પોતે ડિજિટલ એરેસ્ટનો ભોગ બનતાં બચ્યો, પછી સાયબર ઠગો માટે જ બનાવી 2,805 APK ફાઈલો!
ઈન્દોરના ગ્રાફિક ડિઝાઈનરે 9,673 લોકોને નિશાન બનાવતા સાયબર નેટવર્કને ફાઈલો વેચી, ₹150 કરોડની ઠગાઈમાં મોટો ખુલાસો

મુંબઈ પોલીસે ₹150 કરોડથી વધુની સાયબર ઠગાઈના કેસમાં ઈન્દોરના 36 વર્ષીય ગ્રાફિક ડિઝાઈનર પંકજ ગુપ્તાની ધરપકડ કરી છે. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે ગુપ્તા પોતે પાંચ વર્ષ પહેલાં ડિજિટલ એરેસ્ટ (Digital Arrest) કૌભાંડનો ભોગ બનતાં માંડ બચ્યો હતો. જોકે, આ અનુભવમાંથી બોધપાઠ લેવાને બદલે તેણે સાયબર ઠગો માટે APK ફાઈલો બનાવીને વેચવાનો રસ્તો પસંદ કર્યો હતો. તેણે અંદાજે 2,805 APK ફાઈલો બનાવીને વેચી હતી, જેના ઉપયોગથી દેશભરમાં હજારો લોકોને નિશાન બનાવવામાં આવ્યા હોવાનો આરોપ છે.
વૃદ્ધ સાથેની ઠગાઈની તપાસમાં થયો પર્દાફાશ
મુંબઈના ભાયખલા વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ સાથે APK ફાઈલ મારફતે છેતરપિંડી થઈ હતી, જેમાં તેમણે ₹5.62 લાખ ગુમાવ્યા હતા. આ કેસની તપાસ દરમિયાન મુંબઈ પોલીસ બિહાર અને ઝારખંડના સાયબર ગુનેગારો સુધી પહોંચી હતી. તપાસમાં ખુલાસો થયો કે આ ઠગોએ ઈન્દોરના પંકજ ગુપ્તા પાસેથી દૂષિત APK ફાઈલો મેળવી હતી. ત્યારબાદ પોલીસે તેની ભૂમિકાની તપાસ કરીને તેની ધરપકડ કરી હતી.
સરકારી યોજનાઓના નામે બનાવતો દૂષિત APK
પોલીસના જણાવ્યા અનુસાર, કોડિંગની જાણકારી ધરાવતો ગુપ્તા સરકારી અને રોજિંદી ઉપયોગની સેવાઓના નામે APK ફાઈલો તૈયાર કરતો હતો. તેમાં વરિષ્ઠ નાગરિક કાર્ડની ચકાસણી, ઈ-ટ્રાફિક ચલણ, પેન્શન વેરિફિકેશન, ક્રેડિટ કાર્ડ અપડેટ અને પીએમ કિસાન યોજના જેવા નામોનો ઉપયોગ થતો હતો. આ ફાઈલો સ્માર્ટફોનમાં ઇન્સ્ટોલ કરાવીને પીડિતોના ડિવાઇસ અને ડિજિટલ માહિતીને નિશાન બનાવવામાં આવતાં હતાં.
₹20થી ₹25 હજારમાં વેચતો હતો ફાઈલો
પોલીસના જણાવ્યા મુજબ, ગુપ્તાએ દૂષિત APK ફાઈલોનો ડેટા સંગ્રહવા માટે વિવિધ કંપનીઓ પાસેથી સર્વર ભાડે લીધાં હતાં. તે દરેક ફાઈલ સાયબર ઠગોના નેટવર્ક સાથે જોડાયેલા કોલિંગ મોડ્યુલોને ₹20,000થી ₹25,000માં વેચતો હતો. આ ફાઈલોનો ઉપયોગ કરીને ઠગો લોકોને ફોન કરતા અને સરકારી સેવાઓ અથવા નાણાકીય પ્રક્રિયાના નામે વિશ્વાસમાં લઈને છેતરપિંડી કરતા હતા.
9,673 લોકોને બનાવાયા નિશાન
તપાસમાં સામે આવ્યું છે કે આ સાયબર સિન્ડિકેટે સમગ્ર દેશમાં 9,673 લોકોને નિશાન બનાવ્યા હતા. રાષ્ટ્રીય સાયબર ક્રાઇમ પોર્ટલ પર આ નેટવર્ક સંબંધિત 1,074 ફરિયાદો નોંધાઈ હતી. તેમાં મહારાષ્ટ્રની 142 અને મુંબઈની 36 ફરિયાદોનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા અનુસાર, બેંકો અને વિવિધ સંસ્થાઓમાંથી લીક થયેલા ડેટાનો ઉપયોગ કરીને પીડિતોનો સંપર્ક કરવામાં આવતો હતો. આ કેસે ફરી એકવાર ચેતવણી આપી છે કે અજાણી APK ફાઈલો ડાઉનલોડ કરવી કે મેસેજમાં આવેલી શંકાસ્પદ લિંક ખોલવી ગંભીર નાણાકીય જોખમ ઊભું કરી શકે છે.








