Video/ સુરત સિવિલમાં વેન્ટિલેટર પર રહેલી 20 દિવસની માસૂમ દીકરીને તરછોડી માતા ફરાર! CCTVમાં કેદ થઈ જનેતા

સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર ચર્ચામાં આવી છે, પરંતુ આ વખતે કોઈ સાર

સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર ચર્ચામાં આવી છે, પરંતુ આ વખતે કોઈ સારવારને કારણે નહીં પણ એક માતાની નિર્દયતાને કારણે. મહારાષ્ટ્રના પાલઘરના જંગલોમાં જન્મેલી અને જીવજંતુઓના દંશથી ઘવાયેલી 20 દિવસની માસૂમ બાળકીને તેની માતા હોસ્પિટલના ICU વોર્ડમાં જ લાવારિસ છોડીને ભાગી ગઈ છે. 

જંગલમાં જન્મ અને જીવજંતુઓનો આતંક

જાહેરાત

આ ઘટનાની પૃષ્ઠભૂમિ મહારાષ્ટ્રના પાલઘરના જંગલ વિસ્તારની છે. જંગલમાં રહેતી એક મહિલાએ 20 દિવસ પહેલા બાળકીને જન્મ આપ્યો હતો. કમનસીબે, જંગલ વિસ્તાર હોવાથી માસૂમ બાળકીને માથાના ભાગે જીવજંતુઓ કરડી ગયા હતા. બાળકીની હાલત બગડતા તેને પહેલા પાલઘર અને ત્યારબાદ વલસાડ ખસેડવામાં આવી હતી. જોકે, તબિયત વધુ નાજુક જણાતા તેને વધુ સારવાર માટે સુરતનીનવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી.

હોસ્પિટલમાંથી માતાનું  પલાયન

સુરત સિવિલના તબીબોએ બાળકીની ગંભીર સ્થિતિ જોઈ તેને તાત્કાલિક NICU (નવજાત શિશુ સઘન સારવાર વિભાગ) માં દાખલ કરી હતી. બાળકી જ્યારે વેન્ટિલેટર અને સારવાર હેઠળ જીવનની જંગ લડી રહી હતી, ત્યારે જ તેની માતાએ માનવતા લજવી હતી. તક મળતા જ આ નિષ્ઠુર જનેતા હોસ્પિટલના ગેટથી ઓટો રિક્ષામાં બેસીને ફરાર થઈ ગઈ હતી.

CCTV ફૂટેજમાં કેદ થઈ જનેતા

માતા ગુમ જણાતા હોસ્પિટલ તંત્રએ તપાસ કરી અને CCTV કેમેરા ચેક કર્યા હતા. જેમાં સ્પષ્ટપણે જોવા મળ્યું કે માતા બાળકીને સારવાર હેઠળ મૂકીને ચુપચાપ રિક્ષા પકડીને ભાગી રહી છે. હોસ્પિટલના સત્તાધીશોએ આ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.

પોલીસ કાર્યવાહી અને તબીબોની ચિંતા

બાળકીની હાલત અત્યંત નાજુક છે અને તે ICUમાં સારવાર હેઠળ છે. નવી સિવિલ હોસ્પિટલના તબીબે આ મામલે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે CCTV ફૂટેજના આધારે રિક્ષાનો નંબર અને માતા કઈ દિશામાં ગઈ છે તેની તપાસ તેજ કરી છે.

માનવતા સામે સવાલ

એક તરફ હોસ્પિટલના ડોક્ટરો આ નાનકડા જીવને બચાવવા દિવસ-રાત એક કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ તેની પોતાની જ માતા તેને એકલી મૂકીને જતી રહી છે. પાલઘરથી સુરત સુધીની સફર બાળકીને બચાવવા માટે હતી કે તેને તરછોડવા માટે? તે હવે તપાસનો વિષય છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત