મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

QR કોડ સ્કેન કરી પેમેન્ટ કરનારા ચેતી જાઓ: માર્કેટમાં ચાલી રહ્યો છે નવો QR કોડ સ્કેમ, આ રીતે રહો સુરક્ષિત

ડિજિટલ પેમેન્ટ્સ આજે રોજિંદા જીવનન

QR કોડ સ્કેન કરી પેમેન્ટ કરનારા ચેતી જાઓ: માર્કેટમાં ચાલી રહ્યો છે નવો QR કોડ સ્કેમ, આ રીતે રહો સુરક્ષિત
આ સમાચાર સાંભળો

ડિજિટલ પેમેન્ટ્સ આજે રોજિંદા જીવનનો મહત્ત્વનો ભાગ બની ગયો છે. ખાસ કરીને Google Pay, PhonePe અને Paytm જેવી એપ્સ દ્વારા QR કોડ સ્કેન કરીને પેમેન્ટ કરવું ખૂબ સરળ બની ગયું છે. જોકે હવે સ્કેમર્સ એક પગલું આગળ વધી ગયા છે અને આ સુવિધાનો જ દુરુપયોગ કરીને લોકોને સ્કેમ કરવાની નવી રીત અપનાવી રહ્યા છે. સ્કેમર્સ દ્વારા પહેલાં જે તે વ્યક્તિને ટાર્ગેટ કરવામાં આવતાં હતાં. તેમના ખાતામાંથી પૈસા પડાવી લેવામાં આવતાં હતાં. જોકે હવે તેઓ યુઝર્સને ટાર્ગેટ નથી કરી રહ્યા, પરંતુ તેમ છતાં તેની અસર યુઝર્સ પર પડી રહી છે.

શું છે આ નવો QR કોડ સ્કેમ?

સ્કેમર્સ દુકાનો અને રેસ્ટોરન્ટમાં મુકેલા ઓરિજિનલ QR કોડને બદલીને પોતાનો નકલી QR કોડ ચોંટાડી દે છે. ઘણી વાર તેઓ આ કામ તે સમયે કરે છે જ્યારે દુકાનમાં ભીડ હોય અથવા સ્ટાફનું ધ્યાન ન હોય. ગ્રાહક જ્યારે એ QR કોડ સ્કેન કરે છે ત્યારે પેમેન્ટ સીધું વેપારીના બદલે સ્કેમર્સના એકાઉન્ટમાં જતું રહે છે અને ગ્રાહકને ખબર પણ પડતી નથી. આથી દુકાનદાર તેના એકાઉન્ટમાં પૈસા નથી આવ્યા એમ કહી યુઝર્સ પાસે ફરી પૈસા માગી શકે છે. આથી તેની અસર યુઝર્સને જ પડે છે.

કેવી રીતે થાય છે છેતરપિંડી?

  • સ્કેમર્સ પોતાનો QR કોડ પ્રિન્ટ કરીને દુકાનના QR પર ચોંટાડી દે છે
  • નકલી કોડ અસલી કોડને ઢાંકી દે છે
  • ગ્રાહક સ્કેન કરે છે અને પૈસા સ્કેમર્સના એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય છે
  • પેમેન્ટ એપ્સ ઘણીવાર એલર્ટ આપતી નથી એટલે લોકો સરળતાથી ફસાઈ જાય છે

પૈસા પાછા મેળવવા કેમ મુશ્કેલ

જો પૈસા ખોટા એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જાય તો તેને પાછા મેળવવું બહુ મુશ્કેલ બને છે. તરત જ બેંકમાં ફરિયાદ અને રિપોર્ટ કરવાથી થોડી મદદ મળી શકે છે પરંતુ મોડું થાય તો પૈસા પાછા મળવાની શક્યતા ઓછી રહે છે. આથી સતત ચેતેલા રહેવું પડે છે.

કેવી રીતે સુરક્ષિત રહેશો?

ગ્રાહકો માટે સાવચેતી

  • QR કોડ સ્કેન કરતા પહેલાં ધ્યાનથી જુઓ કે તે ચોંટાડેલો કે તૂટેલો તો નથી
  • કોડ વાંકો ડબલ સ્ટીકર કે છૂટેલો લાગે તો પેમેન્ટ ન કરો
  • પેમેન્ટ કરતા પહેલાં એપમાં દેખાતું વેપારીનું નામ ચોક્કસ ચેક કરો
  • શક્ય હોય તો કેશિયર પાસે કન્ફર્મ કરો કે QR કોડ સાચો છે
  • શંકા થાય તો UPI ID મેન્યુઅલી દાખલ કરીને પેમેન્ટ કરો

વેપારીઓ માટે સલાહ

  • QR કોડને નિયમિત ચેક કરો
  • ડિજિટલ સ્ક્રીન QR અથવા સાઉન્ડ બોક્સ પેમેન્ટ કન્ફર્મેશન નો ઉપયોગ કરો
  • દુકાનમાં QR કોડ એવી જગ્યાએ મૂકો જ્યાં સ્ટાફની નજર રહે
  • શંકાસ્પદ સ્ટીકર અથવા કોડ દેખાય તો તરત દૂર કરો

QR કોડ પેમેન્ટ્સ સુવિધાજનક છે પરંતુ થોડું બેદરકાર બનવાથી મોટું નુકસાન થઈ શકે છે. થોડું ધ્યાન અને સાવચેતી રાખશો તો તમે આ નવા પ્રકારના સ્કેમથી સરળતાથી બચી શકો છો.

આ સમાચાર શેર કરો