Video: EVENING BULLETIN / અમેરિકામાં પણ ઉઠ્યો વોટ ચોરીનો મુદ્દો! ચૈતર વસાવાને સુપ્રીમમાંથી રાહત


હુમલા રોકવા રૂ.9,500 કરોડની ઓફર?
ખાડી દેશોમાં શાંતિ માટે મોટો સોદો થવાની ચર્ચા છે. સાઉદી અરેબિયા અને યમનના હુથી વિદ્રોહીઓ વચ્ચે યુદ્ધવિરામ કરાવવા ઈરાન મધ્યસ્થી કરી રહ્યું છે. વિદેશી મીડિયાના દાવા મુજબ, પોતાના દેશ પર હુમલા બંધ કરવાના બદલામાં સાઉદી અરેબિયા હુથી જૂથને 1 અબજ ડોલર એટલે કે 9,000 કરોડ રૂપિયા ચૂકવવા તૈયાર થયું હોવાના અહેવાલ છે.
અમેરિકામાં પણ ઉઠ્યો વોટ ચોરીનો મુદ્દો!
અમેરિકામાં મિડટર્મ ચૂંટણી પહેલાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સનસનાટીપૂર્ણ જાહેરાત કરી છે. ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને તેમણે દાવો કર્યો કે ચૂંટણીમાં મતદાનની ગેરરીતિ અને વોટ ચોરીના ચોક્કસ પુરાવા આપનારને 10 લાખ ડોલર એટલે કે આશરે 9 કરોડ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. મૃતકોના નામે મતદાન થતું હોવાનો આરોપ પણ તેમણે લગાવ્યો છે.
ચૂંટણી પંચ સામે સુપ્રીમ કોર્ટની નોટિસ
બિહારમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન દરમિયાન મતદાર નોંધણી માટેના ‘ફોર્મ 6’માં મંજૂરી વિના ફેરફાર કરવાના મામલે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નોટિસ ફટકારી છે. TMC સાંસદ ડોલા સેનની અરજી પર સુનાવણી કરતાં સીજેઆઈ સૂર્યકાંતની ખંડપીઠે જણાવ્યું કે આ ગંભીર બાબત છે અને કોર્ટ દ્વારા આ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે.
અર્નબ વાવાઝોડાનું પ્રચંડ સંકટ
બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાત ‘અર્નબ’ અતિ પ્રચંડ બન્યું છે. હવામાન વિભાગ અનુસાર, આ વાવાઝોડું આંધ્રપ્રદેશના દરિયાકાંઠે 115થી 140 કિલોમીટર પ્રતિ કલાકની તોફાની ઝડપે લેન્ડફોલ કરી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ અને પૂરની આશંકાને જોતાં વહીવટી તંત્ર દ્વારા હજારો લોકોનું સલામત સ્થળે સ્થળાંતર શરૂ કરી દેવાયું છે.
ચૈતર વસાવાને સુપ્રીમમાંથી રાહત
જેલમાં બંધ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને સર્વોચ્ચ અદાલતમાંથી મોટી રાહત મળી છે. બીમાર ભાઈની મુલાકાત લેવા માટે અગાઉ ગુજરાત હાઈકોર્ટે તેમને માત્ર એક દિવસના જામીન આપ્યા હતા. જોકે, સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના હુકમ સામે સુનાવણી હાથ ધરીને જામીનની મુદત વધારી 3 દિવસના હંગામી જામીન મંજૂર કર્યા છે.
રાજકોટના ખેડૂતો લાલઘૂમ
સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓ માટે જાહેર કરાયેલા સરકારી દુષ્કાળ રાહત પેકેજ સામે રાજકોટના ધરતીપુત્રોમાં રોષ ફાટી નીકળ્યો છે. રાજકોટ જિલ્લાને પેકેજમાંથી બાકાત રખાતા અને અપાયેલી રકમ અપૂરતી હોવાથી ખેડૂત આગેવાનોએ સરકાર પર 'વહાલા-દવલા'ની નીતિ અપનાવવાનો અને ખેડૂતોની ક્રૂર મજાક કરવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.








