Video: 120 કિમીની ઝડપે ત્રાટક્યું વાવાઝોડું 'મુરાસુ': સમુદ્રમાં 10 મીટર ઊંચા મોજાં અને 22 સેમી વરસાદથી આંધ્રપ્રદેશમાં હાહાકાર!

તીવ્ર ચક્રવાતી વાવાઝોડું 'મુરાસુ' આંધ્રપ્રદેશના દરિયાકાંઠે સંપૂર્ણ તાકાત સાથે ટકરાયું છે. લેન્ડફોલ સમયે100થી 110 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવને 120 કિમી પ્રતિ કલાક સુધીની ગતિ પકડી હતી, જેના કારણે તટીય વિસ્તારોમાં ભારે વિનાશ જોવા મળ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ના ડિરેક્ટર જનરલ ડૉ. મૃત્યુંજય મહાપાત્રાએ આ અંગે વિગતવાર માહિતી આપતાં પરિસ્થિતિની ગંભીરતા સ્પષ્ટ કરી છે.
આગામી કલાકોમાં વાવાઝોડું નબળું પડશે
ડૉ. મહાપાત્રાના જણાવ્યા મુજબ, વાવાઝોડું આગામી ૧૨ કલાક દરમિયાન ધીમી ગતિએ ઉત્તર-ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધશે. બપોર સુધીમાં તે સાધારણ સાયક્લોનિક સ્ટોર્મમાં ફેરવાશે અને મધ્યરાત્રિ સુધીમાં 'ડીપ ડિપ્રેશન' બની જશે. ત્યારબાદ આવતીકાલ સવાર સુધીમાં તે ઉત્તર તટીય આંધ્રપ્રદેશ અને તેની આસપાસના વિસ્તારોમાં માત્ર 'ડિપ્રેશન' તરીકે સક્રિય રહેશે.
દરિયામાં 9થી 10 મીટર ઊંચા ભયાનક મોજાં
વાવાઝોડાની અસરને કારણે સમુદ્ર અત્યંત તોફાની બન્યો છે. ખુલ્લા દરિયામાં મોજાંની ઊંચાઈ 9થી 10 મીટર (લગભગ 30થી 32 ફૂટ) સુધી પહોંચી ગઈ છે. લેન્ડફોલ સમયે કૃષ્ણા, બાપટલા અને પ્રકાશમ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં 1 થી 1.5 મીટર સુધીના તોફાની મોજાં ફરી વળ્યા હતા, જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે.
૨૨ સેમી સુધી અત્યંત ભારે વરસાદની નોંધ
વાવાઝોડાના કારણે સમગ્ર આંધ્રપ્રદેશ સૌથી વધુ પ્રભાવિત થયું છે. છેલ્લા ૨૪ કલાકમાં કેટલાક સ્થળોએ ૨૨ સેમી (લગભગ ૯ ઇંચ) જેટલો મુશળધાર વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આજે પણ મધ્ય અને ઉત્તર આંધ્રપ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેશે, જ્યારે કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે તેમજ છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ ખાબકવાની સંભાવના છે. વહીવટીતંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને લોકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે.















