Video: દક્ષિણ ભારતમાં મુરાસુ વાવાઝોડાનો કહેર

સોર્સ: gstv

દક્ષિણ ભારતમાં મુરાસુ વાવાઝોડાનો કહેર

મીઠાના અગર અને ખેતરો પાણીમાં ગરકાવ!

જાહેરાત

આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકેલા ગંભીર ચક્રવાતી વાવાઝોડા મુરાસુ બાદ હવે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. પ્રકાસમ જિલ્લાના ઓંગોલ અને તેની આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં આ વાવાઝોડાએ ભારે વિનાશ વેરી દીધો છે, જેના કારણે ખેડૂતો અને શ્રમિકોની હાલત દયનીય બની ગઈ છે. વાવાઝોડાની સાથે વરસેલા મૂશળધાર વરસાદ અને તોફાની પવનોને કારણે અહીંના મીઠાના અગર અને ખેડૂતોના ખેતરો પાણીમાં ડૂબી ગયા છે. ઓંગોલ પંથક તેના મીઠાના ઉત્પાદન અને ખેતી માટે જાણીતો છે, પરંતુ મુરાસુ વાવાઝોડાના કારણે સોલ્ટ પાન્સમાં દરિયાઈ પાણી ફરી વળતા મીઠાના ઉત્પાદન સાથે જોડાયેલા અગરીયાઓને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. મહિનાઓની મહેનત બાદ તૈયાર થયેલું મીઠું પાણીમાં ધોવાઈ ગયું છે. બીજી તરફ, ખેતરોમાં ઊભેલા પાક પર પણ પાણી ફરી વળતા ખેડૂતોના મુખમાંથી કોળિયો છીવાઈ ગયો છે. ડાંગર અને અન્ય પાકો જમીનદોસ્ત થઈ ગયા છે.

આંધ્રપ્રદેશના ઓંગોલમાં કુદરતનો પ્રકોપ

વાવાઝોડાના કારણે પાકને થયું વ્યાપક નુકસાન!

સ્થાનિક ખેડૂતો અને અગરીયાઓએ જણાવ્યું કે આટલું ભયાનક તુફાન તેમણે લાંબા સમય બાદ જોયું છે. રાત્રિભર ફૂંકાયેલા ભારે પવનો અને અનરાધાર વરસાદને કારણે કાચા મકાનો અને ખેતરના શેઢા ધોવાઈ ગયા છે. વાવાઝોડાના આ પ્રકોપથી પ્રભાવિત વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને અન્નદાતાઓની આખું વર્ષની કમાણી પર પાણી ફરી વળ્યું છે. હવામાન વિભાગની ચેતવણીઓ વચ્ચે વહીવટી તંત્ર દ્વારા નુકસાનીનો સર્વે કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પ્રશાસન દ્વારા પ્રભાવિત પરિવારોને આશરો અને સહાય પૂરી પાડવાની ખાતરી આપવામાં આવી છે, પરંતુ આ કુદરતી આપત્તિએ ઓંગોલના ગ્રામીણ અર્થતંત્રને હચમચાવી દીધું છે. સરકાર દ્વારા તાત્કાલિક વિશેષ પેકેજ જાહેર કરવામાં આવે તેવી અન્નદાતાઓની પ્રબળ માંગ છે.

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

આ સમાચાર શેર કરો

જાહેરાત