TECH/ Translate with meta AI: ઇન્સ્ટાગ્રામનું નવું ફીચર, જાણો શું છે ખાસિયત
META દ્વારા હવે AIની મદદથી વોઇસ ટ્રાન્સલેશન ફીચરને લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ફીચર ફેસબુક અને ઇન

META દ્વારા હવે AIની મદદથી વોઇસ ટ્રાન્સલેશન ફીચરને લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ફીચર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ યુઝર્સ માટે છે. આ ટૂલને પહેલી વાર ગયા વર્ષે કનેક્ટ ડેવલપર કોન્ફરન્સમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. કન્ટેન્ટ ક્રિએટર્સ તેમના કન્ટેન્ટને દુનિયાભરની ભાષામાં રૂપાંતર કરી દરેક લોકો સુધી પહોંચાડી શકે એ માટે લોન્ચ કરવામાં આવ્યું હતું. એ સમયે ઇંગ્લિશ અને સ્પેનિશ ભાષાનો સપોર્ટ હતો. જોકે હવે એમાં ઘણી ભાષાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ક્રિએટર્સના અવાજ થશે ટ્રાન્સલેટ
AI હવે કન્ટેન્ટ ક્રિએટર્સના ઓરિજનલ અવાજને એડવાન્સ ટેક્નોલોજીની મદદથી ટ્રાન્સલેટ કરશે અને તેના જેવા જ અવાજમાં અન્ય ભાષામાં બોલશે. આથી કન્ટેન્ટને અન્ય ભાષામાં રૂપાંતર કરવામાં આવે તો પણ તે એકદમ ઓરિજનલ હોય એવું બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે. આ સાથે જ ક્રિએટર્સ પાસે લિપ સિંક ફીચર્સ પણ છે. આ ફીચરની મદદથી ક્રિએટર્સના હોંઠ જ્યારે હલશે ત્યારે જ અવાજ પણ આવશે. આથી અવાજ પહેલાં અને દૃશ્ય પછી આવે એવું નહીં બને.
કોણ અને કેવી રીતે કરી શકશે ઉપયોગ?
આ ફીચરનો ઉપયોગ ફેસબુક પર 1,000થી વધુ ફોલોઅર્સ ધરાવતાં ક્રિએટર્સ કરી શકશે. તેમ જ ઇન્સ્ટાગ્રામ પર પબ્લિક એકાઉન્ટ હોય એ દરેક યુઝર કરી શકશે. આ માટે ક્રિએટર્સ દ્વારા "Translate Your Voice With META AI" પર ક્લિક કરવાનું રહેશે. આ ઓપ્શન રીલ પોસ્ટ કરતાં પહેલાં જોવા મળશે. આ ઓપ્શન પસંદ કરતાં જે-તે ભાષામાં ઓટોમેટિક અવાજ સંભળાશે. તેમજ, એ ચાલુ કરતાંની સાથે જ લિપ સિંક ફીચરનો પણ વિકલ્પ આપવામાં આવશે.
પોસ્ટ કરતાં પહેલાં કરી શકાશે Preview
ક્રિએટર્સને આ માટે ટ્રાન્સલેશન કરેલા વીડિયોનું Preview પણ દેખાડવામાં આવશે. આથી તેઓ ભાષાંતર અને તેમનું લિપ સિંક યોગ્ય થયું છે કે નહીં એ પણ ચેક કરી શકશે. આ Preview બાદ યુઝર નક્કી કરે કે તેણે ભાષાંતર નથી કરવું તો પણ એની અસર તેના ઓરિજિનલ રીલ પર નહીં પડે. આ ભાષાંતર કરેલું રીલ જે પણ યુઝર્સ જોશે એને રીલની નીચે મેસેજ આવશે કે આ અવાજને ટ્રાન્સલેટ કરવામાં આવ્યું છે અને એ માટે મેટા AIનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ઇન્સાઇટમાં આવશે નવી એનાલિસિસ પેનલ
ઇન્સ્ટાગ્રામ દ્વારા ઇન્સાઇટમાં તમામ એનાલિસિસ કરવા માટેના ફીચરનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં હવે નવી એક પેનલનો સમાવેશ કરવામાં આવશે. આ પેનલ ભાષાંતર માટેની છે. કઈ ભાષામાં કેટલી રીલ જોવામાં આવે એ પણ એમાં જોઈ શકાશે. આ ફીચરનો ઉપયોગ કરવા માટે મેટા દ્વારા કહેવામાં આવ્યું છે કે યુઝર દ્વારા તેના ચહેરાને કેમેરા સામે જ રાખવું. જો ચહેરો આમતેમ કરવામાં આવ્યો અને હોંઠ દેખાતા બંધ થયા તો લિપ સિંકમાં સમસ્યા આવી શકે છે. આથી શ્રેષ્ઠ રિઝલ્ટ માટે સામે જોવું વધુ સારું છે.








