Video: "SIR પહેલીવાર નથી થઈ રહ્યું, આ 12મી કવાયત છે" કાશીની ધરતી પરથી સંબિત પાત્રાનો ખુલાસો

મતદાર યાદીના ખાસ સઘન સુધારણા એટલે કે SIR (Special Intensive Revision) ની પ્રક્રિયાને લઈને ચાલી રહેલા વિવાદ અને વિપક્ષના આક્ષેપો વચ્ચે ભાજપના સાંસદ સંબિત પાત્રાએ મોટો ખુલાસો કર્યો છે. વારાણસીમાં પત્રકારો અને જનતાને સંબોધતા તેમણે આ સમગ્ર પ્રક્રિયા અંગે વિગતવાર માહિતી આપી હતી અને વિરોધ પક્ષો દ્વારા ઉઠાવવામાં આવી રહેલા સવાલોનો રોકડિયો જવાબ આપ્યો હતો.
શું મોદી સરકારમાં પહેલીવાર થઈ રહ્યું છે SIR?
સંબિત પાત્રાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, "આજે કાશીની આ પવિત્ર ભૂમિ પરથી હું SIR પ્રક્રિયા વિશે સ્પષ્ટતા કરવા માંગુ છું અને અમારા પર લાગેલા આરોપોનો જવાબ આપવા માંગુ છું. ઘણા લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું 2014માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર બન્યા બાદ ભાજપ 2025માં પહેલીવાર આ પ્રક્રિયા કરાવી રહ્યું છે? આ વાત તદ્દન ખોટી છે. વર્ષ 2025માં શરૂ થઈ રહેલી આ કવાયત વાસ્તવમાં દેશની 12મી SIR છે."
SIR પ્રક્રિયા કેમ જરૂરી છે?
મતદાર યાદીની વિશ્વસનીયતા પર ભાર મૂકતા તેમણે જણાવ્યું કે, ભારત એક લોકશાહી દેશ છે અને લોકશાહીમાં ચૂંટણી પંચની મતદાર યાદી એ નક્કી કરે છે કે કોણ મતદાન કરવા માટે યોગ્ય છે અને કોણ નથી. સમય જતાં મતદાર યાદીમાંથી અવસાન પામેલા કે સ્થળાંતર કરી ગયેલા લોકોના નામ રદ કરવા અને નવા પાત્ર નાગરિકોના નામ ઉમેરવા અત્યંત જરૂરી બને છે. સંબિત પાત્રાએ અંતમાં ઉમેર્યું કે, SIR પ્રક્રિયાનો મુખ્ય ઉદ્દેશ્ય મતદાર યાદીની અખંડિતતા, ચોકસાઈ અને તેનું શુદ્ધિકરણ સુનિશ્ચિત કરવાનો છે, જેથી લોકશાહી પ્રક્રિયા વધુ મજબૂત અને પારદર્શક બની શકે.











