અભિષેક શર્મા સદી ફટકાર્યા પછી મેદાન પર ધ્યાનની મુદ્રામાં કેમ બેઠો હતો? પોતે ખોલ્યું 'શિવ સેલિબ્રેશન' પાછળનું રહસ્ય

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓપનર અભિષેક શર્માએ અફઘાનિસ્તાન સામેની ત્રીજી T20 મેચમાં પોતાના બેટથી તબાહી મચાવી હતી. તેણે માત્ર 30 બોલમાં તોફાની સદી ફટકારી અને 108 રન બનાવીને ઈતિહાસ રચ્યો હતો. સદી ફટકાર્યા પછી અભિષેકે અનોખી રીતે ઉજવણી કરી હતી.
પોતાની સદી ફટકાર્યા પછી, અભિષેકે ધ્યાનની મુદ્રામાં મેદાન પર બેસીને બધાને આશ્ચર્યચકિત કર્યા. તે આ દરમિયાન 'ઓમ નમઃ શિવાય' નો જાપ પણ કરતો જોવા મળ્યો. ફેન્સ તેને 'શિવ સેલિબ્રેશન' કહી રહ્યા છે. મેચ પછી અભિષેકે પોતે જ તેના ખાસ સેલિબ્રેશન પાછળનું રહસ્ય ખોલ્યું.
અભિષેક શર્માએ પોતે જ તેના 'શિવ સેલિબ્રેશન' નું રહસ્ય ખોલ્યું
અભિષેક શર્માએ અફઘાનિસ્તાન સામેની ત્રીજી T20 મેચમાં માત્ર 30 બોલમાં સદી ફટકારીને એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. તે હવે ટેસ્ટ નેશનમાં સૌથી ઝડપી T20I સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. તેણે ફિન એલનનો રેકોર્ડ તોડ્યો, જેમણે 33 બોલમાં સદી ફટકારી હતી. પોતાની સદી પૂર્ણ કર્યા પછી, અભિષેકે મેદાન પર પોતાની અનોખી ઉજવણીથી બધાનું ધ્યાન ખેંચ્યું.
મેચ પછી, અભિષેકે પોતાની ઉજવણી વિશે કહ્યું, "હું છેલ્લા છ મહિનાથી એક વર્ષથી ધ્યાનનો અભ્યાસ કરી રહ્યો છું. જ્યારે તમે આખું વર્ષ ક્રિકેટ રમો છો, ત્યારે તમે એક ખેલાડી તરીકે ઘણા ઉતાર-ચઢાવનો અનુભવ કરો છો. તો, તમે તમારા મનને કેવી રીતે શાંત રાખો છો? મને લાગે છે કે ધ્યાને ખરેખર મને મદદ કરી છે અને હું ફક્ત ઈચ્છતો હતો કે કોઈ તેને જુએ અથવા કોઈપણ ક્રિકેટરને લાગે કે છેલ્લા છથી આઠ મહિનામાં તેણે ખરેખર મને મદદ કરી છ, તો બસ તેના માટે જ આ ખાસ ઉજવણી હતી."
અભિષેક શર્માને પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યો
અભિષેક શર્માએ ભારત-અફઘાનિસ્તાન T20 સિરીઝમાં બેટથી તબાહી મચાવી, જેના કારણે તેને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ મળ્યો હતો. અભિષેકે ત્રણ મેચની T20 સિરીઝમાં સૌથી વધુ 229 રન બનાવ્યા, જેમાં એક સદી અને એક અડધી સદીનો સમાવેશ થાય છે. તેણે 76.33ની એવરેજ સાથે 269.41ના ધમાકેદાર સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા, જેમાં 18 ચોગ્ગા અને 22 છગ્ગા ફટકાર્યા. ત્રીજી T20Iમાં તેના વિસ્ફોટક 108 રન માટે તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો.
'હું કોઈ એક ક્ષેત્ર સુધી મર્યાદિત રહેવા માંગતો નથી'
પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યા બાદ અભિષેકે તેના નિવેદનમાં કહ્યું, "મને લાગે છે કે હું કોઈ એક ક્ષેત્ર સુધી મર્યાદિત રહેવા માંગતો નથી. હું ફક્ત બોલ જોઉં છું અને તે મુજબ રમું છું. પહેલા દિવસથી જ મારા માટે આ ખૂબ જ સરળ રહ્યું છે. હું ફક્ત મુક્તપણે રમવા માંગુ છું અને શોટ પર જબરદસ્તી શોટ ફટકારવા નથી માંગતો. હું ફક્ત બોલ જોવા અને તેને ફટકારવા માંગુ છું અને આવનારી બધી મેચોમાં આ મારો અભિગમ રહેશે."

