મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

લંડનમાં સોફા નીચે વર્ષોથી પડેલી સામાન્ય પ્લેટ નીકળી ચીની શાહી પરિવારની દુર્લભ કલાકૃતિ

લંડનમાં સોફા નીચે વર્ષોથી પડેલી સામાન્ય પ્લેટ નીકળી ચીની શાહી પરિવારની દુર્લભ કલાકૃતિ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

લંડનના એક પરિવારના ઘરમાં સોફા નીચે વર્ષોથી ધૂળ ખાતી પડેલી એક સામાન્ય લાગતી પ્લેટ હવે લાખોની કિંમત ધરાવતી દુર્લભ કલાકૃતિ બની છે. પરિવાર તેને બિનઉપયોગી સમજીને રાખતો હતો, પણ તપાસમાં તે ચીની શાહી પરિવાર સાથે જોડાયેલી ઐતિહાસીક પોર્સેલિન કલાકૃતિ હોવાનું બહાર આવ્યું. હવે તેની હરાજી થવાની છે.

આ પ્લેટ નોર્થ લંડનના એક ઘરમાં મળી આવી હતી. તે લગભગ બે ફીટ પહોળી અને ૧૩.૬ કિલોગ્રામ વજનની છે. વીસમી સદીની શરૂઆતમાં ચીની મૂળના વિંગ લૂંગ ગૂ તેને લઈને આવ્યા હતા. તેના ફોટા વૂલી એન્ડ વોલિસ નામના લિલામગૃહને મોકલવામાં આવ્યા, જ્યાં નિષ્ણાંતોએ તેની વિશેષતા ઓળખી કાઢી.

એશિયલ કલા નિષ્ણાંત જોન એક્સફોર્ડે પ્લેટ પરની ચાર અક્ષરોવાળી વિશિષ્ટ મહોરનું નિરીક્ષણ કર્યું. આ મહોર બેઈજિંગના ફોરબિડન સિટીમાં આવેલા ચુક્સિયું મહેલ સાથે સંબંધિત હોવાનું માનવામાં આવે છે. તેના આધારે આ પ્લેટ મહેલ માટે બનાવવામાં આવી હોવાનું અનુમાન છે. તેના પીળા રંગના તળિયાને કારણે પણ તેને અનોખી કલાકૃતિ ગણવામાં આવી છે.
આ દુર્લભ પ્લેટની હરાજી ૧૦ નવેમ્બર, ૨૦૨૬ના રોજ યોજાશે. તેની અંદાજિત કિંમત વીસ હજારથી ત્રીસ હજાર બ્રિટિશ પાઉન્ડ (આશરે ૨૪થી ૩૬ લાખ રૂપિયા) છે. જો કે, હરાજીમાં તેની અંતિમ કિંમત કેટલી મળશે તે તો ત્યારે જ સ્પષ્ટ થશે. આ ઘટના દર્શાવે છે કે ક્યારેક સામાન્ય દેખાતી જૂની વસ્તુઓમાં પણ અમૂલ્ય ઐતિહાસીક વારસો છુપાયેલો હોઈ શકે છે.

આ સમાચાર શેર કરો