Auto/ ઈઝરાયલમાં ભારતીય બાઈક "Royal Enfield"એ ખેંચ્યું પીએમ મોદી અને નેતન્યાહુનું ધ્યાન

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ઈઝરાયલના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે જેરુસલેમમાં આયોજિત એક ટેક એક્ઝિબિશનમાં હાજરી આપી હતી. આ પ્રદર્શન આધુનિક ટેકનોલોજી અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બંને દેશોના સંબંધોમાં નવી મજબૂતી અને ભાગીદારીની ઝલક સ્પષ્ટપણે જોવા મળી હતી. આ બધાની વચ્ચે એક તસવીરે લોકોનું ધ્યાન ખેંચ્યું છે, જેમાં બંને દિગ્ગજ નેતાઓ રોયલ એનફિલ્ડની દમદાર બાઈકનું નિરીક્ષણ કરતા જોવા મળ્યા હતા.
વિવિધ ક્ષેત્રોની ટેકનોલોજીનું પ્રદર્શન
તમને જણાવી દઈએ કે, આ ટેક એક્ઝિબિશન જેરુસલેમ શહેરમાં આયોજિત કરવામાં આવ્યું હતું. જેમાં એગ્રીકલ્ચર ટેકનોલોજી, વોટર મેનેજમેન્ટ, ક્લાઈમેટ સોલ્યુશન, બાયોટેકનોલોજી, સ્માર્ટ મોબિલિટી, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), સાયબર સિક્યોરિટી, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, એનર્જી અને સ્પેસ સિસ્ટમ જેવા અનેક મહત્વના ક્ષેત્રોની નવી શોધો પ્રદર્શિત કરવામાં આવી હતી. આ પ્રદર્શનમાં મોટી કંપનીઓની સાથે સંશોધન સંસ્થાઓએ પણ પોતાની ઈનોવેટિવ ટેકનિક રજૂ કરી હતી.
પ્રદર્શન દરમિયાન વડાપ્રધાન મોદીએ વૈજ્ઞાનિકો, CEO અને ટેક સ્ટાર્ટઅપ્સ સાથે સીધો સંવાદ કર્યો હતો. તેમણે સમજવાનો પ્રયાસ કર્યો હતો કે નવી ટેકનોલોજી સામાન્ય લોકોના રોજિંદા જીવનને કેવી રીતે સરળ બનાવી શકે છે. આ તકે ઈઝરાયેલની 'ઈનોવેશન હબ' તરીકેની ઓળખ અને ભારતની નવી ટેકનોલોજી અપનાવવાની રુચિ સ્પષ્ટપણે દેખાઈ આવી હતી.
રોયલ એનફિલ્ડ બાઈક બની આકર્ષણનું કેન્દ્ર
આ કાર્યક્રમની ખાસ ક્ષણ ત્યારે આવી જ્યારે પીએમ મોદી અને પીએમ નેતન્યાહુએ પ્રદર્શનમાં હાજર રોયલ એનફિલ્ડ ગોઅન ક્લાસિક 350 (Royal Enfield Goan Classic 350) મોટરસાઈકલ જોઈ. આ બાઈક ભારતની મેન્યુફેક્ચરિંગ તાકાત અને ઈઝરાયેલમાં વધતા ભારતીય નિકાસનું પ્રતિક બની છે. ઈઝરાયેલમાં રોયલ એનફિલ્ડની મોટી ફેન ફોલોઈંગ છે, જ્યાં તેની ક્લાસિક ડિઝાઈન અને ક્રૂઝર સ્ટાઈલને ખૂબ જ પસંદ કરવામાં આવે છે. સ્થાનિક ડિસ્ટ્રીબ્યુટર્સ અને સર્વિસ નેટવર્કે ત્યાં એક મજબૂત રાઈડર કોમ્યુનિટી તૈયાર કરી છે.
કેમ ખાસ છે આ બાઈક?
રોયલ એનફિલ્ડ Goan Classic 350માં નીચે મુજબની ખાસિયતો છે:
-
એન્જિન: 349 સીસીનું એર-ઓઈલ કૂલ્ડ એન્જિન, જે 20.2 bhp પાવર અને 27 Nm ટોર્ક જનરેટ કરે છે.
-
ગિયરબોક્સ: 5-સ્પીડ ગિયરબોક્સ.
-
નવા ફીચર્સ: 2026 મોડેલમાં અસિસ્ટ અને સ્લિપર ક્લચ ઉમેરવામાં આવ્યા છે, જેનાથી ગિયર બદલવું સરળ બને છે.
-
ચાર્જિંગ: બાઈકમાં ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે USB ટાઈપ-C પોર્ટ પણ છે.
-
ડિઝાઈન: આ બાઈકમાં બોબર સ્ટાઈલ લૂક, સિંગલ ફ્લોટિંગ સીટ, કોમ્પેક્ટ એપ હેન્ગર હેન્ડલબાર અને વ્હાઇટ સાઇડવોલ સાથે ક્રોસ સ્પોક ટ્યુબલેસ વ્હીલ્સ આપવામાં આવ્યા છે.
ભારતીય બજારમાં આ મોટરસાઈકલની શરૂઆતી કિંમત 2.20 લાખ રૂપિયા છે.

