Video/ ભચાઉ હાઈવે પર મીની બસ અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ટક્કર બાદ વાહનો બન્યા અગનગોળો
કચ્છ જિલ્લાના ભચાઉ-સામખીયાળી નેશનલ હાઈવે પર રવિવારે મોડી રાત્રે એક કાળજું ધ્રુજાવી દે

કચ્છ જિલ્લાના ભચાઉ-સામખીયાળી નેશનલ હાઈવે પર રવિવારે મોડી રાત્રે એક કાળજું ધ્રુજાવી દે તેવી ઘટના સામે આવી છે. ભચાઉના વોંધ ગામ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી એક મીની બસ અને ટ્રેલર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો ભીષણ હતો કે ટક્કર થતાની સાથે જ બંને વાહનોમાં ભયંકર આગ ફાટી નીકળી હતી.
અકસ્માત બાદ વાહનો ભડભડ સળગ્યા
મળતી વિગતો અનુસાર, વોંધ પાસે જ્યારે આ બંને વાહનો અથડાયા ત્યારે સર્જાયેલા ઘર્ષણના કારણે મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. હાઈવે પર દૂર-દૂર સુધી આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. અકસ્માતને પગલે હાઈવે પર અન્ય વાહનચાલકોમાં ભારે નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
14 મુસાફરોનો આબાદ બચાવ
આ દુર્ઘટનામાં મોટી જાનહાનિ ટળી છે. આગની લપેટમાં આવેલી મીની બસમાંથી 14 જેટલા મુસાફરોને સમયસૂચકતા વાપરીને હેમખેમ બહાર કાઢી લેવામાં આવ્યા હતા. સ્થાનિક લોકો અને રાહદારીઓએ તાત્કાલિક મદદ કરીને બસમાં ફસાયેલા લોકોને બચાવ્યા હતા. જોકે, વાહનોમાં લાગેલી આગ એટલી પ્રચંડ હતી કે ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા જ બંને વાહનો બળીને ખાખ થઈ ગયા હતા.
હાઈવે પર ટ્રાફિક જામ
નેશનલ હાઈવે પર સર્જાયેલા આ અકસ્માત અને આગની ઘટનાને કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો. સામખીયાળી અને ભચાઉ વચ્ચે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ક્રેઈન અને અન્ય સાધનોની મદદથી ક્ષતિગ્રસ્ત વાહનોને ખસેડવાની કામગીરી હાથ ધરી હતી અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.
આ અકસ્માતે ફરી એકવાર નેશનલ હાઈવે પર વાહનોની ગતિમર્યાદા અને સુરક્ષા સામે સવાલો ઉભા કર્યા છે. સદનસીબે મુસાફરોનો બચાવ થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.






