મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

અમેરિકામાં મિડટર્મ ચૂંટણી બાદ ઈરાન પર ફરી હુમલાની આશંકા! સાથી દેશોને એલર્ટ રહેવા સૂચના

અમેરિકામાં મિડટર્મ ચૂંટણી બાદ ઈરાન પર ફરી હુમલાની આશંકા! સાથી દેશોને એલર્ટ રહેવા સૂચના
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

પશ્ચિમ એશિયામાં ફરી સૈન્ય સંઘર્ષ ભડકવાની આશંકા ઊભી થઈ છે. અમેરિકામાં 3 નવેમ્બરે યોજાનારી મિડટર્મ ચૂંટણી બાદ ઈરાન સામે ફરી સૈન્ય કાર્યવાહી થઈ શકે છે. આ સંભાવનાને ધ્યાનમાં રાખીને અમેરિકાના અધિકારીઓએ પશ્ચિમ એશિયાના અનેક દેશો અને પ્રાદેશિક સહયોગીઓને સાવચેત રહેવા જણાવ્યું હોવાનો અહેવાલ સામે આવ્યો છે. જોકે, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર નવા હુમલા કરવાનો અંતિમ નિર્ણય લીધો હોવાની પુષ્ટિ થઈ નથી.

ચૂંટણી બાદ હુમલાની શક્યતા, સાથી દેશોને એલર્ટ

બે રાજદ્વારીઓને ટાંકીને પ્રકાશિત અહેવાલ મુજબ, અમેરિકાના સહયોગીઓને ઈરાન તરફથી સંભવિત વળતા હુમલા માટે પણ તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે. ઈરાન તરફથી ઊર્જા મથકો અને અન્ય મહત્ત્વપૂર્ણ માળખાંને નિશાન બનાવવામાં આવે તેવી આશંકાને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવા જણાવાયું છે. ટ્રમ્પે અગાઉ પણ ચૂંટણી બાદ ફરી સૈન્ય કાર્યવાહી કરવાના વિકલ્પ પર વિચાર કરવાની શક્યતા વ્યક્ત કરી હોવાનું અહેવાલમાં જણાવાયું છે. જોકે, વ્હાઇટ હાઉસ અને અમેરિકાના અન્ય અધિકારીઓએ આ મામલે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે.

ઈરાનના રાજદ્વારી પ્રયાસો ચાલુ

એક તરફ સૈન્ય કાર્યવાહીનો ભય વધી રહ્યો છે, તો બીજી તરફ ઈરાને રાજદ્વારી માર્ગે ઉકેલ શોધવાના પ્રયાસો ચાલુ રાખ્યા છે. ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ 28 ઑક્ટોબરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું હતું કે તેહરાન રાજદ્વારી પ્રયાસોને સફળ થવાની તક આપી રહ્યું છે. તેમના જણાવ્યા અનુસાર, મધ્યસ્થીઓ સાથે મળીને અગાઉ રજૂ કરાયેલા પ્રસ્તાવના મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી રહી છે. ઈરાન આ પ્રસ્તાવને યુદ્ધવિરામ તરફ પાછા ફરવા માટેના આધાર તરીકે જોવા માગે છે. જોકે, ટ્રમ્પ અગાઉ આ પ્રસ્તાવ ફગાવી ચૂક્યા છે. સંયુક્ત આરબ અમીરાતે પણ બંને પક્ષોને સંયમ રાખવા અને રાજકીય ઉકેલ તરફ આગળ વધવા અપીલ કરી છે, જેથી તણાવને વધુ વકરતો અટકાવી શકાય.

પર્શિયન ગલ્ફમાં અમેરિકાની સૈન્ય હાજરી મજબૂત

અહેવાલ અનુસાર, અમેરિકાએ ગયા મહિનાના અંતમાં USS થિયોડોર રૂઝવેલ્ટ વિમાનવાહક જહાજ સાથે મરીન સૈનિકો ધરાવતાં અનેક જહાજોને સાન ડિએગોથી પર્શિયન ગલ્ફ તરફ રવાના કર્યા હતા. આ તૈનાતીમાં અંદાજે 9,000 સૈનિકો સામેલ હોવાનું જણાવાયું છે. આ સૈન્ય તૈનાતીથી પશ્ચિમ એશિયામાં અમેરિકાની હાજરી વધુ મજબૂત બની છે. બીજી તરફ, ઈરાન સમર્થિત હૂતી બળવાખોરો દ્વારા સાઉદી અરેબિયાના તેલ માળખાં અને હવાઈમથકો પર હુમલા થયાના અહેવાલો પણ સામે આવ્યા છે. તેના જવાબમાં સાઉદી અરેબિયાના નેતૃત્વ હેઠળના ગઠબંધને યમનમાં હૂતીના નિયંત્રણ હેઠળનાં વિસ્તારો પર હુમલા કર્યા હોવાનું અહેવાલમાં જણાવાયું છે.

યુદ્ધનો ખર્ચ 47.1 અબજ ડૉલર સુધી પહોંચ્યાનો અંદાજ

ઈરાન સાથેના યુદ્ધનો વધતો ખર્ચ અમેરિકામાં પણ રાજકીય ચર્ચાનો વિષય બન્યો છે. પેન્ટાગોનના તાજેતરના અંદાજ મુજબ, આ યુદ્ધને કારણે અમેરિકાના કરદાતાઓ પરનો ખર્ચ 47.1 અબજ ડૉલર સુધી પહોંચ્યો છે. વધતા પેટ્રોલના ભાવ અને મોંઘવારી વચ્ચે યુદ્ધનો મુદ્દો અમેરિકાની રાજનીતિમાં મહત્ત્વનો બન્યો છે. ટ્રમ્પે ચૂંટણી પ્રચાર દરમિયાન યુદ્ધ ટૂંક સમયમાં પૂર્ણ થવાની આશા વ્યક્ત કરી હતી, પરંતુ ચૂંટણી બાદ ફરી બોમ્બમારો કરવાની શક્યતાને સંપૂર્ણપણે નકારી નથી. હાલમાં ચૂંટણી બાદ અમેરિકી સૈન્ય કેટલા સમયમાં ફરી હુમલા કરવા સક્ષમ બનશે તે સ્પષ્ટ નથી. જોકે, અમેરિકાની ચેતવણીઓ, ઈરાનના સંભવિત વળતા હુમલાની આશંકા અને ગલ્ફ ક્ષેત્રમાં વધતી સૈન્ય હાજરીને કારણે પશ્ચિમ એશિયામાં તણાવ વધુ ઘેરો બન્યો છે.

 

આ સમાચાર શેર કરો