Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Opposition walks out of Israeli parliament before PM Modi's speech

PM મોદીના ભાષણ પહેલા જ ઈઝરાયલની સંસદમાં વિપક્ષનું વોકઆઉટ, જાણો, સમગ્ર વિવાદનું કારણ

Timeછેલ્લું અપડેટ : 26 Feb 2026
લાઇવ ટીવીGoogle News
PM મોદીના ભાષણ પહેલા જ ઈઝરાયલની સંસદમાં વિપક્ષનું વોકઆઉટ, જાણો, સમગ્ર વિવાદનું કારણ
સોર્સ : GSTV

ઇઝરાયલની સંસદ (નેસેટ)માં ભારતના પીએમ નરેન્દ્ર મોદીના ઐતિહાસિક સંબોધન પૂર્વે એક અભૂતપૂર્વ રાજકીય વળાંક જોવા મળ્યો હતો. પીએમ મોદીના ભાષણની ગણતરીની મિનિટો પહેલા જ ઇઝરાયલના વિપક્ષી સાંસદોએ સદનમાંથી વોકઆઉટ કરી દેતા એક સમયે વાતાવરણ તંગ બની ગયું હતું. જોકે, વિપક્ષે તુરંત સ્પષ્ટતા કરી હતી કે આ નારાજગી પીએમ મોદી સામે નહીં, પણ પોતાની સરકાર સામે છે.

App Store

કેમ સર્જાયો વિવાદ?

ઇઝરાયલી મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સમગ્ર વિવાદનું મુખ્ય કારણ સંસદના સ્પીકર અમીર ઓહાનાનો એક નિર્ણય હતો. પરંપરા મુજબ આવા વિશેષ સત્રમાં સુપ્રીમ કોર્ટના અધ્યક્ષને આમંત્રણ આપવાનું હોય છે, પરંતુ સ્પીકરે જસ્ટિસ આઈઝેક અમિતને બોલાવ્યા નહોતા. તેને ન્યાયતંત્રનું અપમાન ગણાવી વિપક્ષી દળોએ સ્પીકર અને નેતન્યાહૂ સરકારના વિરોધમાં વોકઆઉટ કર્યું હતું.

 

પીએમ મોદી માટે પાછા આવ્યા વિપક્ષી નેતાઓ

રસપ્રદ વાત એ છે કે, વિપક્ષી નેતાઓએ પીએમ નેતન્યાહૂના ભાષણનો બહિષ્કાર કર્યો, પરંતુ જેવું પીએમ મોદીના સંબોધનનો સમય થયો, તેઓ સદનમાં પરત ફર્યા હતા. વિપક્ષના નેતા અને પૂર્વ વડાપ્રધાન યાયર લેપિડે પીએમ મોદી સાથે હાથ મિલાવીને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

લેપિડે મંચ પરથી સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, 'મિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર, આજે અહીં જે કંઈ પણ(વોકઆઉટ) થયું, તેને તમારી સાથે કોઈ લેવાદેવા નથી. અમે બધા જ તમારી લીડરશિપના પ્રશંસક છીએ.'

 

નેતન્યાહૂ સરકાર સામે વિરોધ, પણ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત

ઇઝરાયલની સંસદમાં પીએમ મોદીના સંબોધન પૂર્વે સર્જાયેલા હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે વિપક્ષી પાર્ટીઓ 'યેશ અતિદ', 'યિસરાઈલ બેઈતેનુ' અને 'દ ડેમોક્રેટ્સ'એ એકસૂરે ભારતીય વડાપ્રધાનની પ્રશંસા કરી હતી. વિપક્ષી નેતાઓએ પીએમ મોદીને વિશ્વના સૌથી મહત્ત્વના નેતા અને ઇઝરાયલના સાચા મિત્ર ગણાવતા કહ્યું હતું કે, 'જ્યારે અમારો દેશ સંકટમાં હતો ત્યારે ભારત અમારી સાથે મક્કમતાથી ઊભું રહ્યું હતું, જે બદલ અમે હંમેશા આભારી રહીશું. નેતા લેપિડે ભારત અને ઇઝરાયલ વચ્ચેની મિત્રતાને અતૂટ અને શાશ્વત ગઠબંધન ગણાવી પીએમ મોદીના નેતૃત્વને બિરદાવ્યું હતું, જે દર્શાવે છે કે આંતરિક રાજકીય ખેંચતાણ છતાં પીએમ મોદી અને નેતન્યાહૂના શાસન હેઠળ ભારત-ઇઝરાયલના સંબંધો નવી ઊંચાઈએ પહોંચ્યા છે.

સોશિયલ મીડિયા પર પણ દેખાયો પ્રેમ

સંસદમાં સ્વાગત કર્યા બાદ યાયર લેપિડે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પણ પીએમ મોદીની પ્રશંસા કરી હતી. તેમણે લખ્યું કે, સમગ્ર ઇઝરાયલ દેશ પીએમ મોદીની મિત્રતાની કદર કરે છે. સત્તા પક્ષ હોય કે વિપક્ષ, ભારતના વડાપ્રધાનને સાંભળવા માટે આખું સદન આતુર હતું.

આ ઘટનાએ સાબિત કરી દીધું કે ઇઝરાયલના આંતરિક રાજકારણમાં ભલે ગમે તેટલા મતભેદ હોય, પરંતુ ભારત અને પીએમ મોદી પ્રત્યેના સન્માનમાં ત્યાંનો દરેક પક્ષ એકમત છે.