે સોનાની માગ ઘટી ૬૫૦ ટન આસપાસ રહેવાની વકી છે જે ૨૦૨૦ બાદ સૌથી નીચી હશે એમ કાઉન્સિલના ભારતીય કામકાજ માટેના ચીફ એક્ઝિકયૂટીવ સચીન જૈને એક નિવેદનમાં જણાવ્યુ હતું.
૨૦૨૦માં કોરોનાને કારણે વેપાર કામકાજ ખોરવાઈ જતા જ્વેલરી માગ ઘટી ગઈ હતી. વર્તમાન વર્ષના સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ગોલ્ડ માગ વાર્ષિક ધોરણે ૨૯ ટકા ઘટી ૧૬૨.૫૦ ટન રહી હતી. આ ગાળામાં જ્વેલરીની ખરીદી વીસ ટકા અને ઈન્વેસ્ટમેન્ટ માગ ૪૦ ટકા ઘટી હતી, જેને કારણે ગોલ્ડ માગ પર અસર પડી હતી.
દિવાળી તથા લગ્નસરાની મોસમને ધ્યાનમાં રાખતા ડિસેમ્બર ત્રિમાસિકમાં ગોલ્ડ માગમાં વધારો થવાની અપેક્ષા હોવાનું તેમણે જણાવ્યુ હતું.
ભારતમાં દશેરા તથા દિવાળીના તહેવારમાં સોનાની માગ નોંધપાત્ર ઊંચી રહેતી હોય છે. વર્તમાન વર્ષમાં દશેરા ઓકટોબર તથા દિવાળી નવેમ્બરમાં આવી છે. જો કે ઊંચા ભાવ ઉપરાંત નબળા ચોમાસાને કારણે ગ્રામ્ય વિસ્તારમાં સોનાની માગ તહેવારો દરમિયાન મર્યાદિત જોવાઈ રહી છે એમ રિપોર્ટમાં વધુમાં જણાવાયુ હતું.
ભારતની પચાસ ટકાથી વધુ સોનાની માગ ગ્રામ્ય વિસ્તારમાંથી રહે છે. ગોલ્ડ જ્વેલરીને ગ્રામ્ય વિસ્તારમાં સંપતિ તરીકે ખરીદીને જાળવવામાં આવે છે.
વર્તમાન વર્ષમાં ચોમાસુ એક દાયકાની નીચી સપાટીએ રહ્યું છે જેને પરિણામે કૃષિ ઉત્પાદન તથા ગ્રામ્ય આવક પર અસર પડી છે. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ભારતની સોનાની આયાતમાં ઘટાડો નોંધાયો હતો.
વર્તમાન વર્ષના મેમાં સોના પરની આયાત ડયૂટીમાં વધારો કરાયા બાદ સત્તાવાર માર્ગે ગોલ્ડ આયાતમાં ઘટાડો થયો હતો. ગઈ દિવાળીમાં સોનામાં ઐતિહાસિક તેજી શરૂ થયા બાદ ભાવમાં સતત ઉછાળો જોવા મળ્યો છે.
વર્તમાન વર્ષના પ્રારંભમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના ભાવ જે જીએસટી વગર રૂપિયા ૧,૩૩,૧૫૦ જેટલા હતા તે હાલમાં રૂપિયા ૧,૩૮,૧૧૦ આસપાસ બોલાઈ રહ્યા છે. વર્ષ દરમિયાન મુંબઈ સોનાનો ઊંચામાં ભાવ રૂપિયા ૧,૫૨,૧૩૦ આસપાસ જોવા મળ્યો હતો.










