VIDEO: Perplexity AI વિરુદ્ધ અમેરિકામાં ક્લાસ-એક્શન કેસ, પર્સનલ ડેટા લીક કરવાનો આક્ષેપ
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સ્ટાર્ટઅપ Perplexity AI પર એક ખૂબ જ ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. Perplexi


આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સ્ટાર્ટઅપ Perplexity AI પર એક ખૂબ જ ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. Perplexity AI વિરુદ્ધ અમેરિકામાં ક્લાસ-એક્શન કેસ દાખલ થયો છે. આ કાનૂની ફરિયાદમાં કંપની પર આરોપ મૂકવામાં આવ્યો છે કે તેણે યુઝર્સની વ્યક્તિગત માહિતી ગોપનીય રીતે ટેક કંપનીઓ Meta અને Google સાથે યોગ્ય મંજૂરી લીધા વગર શેર કરી છે. કોઈ પણ કંપની આ રીતે ડેટા શેર નહીં કરી શકે અને એથી જ Perplexity AI પર હવે તપાસ શરૂ કરવામાં આવી છે.
ડેટા ટ્રેકિંગનો આરોપ
એક રિપોર્ટ અનુસાર આ કેસ મંગળવારે સાન ફ્રાન્સિસ્કોની ફેડરલ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે Perplexity AI એ પોતાના પ્લેટફોર્મ પર હિડન ટ્રેકિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. આ મિકેનિઝમ્સ કહેવામાં આવે છે કે યુઝર જ્યારે વેબસાઇટના હોમપેજ પર પ્રવેશ કરે છે ત્યારે જ સક્રિય થઈ જાય છે અને કોઈ સ્પષ્ટ જાણકારી કે મંજૂરી વગર તેમના ડિવાઇસ પર ઇન્સ્ટોલ થઈ જાય છે.
ફરિયાદ મુજબ, આ ટ્રેકર્સ થર્ડ પાર્ટી કંપનીઓ, ખાસ કરીને Meta અને Googleને યુઝર્સની તમામ માહિતી મોનીટર કરવા માટેની સુવિધા પૂરી પાડે છે. તેમાં AI આધારિત સર્ચ એન્જિન સાથે યુઝર દ્વારા થતી વાતચીત અને ઇન્ટરએક્શનનો પણ સમાવેશ થાય છે. આ કારણે યુઝરની ખાનગી માહિતી કેટલી સુરક્ષિત છે તે અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.
પ્રાઈવસી કાયદાના ભંગની શક્યતા
ફરિયાદમાં આગળ દાવો કરવામાં આવ્યો છે કે આ પ્રકારની ડેટા હેન્ડલિંગ કેલિફોર્નિયાના કડક પ્રાઈવસી કાયદાઓનો ભંગ કરી શકે છે. આ કાયદાઓમાં કંપનીઓને ફરજ પાડવામાં આવી છે કે તેઓ યુઝર્સને ડેટા સંગ્રહ અને તેના ઉપયોગ વિશે સ્પષ્ટ માહિતી આપે અને ત્રીજી પાર્ટી સાથે માહિતી શેર કરતા પહેલા તેમની સ્પષ્ટ મંજૂરી મેળવે.
જોકે આ આરોપ કોર્ટમાં સાબિત થાય તો Perplexity AI માટે ગંભીર કાનૂની અને આર્થિક પરિણામો આવી શકે છે. કેસમાં મુખ્ય મુદ્દો પારદર્શિતાનો છે, કારણ કે યુઝર્સ સામાન્ય રીતે ધારણા રાખે છે કે AI પ્લેટફોર્મ સાથેની તેમની વાતચીત ખાનગી રહેશે, ખાસ કરીને જ્યારે તેમાં વ્યક્તિગત અથવા સંવેદનશીલ વિષયોનો સમાવેશ થાય છે.
AI અને ડેટા પ્રાઈવસી અંગે વધતી ચિંતાઓ
આ કેસ AI આધારિત પ્લેટફોર્મ્સ અને તેમના ડેટા ઉપયોગને જે રીતે પ્રોસેસ અને ઉપયોગ કરવામાં આવે છે તે અંગે વધતી વૈશ્વિક ચિંતાઓનું પ્રતિબિંબ છે. જેમ જેમ AI ટેક્નોલોજી રોજિંદા જીવનમાં વધુ ઉમેરાઈ રહી છે, તેમ તેમ સરકારી સંસ્થાઓ અને યુઝર્સ બંને વધુ મજબૂત સુરક્ષા અને જવાબદારીની માંગ કરી રહ્યા છે.
ટેક નિષ્ણાતો અને ક્રિટિક્સ અનુસાર AI ક્ષેત્રની ઝડપી વૃદ્ધિ સરકારી નિયમોને પાછળ છોડી રહી છે, જેના કારણે કંપનીઓની ભૂલ પણ સાબિત નથી થઈ રહી, કારણ કે હજી સુધી એવા કોઈ નિયમ બન્યા જ નથી. આવા કેસો ભવિષ્યમાં AI કંપનીઓ માટે ડેટા પ્રાઈવસીના ધોરણોને આકાર આપવા માટે મહત્ત્વપૂર્ણ બની શકે છે.
આગળ શું થશે?
હાલમાં Perplexity AI દ્વારા આ આરોપ વિશે કોઈ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું નથી. જેમ જેમ કેસ આગળ વધશે, તેમ તે પ્રાઈવસીને સપોર્ટ કરનાર, સરકાર અને ટેક કંપનીઓ માટે આ કેસ ખાસ ધ્યાનનું કેન્દ્ર બની રહેશે. જો આ દાવાઓ સાબિત થાય છે, તો આ કેસ AI ઉદ્યોગ માટે એક મહત્ત્વપૂર્ણ કેસ બની શકે છે. ખાસ કરીને ડેટા પારદર્શિતા અને થર્ડ પાર્ટી સાથેના ડેટા શેરિંગ અંગે ચોક્કસ નિયમો બનાવવામાં આવી શકે છે. યુઝર્સ માટે આ ઘટના એક ચેતવણીરૂપ છે કે તેઓ નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરતી વખતે પોતાની માહિતી વિશે વધુ સાવચેત રહે.








