Video: EVENING BULLETIN / પાકિસ્તાની મંત્રી પર ભારત સરકાર મહેરબાન! ભાજપ નેતા સામે દુષ્કર્મનો ગુનો, મેટાની ઓફિસમાં કોંગ્રેસનો હંગામો

ટ્રેન સાથે ભટકાતા જ અગનગોળો બની મિની બસ
ઈન્ડોનેશિયાના ઉત્તરી સુમાત્રામાં ટ્રેન અને મિનીબસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટક્કર બાદ ટ્રેનના એન્જિનમાં આગ ભભૂકી ઉઠી હતી, જેમાં મિનીબસ ચાલકનું મોત થયું અને ત્રણ કર્મચારી ઘાયલ થયા, જોકે ટ્રેનના તમામ 264 મુસાફરોનો સુરક્ષિત બચાવ થયો છે.
પાકિસ્તાની મંત્રી પર ભારત સરકાર મહેરબાન!
SCO સમિટ માટે ભારત આવેલા પાકિસ્તાનના મંત્રી મુસાદિક મસૂદને આગરાના તાજમહેલની મુલાકાત લેવાની મંજૂરી મળી છે. જોકે, દિલ્હીની હઝરત નિઝામુદ્દીન દરગાહ જવાની તેમની માગણી ભારત સરકારે ફગાવી દીધી છે.
મેટાની ઓફિસમાં કોંગ્રેસનો હંગામો
ઈન્ડિયન યુથ કોંગ્રેસના નેતાઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રતિબંધ મુકાતા, હૈદરાબાદમાં મેટાની ઓફિસ બહાર યુથ કોંગ્રેસના કાર્યકરોએ ભારે હોબાળો મચાવ્યો હતો. કૂંડા ફેંકીને તોડફોડ કર્યા બાદ કાર્યકરોએ મેટા અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા.
ભાજપ નેતા સામે દુષ્કર્મનો ગુનો
રાજુલા તાલુકા ભાજપના મીડિયા ઇન્ચાર્જ વિક્રમ સાંખટ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચ્યો છે. ખાંભાની પરિણીતાના ઘરમાં ઘૂસી, પોલીસનો ડર બતાવી દુષ્કર્મ આચર્યાના આક્ષેપ હેઠળ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ગેરકાયદે કતલખાના મુદ્દે મોરબીમાં વિરોધ
મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવાની માંગ સાથે હિન્દુ સંગઠનોએ મહાનગરપાલિકા ખાતે હનુમાન ચાલીસાના પાઠ કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. તંત્ર પર આકરા પ્રહારો કરતા સંગઠનોએ ચીમકી આપી છે કે કતલખાના બંધ નહીં થાય તો ચક્કાજામ કરાશે.









