VIDEO: વિસનગરમાં વર્ષો જૂનું પરંપરાગત ખાસડા યુદ્ધની કરાઈ ઉજવણી, ખજૂર ભરેલો ઘડો મેળવવા થાય છે ઘર્ષણ
વિસનગરના મંડી બજાર વિસ્તારમાં ધુળેટીના દિવસે ૧૦૦ વર્ષથી ખાસડા યુધ્ધની ઊજવણી કરવાની પરંપરા ચાલી આવ
વિસનગરના મંડી બજાર વિસ્તારમાં ધુળેટીના દિવસે ૧૦૦ વર્ષથી ખાસડા યુધ્ધની ઊજવણી કરવાની પરંપરા ચાલી આવે છે. જો કે, હવે ખાસડા સાથે શાકભાજી પણ મારવામાં આવે છે. વિસનગરના મંડીબજાર વિસ્તારમાં ધુળેટીની વહેલી સવારે ઉત્તર વિભાગમાં વસતા મોદી, ઠાકોર અને પટેલ સમાજના લોકોનું તેમજ દક્ષિણ વિભાગમાં વસતા બ્રાહ્મણ, કંસારા અને વાણિયા તેમજ પટેલ સમાજના લોકોનું જૂથ એકઠું થાય છે અને બંને જૂથોએ સામસામે ખાસડાં તેમજ શાકભાજી ફેંકવાનું શરૂ કરતાં યુદ્ધ જેવો માહોલ રચાય છે. ત્યારબાદ ચોકમાં ખજૂર ભરેલો ઘડો મેળવવા બંને જૂથો વચ્ચે ઘર્ષણ સર્જાય છે. આ યુદ્ધ પૂરું થયા બાદ વિજેતા જૂથે સમગ્ર વિસ્તારમાં ઘરે ઘરે ફરીને ખજૂર ઉઘરાવી શહેરીજનોને વહેંચણી કરે છે.
100 વર્ષની પરંપરાને આજે પણ જીવંત રાખી છે
કહેવાય છે કે, જેને ખાસડું વાગે તેનું વર્ષ સારૂ જાય તેવી માન્યતા છે. વર્ષો પૂર્વે આ ખાસડા યુદ્ધની પરંપરા મહારાષ્ટ્રમાં ચાલતી હતી અને તે સમયે ગુજરાત મુંબઇ રાજ્યમાં હતું. ત્યારથી આ યુદ્ધની શરૂઆત અહીં થઇ છે, જે આજે પણ યથાવત છે. ફેર એટલો આવ્યો છે કે, હાલ ખાસડાનું પ્રમાણ ઓછું હોય છે. તેનું સ્થાન બટાકા, ડુંગળી, ટામેટા તેમજ રીંગણ સહિતનાં શાકભાજીએ લીધું છે. ધૂળેટીના દિવસે ૧૦૦ વર્ષથી વિસનગરવાસીઓએ હજુ પણ આ પરંપરાને જીવંત રાખી છે. જો કે, હવે ખાસડાને બદલે શાકભાજીનો જ મારો ચલાવીને આ ઉજવણી થાય છે.
ખાસડું ખાવાથી વર્ષ સારું જાય છે
આમ તો કોઇને શાકભાજી કે ખાસડુ છુટ્ટુ મારવામાં આવે તો ઝઘડો થઇ જાય. પણ ધૂળેટીના દિવસે વિસનગરમાં કોઇપણને શાકભાજી કે ખાસડુ મારવાની છૂટ છે. લોકે હોશે હોશે ખાસડા અને શાકભાજીનો માર ખમે છે. કારણ કે, જુત્તું ખાવાથી પણ વર્ષ સારું જાય છે ભાઈ અને આ પણ એક અનોખી પરંપરા છે.








