Video: બોટાદના મનોદિવ્યાંગ બાળકોએ બનાવ્યા રંગબેરંગી કોડિયા
દેશભરમાં જ્યારે સરકાર 'સ્વદેશી અપનાવો', 'આત્મનિર્ભર ભારત' અને 'લોકલ ફોર વોકલ'ના સૂત્રો
દેશભરમાં જ્યારે સરકાર 'સ્વદેશી અપનાવો', 'આત્મનિર્ભર ભારત' અને 'લોકલ ફોર વોકલ'ના સૂત્રો પર ભાર મૂકી રહી છે, ત્યારે બોટાદના આસ્થા મનોદિવ્યાંગ તાલીમ કેન્દ્ર ખાતે એક અનોખી પહેલ જોવા મળી રહી છે. આ કેન્દ્રમાં અભ્યાસ કરી રહેલા મનોદિવ્યાંગ બાળકો દિવાળીના પર્વને ખાસ બનાવવા માટે રંગબેરંગી માટીના કોડિયા બનાવવાની કામગીરીમાં જોડાયા છે.
સર્જનાત્મક શક્તિનો વિકાસ
તાલીમી શિક્ષકો દ્વારા આ બાળકોની સર્જનાત્મક શક્તિ વિકસાવવાના પ્રયત્નોના ભાગરૂપે તેમને કોડિયા બનાવવાની કામગીરી માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. સ્પેશિયલ શિક્ષકોની સૂઝબૂઝથી આ દિવ્યાંગ બાળકો વિવિધ તહેવારો નિમિત્તે હસ્તકલાની ચીજવસ્તુઓ બનાવવાનું શીખે છે. ખાસ કરીને દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને, આ બાળકોમાં સર્જનાત્મકતા ખીલે તેવા ઉદ્દેશ્યથી તેમને માટીના કોડિયા બનાવવાનું અને તેના પર વિવિધ રંગ કરવાનું શીખવવામાં આવે છે.
માર્કેટમાં સારો પ્રતિસાદ
મનોદિવ્યાંગ બાળકોએ બનાવેલા આ માટીના દીવડાઓને વેચાણ માટે માર્કેટમાં મૂકવામાં આવે છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં સ્ટોલ બનાવીને આ કોડિયાનું વેચાણ કરવામાં આવે છે. સ્થાનિક લોકો પણ આ બાળકોને પ્રોત્સાહિત કરવા અને તેમના કાર્યને બિરદાવવા માટે મોટી સંખ્યામાં આ કોડિયાની ખરીદી કરીને ખૂબ સારો પ્રતિસાદ આપી રહ્યા છે.
આ વર્ષે પણ તાલીમ કેન્દ્રના 43 વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલા માટીના કોડિયા બોટાદ શહેરના વિવિધ વિસ્તારોમાં વેચાણ માટે તૈયાર કરવામાં આવ્યા છે. આ પ્રયાસો માત્ર બાળકોને તાલીમ જ નથી આપતા, પરંતુ તેમને આત્મનિર્ભરતા તરફ પ્રેરિત કરીને સમાજની મુખ્ય ધારા સાથે જોડવામાં પણ મદદરૂપ થાય છે.








