Video/ વિકાસ ક્યાં છે? નસવાડીમાં રસ્તાના અભાવે પ્રસૂતાને સ્ટેચરમાં ઉંચકીને હોસ્પિટલ લઈ જવી પડી
છોટાઉદેપુર: ગુજરાતમાં એકતરફ ડિજિટલ ઈન્ડિયા અને સ્માર્ટ વિલેજના દા

છોટાઉદેપુર: ગુજરાતમાં એકતરફ ડિજિટલ ઈન્ડિયા અને સ્માર્ટ વિલેજના દાવાઓ કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ છેવાડાના આદિવાસી વિસ્તારોમાં આજે પણ પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના તલાવ ગામેથી વિકાસની પોકળતા છતી કરતા દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં એક સગર્ભા મહિલાને હોસ્પિટલ પહોંચાડવા માટે પરિવારે ભારે હાલાકી ભોગવવી પડી હતી.
એમ્બ્યુલન્સ પહોંચી શકી નહીં, મહિલાઓએ ઉપાડ્યું સ્ટેચર
મળતી માહિતી મુજબ, તલાવ ગામના ટેકરા ફળિયામાં રહેતી એક સગર્ભા મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. જોકે, ફળિયા સુધી પહોંચવાનો રસ્તો અત્યંત કાચો અને બિસમાર હોવાથી એમ્બ્યુલન્સ અડધો કિલોમીટર દૂર જ ઉભી રહી ગઈ હતી. આ કપરી પરિસ્થિતિમાં સ્ટેચર ઉંચકવા માટે પુરુષો હાજર ન હોવાથી, ગામની અન્ય મહિલાઓએ જ હિંમત બતાવી હતી અને સગર્ભાને સ્ટેચરમાં સુવડાવી અડધો કિલોમીટર દૂર ઉભેલી એમ્બ્યુલન્સ સુધી ઉંચકીને લઈ ગઈ હતી.
ઝોળી મુક્ત અભિયાન અને વાસ્તવિકતા
સરકાર દ્વારા ગામડાઓને 'ઝોળી મુક્ત' કરવા માટે અભિયાન ચલાવવામાં આવે છે અને તેના વિકલ્પરૂપે આરોગ્ય વિભાગ દ્વારા ગામડાઓમાં સ્ટેચર આપવામાં આવ્યા છે. પરંતુ તલાવ ગામની આ ઘટનાએ સાબિત કર્યું છે કે માત્ર સાધનો આપવાથી સમસ્યાનો ઉકેલ આવતો નથી. પાકા રસ્તાના અભાવે આજે પણ આદિવાસી પરિવારો દર્દીઓ અને સગર્ભા મહિલાઓને ઉંચકીને લઈ જવા મજબૂર બન્યા છે.
તંત્ર સામે રોષ
નોંધનીય છે કે 800થી વધુની વસ્તી ધરાવતા તલાવ ગામના મુખ્ય માર્ગ સુધી પાકો રસ્તો બન્યો છે, પરંતુ અંદરના ફળિયાઓ આજે પણ વિકાસથી વંચિત છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેક રજૂઆતો છતાં રસ્તાનું કામ કરવામાં આવતું નથી, જેને કારણે દર ચોમાસે અને કટોકટીના સમયે આવી ગંભીર સમસ્યાઓ સર્જાય છે.








