Video: EVENING BULLETIN / નેતન્યાહૂ ફરી બનશે ઈઝરાયલના પીએમ? અમેરિકા જતા વિદ્યાર્થીઓને મોટી રાહત, ઋષિકવિ રાજેન્દ્ર શુક્લનું નિધન

સોર્સ: gstv

નેતન્યાહૂ ફરી બનશે ઈઝરાયલના પીએમ?

ઈઝરાયલમાં ચૂંટણી બાદ સરકાર રચવાનું સંકટ ઘેરાયું છે. અરબ પાર્ટીઓ સાથેની વાતચીત નિષ્ફળ જતાં, ગદી આઈઝનકોટે હવે પોતાના જ પ્રતિસ્પર્ધી બેન્જામિન નેતન્યાહૂની લિકુડ પાર્ટીને ગઠબંધન માટે આમંત્રણ આપ્યું છે. 28 દિવસમાં બહુમત સાબિત કરવાની હોડ વચ્ચે, નેતન્યાહૂ ફરી સત્તામાં વાપસી કરે તેવા સંકેતો મળી રહ્યા છે.

નેપાળના પીએમના ભારત પ્રવાસથી વિવાદ

નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહ બે દિવસના સત્તાવાર ભારત પ્રવાસે આવ્યા છે. જોકે, દિલ્હી આવતા પહેલા તેમણે રાષ્ટ્રપ્રમુખ રામચંદ્ર પૌડેલને જાણ ન કરતા નેપાળમાં રાજકીય વિવાદ છેડાયો છે. વર્ષો જૂની રાજદ્વારી પરંપરા તોડવા બદલ વિપક્ષો અને રાજકીય વર્તુળોમાં તેમની ભારે ટીકા થઈ રહી છે.

જાહેરાત

 અમેરિકા જતા વિદ્યાર્થીઓને મોટી રાહત

અમેરિકામાં અભ્યાસ કરતા લાખો ભારતીય અને ગુજરાતી વિદ્યાર્થીઓ માટે મોટા રાહતના સમાચાર આવ્યા છે. અમેરિકન ફેડરલ કોર્ટે 'ડ્યુરેશન ઓફ સ્ટેટસ' સમાપ્ત કરવાનો વિવાદાસ્પદ નિયમ રદ કર્યો છે. આ ઐતિહાસિક ચુકાદાથી F-1 અને J-1 વિઝા ધારક વિદ્યાર્થીઓ પરથી વારંવાર વિઝા એક્સટેન્શન કરાવવાની તલવાર હટી ગઈ છે.

 ઋષિકવિ રાજેન્દ્ર શુક્લનું નિધન

મહાન કવિ રાજેન્દ્ર શુક્લના નિધનથી ગુજરાતી સાહિત્ય જગતમાં ન પૂરાય તેવી ખોટ પડી છે. હૃદયના ઓપરેશન બાદ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પુત્ર ધૈવત શુક્લના જણાવ્યા મુજબ, જીવનની અંતિમ ક્ષણોમાં પણ કવિ મિજાજ જાળવી રાખતા તેમણે પરિવારને 'અજવાળા, અજવાળા, અજવાળા' એવા અંતિમ શબ્દો કહ્યા હતા.

ફરજ પર ઊંઘતા મહિલા ASI સસ્પેન્ડ

રાજકોટ રેલવે પોલીસની ગંભીર બેદરકારીનો વીડિયો વાયરલ થતાં તંત્રએ કડક કાર્યવાહી કરી છે. સ્ટેશન પરથી બાળક ગુમ થવાની ફરિયાદ લેવાને બદલે ગોદડું ઓઢીને સૂઈ રહેલા મહિલા ASI કામિનીબેન મારણકાને સસ્પેન્ડ કરાયા છે. જોકે પોલીસે ગુમ બાળકને શોધી લીધું છે, પરંતુ બેદરકારી બદલ SPએ આકરો દંડ ફટકાર્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત