VIDEO: ભ્રષ્ટાચારી નેતા સામે જનતાનો આક્રોશ: આવાસ અને મજૂરીના નાણાં હડપ કરનાર નેતાના ઘર-ઓફિસ પર પથ્થરમારો
પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ
પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) નેતાને આવાસ યોજના અને મજૂરોના ફંડમાં ગોટાળો કરવો ભારે પડ્યો છે. નેતાએ ભ્રષ્ટાચાર આચર્યું હોવાનો મામલો સામે આવ્યા બાદ ગ્રામજનોની ભીડે રોષમાં આવીને પંચાયતની ઓફિસ અને નેતાના ઘરમાં જોરદાર તોડફોડ કરી છે. ગુસ્સામાં આવેલા લોકોએ નેતાના ઘરને નિશાન બનાવી મોટું નુકસાન પહોંચાડ્યું છે.
ગ્રામ પંચાયતના પ્રમુખ કૌભાંડ આચરતા ગ્રામજનો ભડક્યા
મળતી માહિતી મુજબ, આ ઘટના રાજ્યના હાવડા શહેરના આમતા વિધાનસભા ક્ષેત્રના કશ્મુલી ગ્રામ પંચાયતમાં બની છે. અહીં ગ્રામ પંચાયતના પ્રમુખ તરૂણ દલુઈએ કૌભાંડ આચર્યું હોવાનો મામલો આવ્યા બાદ ગ્રામજનો ગુસ્સે થયા છે અને તેઓએ કાયદો-વ્યવસ્થા તોડી ગામમાં હોબાળો મચાવી દીધો છે. ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓએ ટીમ સાથે સ્થળ પર પહોંચી જઈને સ્થિતિ કાબુમાં લઈ લીધી છે. આ ઉપરાંત ગામમાં પોલીસનો કાફલો પણ ખડગી દેવાયો છે.
જૉબ કાર્ડમાં ગોટાળો કરવાનો આક્ષેપ
રિપોર્ટ મુજબ, સ્થાનિક સ્તરે ચાલી રહેલા નાણાંકીય ભ્રષ્ટાચારના કારણે ગ્રામજનો ખૂબ જ નારાજ થયા છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે, પંચાયતના પ્રમુખ દલુઈએ સરકારી આવાસ યોજના હેઠળ ગરીબોને ફાળવવામાં આવેલું ફંડ ચાઉ કરી ગયા છે.
પંચાયત પ્રમુખ શ્રમિકોના નાણાં પણ ચાઉ કરી ગયા
એટલું જ નહીં, પંચાયતના પ્રમુખે જૉબ કાર્ડ દ્વારા મજૂરી કરનારા શ્રમિકોના નાણાં પણ હડપ કર્યા હોવાનો આક્ષેપ કરાયો છે. હકની કમાણી અને સરકારી મદદ ન મળવાના કારણે પરેશાન થયેલા ગ્રામજનોનો ધૈર્ય ખુટી ગયા બાદ તેઓએ એક થઈને પ્રમુખના ઘરને ઘેરીને હુમલો કર્યો છે.
તોડફોડ કરનારા ગ્રામજનો સામે કાયદાકીય કાર્યવાહી થશે
હાવડા ગ્રામીણ પોલીસ અધિક્ષક સુબિરમલ પાલે કશ્મુલી ગ્રામ પંચાયતની ઘટના અંગે માહિતી આપી છે કે, જૉબ કાર્ડ અને તેની ચુકવણીને લઈને સ્થાનીક લોકો વચ્ચે ગંભીર વિવાદ ઉભો થયો હતો. તે પછી સ્થાનિક લોકોએ કાયદો હાથમાં લઈ પંચાયત પ્રમુખના ઘરે હુમલો કર્યો હતો. પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે. પોલીસે હિંસા અને તોડફોડમાં સામેલ લોકોની ઓળખ કરી કાયદાકીય કાર્યવાહી શરૂ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.






