1 એપ્રિલથી કેન્દ્ર સરકારે લીધો મહત્ત્વનો નિર્ણય, દેશભરની તેલ કંપનીઓને અપાયા નિર્દેશ
કેન્દ્ર સરકારે પેટ્રોલને લઈને એ

કેન્દ્ર સરકારે પેટ્રોલને લઈને એક મહત્વનો નિર્ણય લીધો છે, જેની સીધી અસર સામાન્ય જનતા અને ઓટોમોબાઈલ સેક્ટર પર પડશે. કેન્દ્ર સરકારે તેલ વેચતી કંપનીઓને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે 1 એપ્રિલ 2026 થી દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઇથેનોલ બ્લેન્ડેડ (E20) પેટ્રોલ વેચવામાં આવે. આ પેટ્રોલમાં મહત્તમ 20 ટકા ઇથેનોલ હશે અને તેનું લઘુત્તમ રિસર્ચ ઓક્ટેન નંબર એટલે કે RON 95 હોવું અનિવાર્ય રહેશે.
કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય દ્વારા આ આદેશ જારી કરવામાં આવ્યો છે. 17 ફેબ્રુઆરીના રોજ જારી કરાયેલા નોટિફિકેશનમાં મંત્રાલયે જણાવ્યું છે કે, તેલ કંપનીઓએ માત્ર એવું જ પેટ્રોલ સપ્લાય કરવું જે E20 ધોરણો પર ખરું ઉતરતું હોય. આ પેટ્રોલ બ્યુરો ઓફ ઈન્ડિયા સ્ટાન્ડર્ડ્સ (BIS) ના નક્કી કરેલા માપદંડો મુજબનું હોવું જોઈએ અને સમગ્ર દેશમાં એક સમાન ગુણવત્તા સાથે ઉપલબ્ધ કરાવવાનું રહેશે. જોકે, અમુક ખાસ સંજોગોમાં મર્યાદિત સમય માટે કેટલાક વિસ્તારોને મુક્તિ આપી શકાય છે.
શું છે E20 ફ્યુઅલ?
E20 ફ્યુઅલ એ પેટ્રોલનું એવું મિશ્રણ છે જેમાં 20% ઇથેનોલ અને 80% પરંપરાગત પેટ્રોલ હોય છે. ઇથેનોલ એક બાયો-ફ્યુઅલ છે જે મુખ્યત્વે શેરડી, મકાઈ અથવા અન્ય પાકમાંથી બનાવવામાં આવે છે. તેનો ઉપયોગ અશ્મિભૂત ઈંધણ (Fossil Fuel) પરની નિર્ભરતા ઘટાડવા માટે કરવામાં આવે છે. સરકારનો ઉદ્દેશ્ય E20ને પ્રોત્સાહન આપીને પ્રદૂષણ ઘટાડવાનો અને ખેડૂતોને પાકમાંથી વધારાની આવક આપવાનો છે. ભારતે જૂન 2022માં જ 10 ટકા ઇથેનોલ બ્લેન્ડિંગનો લક્ષ્યાંક સમય મર્યાદા પહેલા હાંસલ કરી લીધો હતો, ત્યારબાદ સરકારે 2025-26 સુધીમાં 20 ટકાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.
RON 95 કેમ મહત્વનું છે?
રિસર્ચ ઓક્ટેન નંબર (RON)એ દર્શાવે છે કે પેટ્રોલ એન્જિનમાં 'નોકિંગ' (Knocking) સામે કેટલું મજબૂત છે. નોકિંગથી એન્જિનને નુકસાન અને પાવર લોસ થઈ શકે છે. વધુ RON ધરાવતું પેટ્રોલ દબાણમાં પણ સ્થિર રહે છે. ઇથેનોલનું ઓક્ટેન રેટિંગ લગભગ 108 હોય છે, તેથી જ્યારે તેને પેટ્રોલમાં ભેળવવામાં આવે છે, ત્યારે ઇંધણની ગુણવત્તામાં સુધારો થાય છે. RON 95નો નિયમ એ સુનિશ્ચિત કરશે કે એન્જિન સુરક્ષિત રહે અને બહેતર પરફોર્મન્સ આપે.
તેલ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઇથેનોલ બ્લેન્ડિંગને કારણે 2014-15થી અત્યાર સુધીમાં ભારતને 1.40 લાખ કરોડ રૂપિયાથી વધુના વિદેશી હૂંડિયામણની બચત થઈ છે. નવા નિયમ લાગુ થયા બાદ આ ફાયદો વધુ વધવાની અપેક્ષા છે.
વાહનો પર શું અસર પડશે?
ઓટો ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતોનું કહેવું છે કે 2023 પછી બનેલા મોટાભાગના વાહનો E20 પેટ્રોલ માટે સક્ષમ છે. આ ગાડીઓમાં કોઈ મોટા ફેરફારની જરૂર નહીં પડે. જોકે, જૂના વાહનોના વપરાશકર્તાઓ માટે કેટલાક પડકારો હોઈ શકે છે:
-
માઈલેજમાં ઘટાડો: કેટલાક યુઝર્સના મતે E20 પેટ્રોલથી માઈલેજમાં 3 થી 7 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
-
મેન્ટેનન્સ: સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ ફરિયાદ કરી છે કે જૂના વાહનોના પાર્ટ્સ વહેલા ખરાબ થઈ રહ્યા છે. જૂના એન્જિન આ હાઈ ઇથેનોલ બ્લેન્ડિંગ માટે ડિઝાઈન કરવામાં આવ્યા ન હોવાથી સ્ટાર્ટિંગમાં પણ તકલીફ પડી શકે છે.
સોલ્યુશન: E20 કન્વર્ઝન કિટ
આ સમસ્યાને પહોંચી વળવા માટે કેટલીક વાહન ઉત્પાદક કંપનીઓએ E20 કન્વર્ઝન કિટ બજારમાં ઉતારી છે. આ કિટ વાહનના એન્જિન ઘટકોને થતા સંભવિત નુકસાનને ઘટાડશે અને પરફોર્મન્સ જાળવી રાખશે.








